Sat Oct 10 2026

Logo

ઑસ્ટ્રેલિયાના મૅટ રેન્શૉની બીજી સેન્ચુરી અને આ વખતે પણ ડબલ સેન્ચુરી ચૂક્યો...

Durban   2026-10-10 21:53:49
Author: Ajay Motiwala
ઑસ્ટ્રેલિયાના મૅટ રેન્શૉની બીજી સેન્ચુરી અને આ વખતે પણ ડબલ સેન્ચુરી ચૂક્યો...

cricket.com.au


ડરબનઃ ઑસ્ટ્રેલિયાનો 30 વર્ષની ઉંમરનો લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન મૅટ રૅન્શૉ (190 રન, 397 બૉલ, 468 મિનિટ, એક છગ્ગો, 21 ચોગ્ગા) 10 વર્ષની ટેસ્ટ-કારકિર્દીમાં માત્ર 15 ટેસ્ટ રમ્યો છે અને એમાં તેણે શનિવાર પહેલાં એક જ સેન્ચુરી ફટકારી હતી, પરંતુ નવાઈની વાત એ છે કે તે બીજી વખત ડબલ સેન્ચુરી ચૂકી ગયો છે.

અહીં સાઉથ આફ્રિકા સામે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ શનિવારના બીજા દિવસે પહેલા દાવામાં 390 રન બનાવ્યા હતા અને યજમાન ટીમે 27 રનમાં રાયન રિકલ્ટન (0)ની વિકેટ ગુમાવી દીધી હતી.

રૅન્શૉ (Renshaw)એ અગાઉની એકમાત્ર સેન્ચુરી 2017માં ફટકારી હતી. ત્યારે તે જાન્યુઆરી, 2017માં સિડનીમાં પાકિસ્તાન સામે 184 રનના સ્કોર પર વિકેટ ગુમાવી બેઠો હતો. શનિવારે તે 190 રન પર આઉટ થયો હતો.

રેન્શૉ સ્પિનર સાઇમન હાર્મર (Harmer)ના બૉલમાં સ્લિપમાં માર્કરમને કૅચ આપી બેઠો હતો. સાઉથ આફ્રિકાના ત્રણ પેસ બોલરમાંથી વિઆન મુલ્ડેરે ચાર, માર્કો યેનસેને ત્રણ અને ઍન્રિક નોર્કિયાએ બે વિકેટ લીધી હતી.