Sat Oct 10 2026

Logo

પોલીસ બાદ હવે આર્મીમેનનો અંદાજ, અજય દેવગનની ફિલ્મનું શુટિંગ શરૂ

2026-10-10 18:51:13
Author: Mumbai Samachar Team
પોલીસ બાદ હવે આર્મીમેનનો અંદાજ, અજય દેવગનની ફિલ્મનું શુટિંગ શરૂ

મુંબઈ: બોલિવૂડ અભિનેતા અજય દેવગન હાલમાં પોતાની ફિલ્મ ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’ની શાનદાર સફળતાનો આનંદ માણી રહ્યો છે. તે દરમિયાન તેણે પોતાની આગામી એક્શન ડ્રામા ફિલ્મ ‘ચૌહાણ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. અહેવાલો અનુસાર, અજય દેવગન લદ્દાખના કારગિલ પહોંચી ગયો છે અને ત્યાં ફિલ્મનાં મહત્ત્વનાં દૃશ્યોનું શૂટિંગ ચાલી રહ્યું છે.

અહેવાલ અનુસાર, ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રના જણાવ્યા મુજબ, કારગિલના સુંદર પર્વતીય વિસ્તારોમાં ફિલ્મનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ દૃશ્યોનું શૂટિંગ કરવામાં આવશે. શૂટિંગ સરળતાથી પૂર્ણ થઈ શકે તે માટે ફિલ્મ નિર્માતાઓએ અગાઉથી જરૂરી મંજૂરીઓ મેળવી લીધી હતી અને વ્યાપક વ્યવસ્થા પણ કરી છે.કારગિલમાં હાલમાં ભારે ઠંડી પડી રહી છે. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રનું માનવું છે કે અહીંનું ઠંડું વાતાવરણ ફિલ્મનાં દૃશ્યોને વધુ વાસ્તવિક બનાવવામાં મદદ કરશે. 

‘ચૌહાણ’ એક એક્શન ડ્રામા ફિલ્મ છે, જેમાં અજય દેવગન એક નવા અને દમદાર અંદાજમાં જોવા મળશે. ફિલ્મના શૂટિંગ માટે કારગિલ જેવા પર્વતીય વિસ્તારની પસંદગીથી દર્શકોમાં પણ ઉત્સુકતા વધી છે.અજય દેવગન માટે લદ્દાખમાં શૂટિંગ કરવાનો આ પ્રથમ અનુભવ નથી. વર્ષ 2003માં તેણે જે.પી. દત્તાની યુદ્ધ આધારિત ફિલ્મ ‘એલઓસી: કારગિલ’ માટે આ જ વિસ્તારમાં શૂટિંગ કર્યું હતું. હવે લાંબા સમય બાદ તે ફરી લદ્દાખ પહોંચ્યો છે. 

‘ચૌહાણ’ ફિલ્મનું નાનકડું ટીઝર જૂન 2026માં રજૂ કરવામાં આવ્યું હતું. ટીઝરમાં અજય દેવગન સંપૂર્ણ કાળા પોશાકમાં દમદાર અંદાજમાં જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં લોકપ્રિય ગીત ‘જુમ્મા ચુમ્મા દે દે’ સંભળાય છે. ટીઝરના અંતમાં અજયનો સંવાદ, ‘પઠાન સે કહ દેના, ચૌહાણ આ રહા હૈ’ દર્શકોનું ધ્યાન ખેંચે છે. આ સંવાદને કારણે ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતી.

આ ફિલ્મનું દિગ્દર્શન નીરજ યાદવ કરી રહ્યા છે, જ્યારે જિયો સ્ટુડિયોઝ અને કલર યેલો પ્રોડક્શન્સના બેનર હેઠળ જ્યોતિ દેશપાંડે, આનંદ એલ. રાય અને હિમાંશુ શર્મા તેનું નિર્માણ કરી રહ્યા છે. ફિલ્મ 1 ઑક્ટોબર, 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

બીજી તરફ, અજય દેવગનની તાજેતરમાં રિલીઝ થયેલી ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’એ બોક્સ ઑફિસ પર જોરદાર પ્રદર્શન કર્યું છે. 2 ઑક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મે પ્રથમ દિવસે ભારતમાં 66.75 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી. બીજા દિવસે 53.50 કરોડ રૂપિયા અને રવિવારે 61 કરોડ રૂપિયાની કમાણી નોંધાઈ હતી. 27 સપ્ટેમ્બરથી શરૂ થયેલા એડવાન્સ બુકિંગમાં પણ ફિલ્મે રિલીઝ પહેલાં જ 27 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સફળતા વચ્ચે અજય દેવગન હવે ‘ચૌહાણ’ દ્વારા ફરી એકવાર મોટા પડદા પર એક્શનનો નવો અંદાજ રજૂ કરવાની તૈયારીમાં છે.