નવી દિલ્હીઃ સીજેપી દ્વારા 10 તારીખે જંતર મંતર પર મોટા આંદોલનની જાહેરાત કરી છે. દિલ્હીમાં 10 ઓક્ટોબરે યોજાનારા મોટા પ્રદર્શનને પગલે માર્ગો પર ભારે ટ્રાફિક જામની શક્યતાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ એક અગત્યનો નિર્ણય લીધો છે. પ્રદર્શનના કારણે મુસાફરો રસ્તામાં જામમાં અટવાઈ ન જાય અને તેમની ટ્રેન છૂટી ન જાય તે હેતુથી નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશને 10 ઓક્ટોબરે સવારે 4:00 વાગ્યાથી બપોરે 02:00 વાગ્યા વચ્ચે પહોંચનારી અનેક મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને તેમના પ્રારંભિક સ્ટેશનથી જ રદ કરી દેવામાં આવી છે.
9 ઓક્ટોબરથી જ ટ્રેનોના સંચાલન પર અસર
ખાસ કરીને વાત કરવામાં આવે તો, દિલ્હી તરફ મુસાફરી કરતા પહેલાં મુસાફરોને પોતાની ટ્રેનનું લાઈવ સ્ટેટસ ચકાસી લેવાની ખાસ સલાહ આપવામાં આવી છે. રેલવેના કોચિંગ ડિરેક્ટોરેટ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ, 9 ઓક્ટોબરે બપોરે 02:00 વાગ્યા પછી પોતાના પ્રારંભિક સ્ટેશનથી રવાના થનારી એવી તમામ ટ્રેનો રદ રહેશે જે 10 ઓક્ટોબરે સવારે 04 વાગ્યાથી બપોરે 02 વાગ્યા દરમિયાન નવી દિલ્હી કે હઝરત નિઝામુદ્દીન સ્ટેશને પહોંચવાની હતી. ટ્રેનોને અધવચ્ચે રોકી રાખવાને બદલે શરુઆતથી જ રનિંગ કેન્સલ કરવામાં આવી છે જેથી મુસાફરો મુશ્કેલીમાં ન મુકાય.
રદ કરવામાં આવેલી મુખ્ય ટ્રેનોની વાત કરવામાં આવે તો, રેલવે વિભાગ દ્વારા મુંબઈ રાજધાની એક્સપ્રેસ (22221), તેજસ રાજધાની એક્સપ્રેસ (12309), સંપૂર્ણ ક્રાંતિ સુપરફાસ્ટ (12393), અમૃત ભારત એક્સપ્રેસ (22361) અને પટનાથી દિલ્હી આવતી મુખ્ય ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે.
શા માટે રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો?
દિલ્હીમાં યોજાનારા આ પ્રદર્શનના કારણે નવી દિલ્હી અને નિઝામુદ્દીન સ્ટેશન તરફ જતા મુખ્ય રસ્તાઓ પર ભયાનક વાહનવ્યવહાર ખોરવાવાની આશંકા છે. અગાઉ દિલ્હીમાં યોજાયેલા એક પ્રદર્શન દરમિયાન સ્ટેશન તરફ જતા માર્ગો પર સર્જાયેલા ભારે જામને કારણે આશરે 5000થી વધુ મુસાફરો સમયસર સ્ટેશન પહોંચી શક્યા ન હતા અને Platform પર જ અટવાઈ ગયા હતા, જ્યારે ટ્રેન પોતાના નિર્ધારિત સમયે ઉપડી ગઈ હતી. આવી સ્થિતિનું પુનરાવર્તન અટકાવવા માટે રેલવે પ્રશાસને અગાઉથી આવો નિર્ણય લેવામાં આવ્યો છે.
Train Update: 22221 CSMT - HAZRAT NIZAMUDDIN JN Rajdhani Exp https://t.co/q2A46SNXO6
— DRM Mumbai CR (@drmmumbaicr) October 9, 2026
મુસાફરો માટે રેલવેની ખાસ એડવાઈઝરી
રેલવે દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, જો તમે 09 કે 10 ઓક્ટોબરે દિલ્હી તરફ જતી ટ્રેનમાં ટિકિટ બુક કરાવી હોય, તો ઘર છોડતા પહેલા તમારી ટ્રેનનું વર્તમાન સ્ટેટસ જરૂર તપાસી લો. જો ટ્રેન રદ થઈ હોય તો સમયસર તમારી મુસાફરી માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી લો અને ટ્રેનની લેટેસ્ટ વિગતો મેળવવા માટે રેલવેની અધિકૃત વેબસાઈટ, National Train Enquiry System (NTES) મોબાઈલ એપ અથવા રેલવે હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરીને પણ માહિતી મેળવી શકાશે.