Fri Oct 09 2026

Logo

જંતર-મંતર પર સીજેપીને પ્રદર્શન માટે નથી મળી મંજૂરી! દિલ્હી પોલીસે આપી મહત્વપૂર્ણ જાણકારી...

2026-10-09 14:06:00
Author: Mumbai Samachar Team
જંતર-મંતર પર સીજેપીને પ્રદર્શન માટે નથી મળી મંજૂરી! દિલ્હી પોલીસે આપી મહત્વપૂર્ણ જાણકારી...

નવી દિલ્હી: દિલ્હીના જંતર-મંતર પર 10 ઓક્ટોબર, 2026ના રોજ પ્રસ્તાવિત સીજેપીના વિરોધ પ્રદર્શનને દિલ્હી પોલીસે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પાર્ટી તરફથી પ્રદર્શન માટેની અરજી નિર્ધારિત સમયમર્યાદા કરતાં ઘણી મોડી કરવામાં આવી હતી. આ ઉપરાંત, અગાઉના એક પ્રદર્શન દરમિયાન કાયદાકીય સૂચનાઓ અને આપવામાં આવેલી બાંહેધરીઓનું પાલન ન કરાયું હોવાનો પણ પોલીસે ઉલ્લેખ કર્યો છે. નવી દિલ્હી વિસ્તારમાં લાગુ પ્રતિબંધો, જાહેર સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સીજેપીએ માત્ર ત્રણ દિવસ પહેલા જ માંગી મંજૂરી!

દિલ્હી પોલીસના સંયુક્ત પોલીસ કમિશનર નૂપુર પ્રસાદે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોકરોચ જનતા પાર્ટીના સહ-સંયોજક સૌરવ દાસ તરફથી 7 ઓક્ટોબર, 2026ના રોજ અરજી મળી હતી. આ અરજીમાં 10 ઓક્ટોબરે જંતર-મંતર પર પ્રદર્શન યોજવાની જાણ કરવામાં આવી હતી. એટલે કે, પ્રદર્શનની નિર્ધારિત તારીખ પહેલાં પોલીસને માત્ર ત્રણ દિવસનો સમય મળ્યો હતો. જ્યારે વર્તમાન માર્ગદર્શિકા મુજબ, જંતર-મંતર પર કોઈ કાર્યક્રમ કે વિરોધ પ્રદર્શન યોજવા માટે ઓછામાં ઓછા 10 દિવસ પહેલાં મંજૂરી માંગવી જરૂરી છે. આથી પોલીસને મળેલી અરજી નિર્ધારિત પ્રક્રિયાને અનુરૂપ ન હોવાનું જણાવાયું હતું.

પોલીસે મંજૂરી ન આપવાનું બીજું કારણ પાર્ટીના અગાઉના વર્તનને ગણાવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, અગાઉ એક પ્રસંગે સીજેપીને પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તે દરમિયાન પાર્ટીએ કાયદેસરની સૂચનાઓ અને મંજૂરી મેળવતી વખતે આપેલી બાંહેધરીઓનું પાલન કર્યું ન હતું. પોલીસનું કહેવું છે કે અગાઉના નિયમભંગ અને નિર્ધારિત પ્રક્રિયાનું પાલન ન થવાને કારણે આ વખતે મંજૂરી આપવામાં આવી નથી. 

 

આ સમગ્ર મામલે નવી દિલ્હી વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ)ની કલમ 163 પણ મહત્વપૂર્ણ બની છે. પોલીસના જણાવ્યા અનુસાર, જાહેર શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આ કલમ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો અમલમાં છે. આ આદેશોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા જેવી પ્રવૃત્તિઓ સામે પણ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અને અદાલતના અગાઉના નિર્દેશો અનુસાર કાર્યવાહી થઈ શકે છે.

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, પ્રદર્શનની અરજી મોડી મળવી, અગાઉની સૂચનાઓનું પાલન ન થવું અને હાલની સુરક્ષા તથા ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને સીજેપીને જંતર-મંતર પર પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવી નથી. પોલીસની પ્રાથમિકતા જાહેર સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની છે.