Sun Oct 11 2026

Logo

અમિતાભ બચ્ચનના 84મા જન્મદિવસે લાતુરની શાળાની અનોખી પહેલ હાથ ધરાઈ, જાણો શું છે?

2026-10-11 18:26:00
Author: Mumbai Samachar Team
અમિતાભ બચ્ચનના 84મા જન્મદિવસે લાતુરની શાળાની અનોખી પહેલ હાથ ધરાઈ, જાણો શું છે?

મુંબઈ: મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના અહમદપુરમાં આવેલી ડૉ. હરિવંશરાય બચ્ચન વિદ્યાલયે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના 84મા જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. આજે અહીંની શાળામાં કેક અને મીણબત્તીઓની જગ્યાએ કવિતા, સંગીત અને નવીનતાની સાથે બિગ બીના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ હતી. ‘મધુશાલા ટુ જ્ઞાનશાલા’ નામની પહેલ હેઠળ વિદ્યાર્થીઓએ કવિ ડૉ. હરિવંશરાય બચ્ચનની રચનાઓને પોતાના અવાજમાં રજૂ કરીને ઉજવણીને સાહિત્ય સાથે જોડી હતી.

સરકારી સહાયથી ચાલતી આ શાળાના સ્થાપક નિવૃત્તિ યાદવે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ હરિવંશરાય બચ્ચનની કવિતાઓને સંગીતબદ્ધ કરીને પોતાના અવાજમાં રેકોર્ડ કરી હતી અને નૃત્ય પણ રજૂ કર્યું હતું. આ પહેલનો હેતુ ગ્રામીણ વિસ્તારનાં બાળકોમાં હિન્દી સાહિત્ય પ્રત્યે રસ જગાડવા સાથે સર્જનાત્મકતા અને ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉજવણી શાળાની 20મી વર્ષગાંઠ સાથે પણ જોડાયેલી હતી.

‘મધુશાલા ટુ જ્ઞાનશાલા’ પહેલ હેઠળ વિદ્યાર્થીઓએ ઑડિયો ક્યૂઆર કોડ આધારિત જ્ઞાનભંડાર તૈયાર કર્યો છે. આ નિઃશુલ્ક પહેલ દ્વારા કવિતાઓ અને શૈક્ષણિક સામગ્રીને હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં ઑડિયો સ્વરૂપે સાંભળી શકાય છે. શાળાના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ બાળકોને મોબાઈલ ગેમિંગ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થવા સાથે તેમની સાંભળવાની કુશળતા વિકસાવવા અને સાહિત્ય પ્રત્યે પ્રેમ વધારવાનો પ્રયાસ કરશે.

આ પહેલમાં વિદ્યાર્થીઓ પોતાના જ આવાજમાં સાહિત્યિક રચનાઓ રેકોર્ડ કરીને રજૂ કરે છે, જેથી તેમને કવિતા અને બહુભાષી શિક્ષણમાં રસ વધે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણને વધુ રસપ્રદ અને સરળતાથી ઉપલબ્ધ બનાવવાનો આ પ્રયાસ ગ્રામીણ બાળકો માટે નવી તક નિર્માણ કરે છે. અમિતાભ બચ્ચનના 84મા જન્મદિવસને યાદગાર બનાવવા માટે વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવીને ‘84’નો આકાર પણ બનાવ્યો હતો. સંગીત, કવિતા અને ટેક્નોલોજીના સંયોજનથી શાળાએ તેની બે દાયકાની શૈક્ષણિક સફરને ઉજવી હતી. આ રીતે અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી માત્ર ફિલ્મી ચાહના પૂરતી સીમિત ન રહી, પરંતુ સાહિત્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપતી પહેલ બની હતી.