અમદાવાદઃ સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાની આત્મહત્યાના કેસમાં બે મહિલા ડોક્ટરને પોલીસે પકડી પાડી હતી. ડો. પંડ્યાએ કથિત રીતે રેગિંગથી કંટાળી આત્મહત્યા કર્યાના અહેવાલો બહાર આવ્યા હતા. આ કેસમાં ચાર સિનિયર ડોક્ટરના નામ લેવામાં આવતા હતા, જેમાંથી બે ડોક્ટર ભાવનગરની 25 વર્ષીય દિક્ષીતા ઘેવરીયા અને રાજુલાની 27 વર્ષીય હિના ભૂતની ખટોદરાની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે અન્ય બે આરોપી ડોક્ટરો હજુ ફરાર હોવાથી શોધખોળ કરવામાં આવી રહી છે.
સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં 8 ઓગસ્ટે ડૉ. પંડ્યાએ પોતાના રૂમમાં આત્મહત્યા કરી હતી. આ મામલે ફેક્ટ-ફાઈન્ડિંગ અને મેડિકલ કમિટીના રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ રેગિંગ થયું હોવાનું સામે આવ્યું હતું. મૃતક સહિત અન્ય જૂનિયર ડોક્ટરોએ પણ રેગિંગનો સામનો કર્યો હોવાનું પૂછપરછમાં જણાવ્યું હતું. તેના આધારે મૃતકના પિતાએ 15 ઓગસ્ટના રોજ એટ્રોસિટી અને દુષ્પ્રેરણનો ગુનો નોંધાવ્યો હતો.
ડોક્ટરની આત્મહત્યા બાદ ભારે ચકચાર મચતા આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરિયાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. બન્નેની ધરપકડ બાદ પોલીસે પુરાવા રજૂ કર્યા હતા, જેમાં એન્ટિ રેગિંગ કમિટીનો અહેવાલ અને અન્ય ડોક્ટરોએ આપેલી વૉટ્સએપ ચેટ્સનો સમાવેશ થાય છે. આ કેસમાં હજુ અન્ય બે ફરાર આરોપીઓ અનુજ મહેશ્વરી અને નિરાલી વસાવેને પકડવાના બાકી છે.