Sun Oct 11 2026

Logo

અમદાવાદમાં ગટરમાં પડેલી બાળકીની ભાળ નથી મળતી ત્યાં સુરતમાં ગટરમાં પડી જતા નવ મહિનાની બાળકીનું મોત

2026-10-11 18:06:48
Author: Pooja Shah
અમદાવાદમાં ગટરમાં પડેલી બાળકીની ભાળ નથી મળતી ત્યાં સુરતમાં ગટરમાં પડી જતા નવ મહિનાની બાળકીનું મોત

અમદાવાદઃ અમદાવાદમાં શનિવારે લગભગ 20 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પ્રજ્ઞાચક્ષુ બાળકી ખાબકી હતી, જેની રવિવારે મોડી સાંજ સુધી કોઈ ભાળ મળી નથી, ત્યારે સુરતમાં જ આવી એક કમનસીબ ઘટના ઘટી હતી જેમાં માત્ર નવ મહિનાની બાળકી ખુલ્લી ગટરમાં પડતા તેનું મોત થયું હતું. 

ઘટનાની મળતી વિગતો અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમા આવેલી જીઆઈડીસીમાં આવેલી એક ફેક્ટરીના બોઈલર નજીક આવેલી ખુલ્લી ગટરના ખાડામાં એક નવેક મહિનાની બાળકી પડી ગઈ હતી. બાળકીનું નામ ગૌરી ઉર્ફે અમૃતા હોવાનું સામે આવ્યું છે, 
બાળકીનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે અને તેનાં પિતા બુદ્ધવિલાસ પ્રિન્ટિંગ મિલમાં મજૂરી કામ કરે છે અને અહીં પરિસરમાં જ રહે છે. આ ઘટના વહેલી સવારે બની હોવાનું જાણવા મળ્યું હતું. બાળકીના પિતાના જણાવ્યા અનુસાર સવારે પાંચેક વાગ્યે બાળકી અન્ય બાળકો સાથે જાગી હતી અને પરિસરમાં જ રમતી હતી. બાળકી ઘુંટણિયે ચાલતી હતી. અન્ય બાળકો મોબાઈલ જોવામાં વ્યસ્ત થઈ ગયા અને બાળકી ક્યારે ઘુંટણિયા ભરી ગટરમાં ખાબકી તેની કોઈને ખબર પડી ન હતી. થોડા સમય બાદ બાળકી ન દેખાતા તેની શોધખોળ કરી ત્યારે તે ગટરમાંથી મળી આવી હતી. ગટરને ઢાંકણ હતું, પરંતુ તે થોડું ખુલ્લુ હતું તેથી બાળકી તેમાં ખાબકી ગઈ હશે. તેને બહાર કાઢવામાં આવી હતી, પરંતુ તેનો જીવ ચાલ્યો ગયો હતો. 

બુદ્ધવિલાસને કુલ ચાર બાળક છે, જેમાં સૌથી નાનું સંતાન નવ મહિનાની દીકરી હતી. દીકરીના આ રીતે થયેલા મોતના આઘાતને કારણે માતા અસ્વસ્થ થઈ ગઈ હતી ત્યારે પરિવારમાં આક્રંદ છવાયું હતું. પરિવારે ગટરને યોગ્ય રીતે બંધ ન કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.