અમદાવાદ/ રાજકોટઃ અલ-નીનોની અસરે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ થયો છે અને જળાશયો ખાલી રહ્યા છે. આનાથી કઠોળના ઉત્પાદનમાં ઘટાડાની ભીતિ વચ્ચે કૃષિ કોમોડીટીમાં જોરદાર તેજી જોવા મળી છે. તહેવારની સીઝન પહેલા કઠોળમાં થયેલા આ ભાવ વધારાએ મધ્યમવર્ગની આર્થિક રીતે કમર તોડી નાંખી છે. છેલ્લા એકાદ પખવાડીયામાં જ કઠોળ-દાળમાં મોટો ભાવવધારો થતા તહેવારો ટાણે જ લોકોને મોંઘવારીનો માર પડ્યો છે. હવે શાકભાજીના ભાવમાં પણ સેન્ચુરીના આંક જેટલો ભાવ થતા રસોડાનુ બજેટ વેરવિખેર થઈ જાય તેવી ભીતિ છે.
વરસાદે માઠી અસર ઊભી કરી
આ વર્ષે ઓછા-અનિયમિત વરસાદથી ભાવ ઊચા જ રહેવાની દહેશતથી વેપારીઓ સ્ટોક કરવા લાગ્યા છેય આ અટકળો વ્યક્ત થવા લાગી છે. ખાસ કરીને અમદાવાદ અને રાજકોટ માર્કેટયાર્ડ તથા અનાજ-કઠોળ માર્કેટના વેપારીઓએ વાતચીતમાં કહ્યું હતું કે, તહેવારો પહેલાના છેલ્લા પંદર દિવસમાં જ શાકભાજી તેમજ કઠોળ સહિતની કૃષિ ચીજોમાં મોટો ભાવવધારો થયો છે. લોકોને તહેવારો મોંઘા પડે તેવી હાલત છે. ખાસ કરીને કઠોડની સબ્જી તથા તમામ પ્રકારની દાળનો ભાવ હોટેલમાં હવે સામાન્ય માણસને પોસાશે નહીં. હોલસેલ માર્કેટમાં ચણાનો ભાવ પ્રતિકિલો ₹60 હતો તે ₹75 પર પહોંચ્યો છે. ચણાદાળનો ભાવ ₹70 રૂપિયાવાળો ₹90થી 92 થયો છે. તુવેરદાળનો ભાવ ₹110-115થી વધીને ₹130-145 પર પહોંચ્યો છે.

ચોખના ભાવમાં પણ નોંધપાત્ર વધારો
અડદદાળમાં પણ કિલોએ ₹4થી5નો વધારો થયો છે અને પ્રતિકિલો ભાવ ₹130થી145 પર પહોંચ્યો છે. આ ભાવવધારાને કારણે હવે ગુજરાતી થાળી મોંઘી બની ગઈ છે. કઠોડના ચણા ઉપરાંત તુવેરનો ભાવ ₹80થી વધીને ₹100 થયો છે. મગનો ભાવ ₹80થી વધીને ₹90 થયો છે. રાજકોટમાંથી વેપારીઓએ કહ્યું કે હાલમાં વટાણા, વાલ,રાજમા અને ચોળી સહિત તમામ કઠોળના ભાવ વધી ગયા છે. સામાન્ય માણસને મળતી દાળ મોંઘી થઈ છે. અન્ય કૃષિ ચીજ પણ મોંઘી થઈ છે. એરંડામાં અસામાન્ય તેજી છે તેવી જ રીતે જીરૂનો ભાવ પખવાડીયા પુર્વે સરેરાશ ₹4000 હતો તેના ₹4800 થયા છે. છેલ્લા પખવાડીયામાં પ્રતિ કિલો સરેરાશ ₹8થી ₹10 રૂપિયાનો વધારો થયો છે. જીરાસર ચોખાનો હોલનેલ ભાવ પ્રતિકિલો ₹.60થી ₹70, ચોખા કોલમના₹75, બાસમતી મીડીયમના ₹75થી80 તથા બાસમતી ટોપ કવોલિટીના ₹130થી ₹180 થયા છે.
માર્કેટનું ચિત્ર ફરી ગયું છે
અમદાવાદના વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે દિવાળી અને નોરતા પહેલા જ માર્કેટનુ માનસ જ બદલાયું છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ સહિતના મોટા કૃષિ ઉત્પાદક રાજયોમાં પૂરતો વરસાદ નથી. આની સીધી અસર શાકભાજી પર થઈ છે. અગાઉ જે આવક વરસાદ થાય અને પછી થાય એમાં ઘણો ફેર છે. શાકભાજીની દૈનિક ધોરણે આવક ઘટી છે. ખેડૂતોના ઉત્પાદન પર અસર છે. ખેતરમાંથી જ ઉત્પાદન ઓછું થાય ત્યારે સ્ટોકનો મુદ્દો ઉછળે છે. ખરિફ પાકના ઉત્પાદનને ફટકો છે જ. પરંતુ તેનાથી વધુ ચિંતા શિયાળુ પાકની છે. પર્યાપ્ત વરસાદ થયો હોય કે ન થયો હોય જળાશયો ઘણા અંશે ખાલી છે.