Sat Oct 10 2026

Logo

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર ફરી હુમલો! ટર્મિનલ ખાલી કરાવાયું, ફ્લાઇટ્સ રોકાઈ

Riyadh   2026-10-10 21:44:30
Author: Mumbai Samachar Team
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર ફરી હુમલો! ટર્મિનલ ખાલી કરાવાયું, ફ્લાઇટ્સ રોકાઈ

AP


રીયાદઃ સાઉદી અરેબિયાની રાજધાની રીયાદના કિંગ ખાલીદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે અચાનક હુમલો થતા એરપોર્ટ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું.  એરટ્રાફિક પણ રોકી દેવામાં આવ્યો હતો. એરપોર્ટ સંબંધિત જે તે અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે બે દિવસ પહેલા જ વિમાન પર હુમલામાં પાયલટ 3 સાઉદી નાગરિકોના મોત નીપજ્યા હતા. ઈરાન યુદ્ધના નવા જ તબક્કામાં સાઉદી અરેબિયા પર સતત હુમલા થઈ રહ્યા છે. 

એરપોર્ટ ખાલી કરાવી દેવાયુ
રિયાધ એરપોર્ટને શનિવારે થયેલા હુમલા બાદ ખાલી કરાવવામાં આવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે એરપોર્ટ પર હવાઈ અવરજવર અટકાવી દેવામાં આવી હતી. તમામ ફ્લાઈટ ઑપરેશન બંધ કરી દેવામાં આવ્યા હતા. બંને અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે આ માહિતી આપી હતી.  એરપોર્ટ વહીવટીતંત્રે મુસાફરો માટે એક સંક્ષિપ્ત સૂચના જાહેર કરી છે.  જેમાં તેમને સલાહ આપવામાં આવી હતી કે એરપોર્ટ તરફ જતા પહેલા તેઓ સંબંધિત એરલાઇન્સ પાસેથી તેમની ફ્લાઇટનું સ્ટેટસ જાણી લે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટને અનેકવાર નિશાન બનાવવામાં આવ્યું છે. પાડોશી દેશ યમનમાં ઈરાન-સમર્થિત હુથી બળવાખોરો વિરુદ્ધ સાઉદી-આગેવાની હેઠળના લશ્કરી ગઠબંધને એક મોટું સૈન્ય અભિયાન શરૂ કર્યા બાદ હુમલાઓની આ શ્રેણીમાં તીવ્રતા વધી છે. 

તાત્કાલિક નિવેદન આપ્યું નથી
બુધવારે અગાઉ થયેલા એક હુમલામાં સુદાનના એક નાગરિકનું મોત નીપજ્યું હતું, જેની જવાબદારી હુથી બળવાખોરોએ સ્વીકારી હતી. જોકે શનિવારના હુમલા અંગે હુથી બળવાખોરો 
તરફથી કોઈ તાત્કાલિક નિવેદન આવ્યું નથી. અહેમદ સૈયદ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે,  રાજધાનીને હચમચાવી નાખનારા ઓછામાં ઓછા બે જોરદાર વિસ્ફોટો સંભળાયા. જોકે, પ્રાથમિક અહેવાલોમાં હુમલાના પ્રકાર કે નુકસાનની માત્રા વિશે સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. સાઉદી અધિકારીઓએ પણ આ ઘટના અંગે તાત્કાલિક કોઈ વિગતવાર માહિતી આપી ન હતી. યમનમાં ઈરાન-સમર્થિત હુથી બળવાખોરો અને સાઉદી-સમર્થિત યમની સરકારી દળો વચ્ચે સંઘર્ષ તીવ્ર બન્યો છે. રાતા સમુદ્ર નજીક હુથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલી તાજેતરની આગળ વધવાની કાર્યવાહીને રોકવા માટે સાઉદી-આગેવાની હેઠળનું ગઠબંધન સરકારી સૈનિકોને હવાઈ સહાય પૂરું પાડી રહ્યું છે.

હુથીના નિશાને સાઉદી અરેબિયા
એક નવી પરિસ્થિતિએ તેમને દરિયાઈ જહાજોની અવરજવર પર વધુ સારી રીતે દેખરેખ રાખવાની તક પૂરી પાડી છે. આ દરિયાઈ માર્ગ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ના વિકલ્પ તરીકે કામ કરી શકે છે. હુથી બળવાખોરોએ જણાવ્યું છે કે નાકાબંધીના જવાબમાં તેઓ માત્ર સાઉદી જહાજોને જ નિશાન બનાવી રહ્યા છે; તેમના મતે, આ પગલું તેમની વિરુદ્ધ લાદવામાં આવેલી નાકાબંધીના વળતા જવાબ રૂપે લેવામાં આવી રહ્યું છે.