ભુજ: પૂર્વ કચ્છના ઔદ્યોગિક મથક ગાંધીધામ શહેરમાં વાહનોની લે-વેચ અને ઇન્સ્યોરન્સના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીને વિશ્વાસમાં લઈ, વાહન લોન તેમજ હાથ ઉછીના નાણાં મેળવી કુલ રૂપિયા ૪,૬૬,૧૭,૯૮૨ની રકમની છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કરવા બદલ વેપારી ભાગીદાર સામે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીધામ ખાતે રહેતા વેપારી જેમ્સ હરિલાલ ઠક્કરે પોતાની સાથે વેપારમાં સંકળાયેલા આરોપી ભાર્ગવ મહેન્દ્ર ઠક્કર (રહે. ગાંધીધામ) વિરુદ્ધ વિધિવત્ ગુનો નોંધાવ્યો છે. ગત તા. ૧ જાન્યુઆરી ૨૦૧૬થી લઈને ૯ ઓક્ટોબર ૨૦૨૬ સુધીના આશરે દસ વર્ષના લાંબા ગાળા દરમિયાન આ આર્થિક છેતરપિંડી આચરવામાં આવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી જેમ્સભાઈએ પોતાના તથા તેમનાં પત્નીના નામે આરોપી ભાર્ગવને ઓડી તેમજ બીએમડબલ્યુ જેવી લક્ઝુરિયસ કાર માટે વાહન લોન કરાવી આપી હતી. જોકે, આરોપીએ આ લોનના હપ્તા ભરપાઈ કરવાનું બંધ કરી દીધું હતું. બેંક સમક્ષ પોતાની અને પત્નીની ક્રેડિટ ખરાબ ન થાય તે માટે ફરિયાદીએ જાતે આગળ આવી બંને કારની લોન પેટેના રૂપિયા ૬૯,૧૮,૧૦૫ બેંકમાં ભરી દીધા હતા, પરંતુ આ રકમ આરોપીએ તેમને ક્યારેય પરત કરી નહોતી.
આ ઉપરાંત આરોપીએ સમયાંતરે નાણાકીય ભીડનું બહાનું કાઢી ફરિયાદી પાસેથી હાથ ઉછીના પેટે રૂપિયા ૧,૩૩,૩૫,૪૭૮ મેળવ્યા બાદ પરત આપ્યા નહોતા. સાથે જ વીમા કામગીરી પેટે નીકળતા કમિશનના રૂપિયા ૧,૦૧,૫૯,૮૨૬ તેમજ નિયમિત વેપાર-ધંધાની લેતી-દેતી પેટેના રૂપિયા ૧,૬૨,૦૪,૫૭૩ મેળવીને રકમ ઓળવી ગયો હતો. એટલું જ નહીં, પોતાની દેવાની રકમ ઓછી દર્શાવવાના બદઇરાદે આરોપીએ બેંક ખાતામાં રૂપિયા બે લાખનો બોગસ આર્થિક વ્યવહાર પણ દર્શાવ્યો હોવાનું બહાર આવ્યું છે.
ફરિયાદીએ પોતાની નીકળતી કુલ રૂપિયા ૪.૬૬ કરોડથી વધુની રકમની ઉઘરાણી કરતાં આરોપી ભાર્ગવ ઠક્કર સતત વાયદાઓ કરતો રહ્યો હતો અને અંતે નાણાં પરત ચૂકવવાના બદલે ફરિયાદીને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી. આખરે ભોગ બનનાર વેપારીએ ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતાં પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ધમકી સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
ઉત્સવ વૈદ્ય