Fri Oct 09 2026

Logo

કંડલા સેઝમાં કરોડોનું જીએસટી કૌભાંડ! રૂ. 30 કરોડના બોગસ જીએસટી રિફંડ કૌભાંડનો પર્દાફાશ, જાણો સમગ્ર મામલો...

2026-10-09 14:25:22
Author: Vimal Prajapati
કંડલા સેઝમાં કરોડોનું જીએસટી કૌભાંડ! રૂ. 30 કરોડના બોગસ જીએસટી રિફંડ કૌભાંડનો પર્દાફાશ, જાણો સમગ્ર મામલો...

ભુજ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (કાસેઝ)માં તંબાકુ, સોપારી, વિદેશી દારૂ, ભંગાર, કેમિકલ અને વપરાયેલા જૂના કપડાંના ઓવર વેલ્યુએશન સહિતના ભૂતકાળના કૌભાંડો બાદ હવે કરોડો રૂપિયાની જીએસટી ચોરીનું મોટું રેકેટ બહાર આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) હેઠળ કાર્યરત ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI)ની વિશેષ ટીમે કાસેઝ સ્થિત એક શંકાસ્પદ વેરહાઉસમાં દરોડા પાડીને છેલ્લા પાંચ-છ દિવસથી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

અંતરંગ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, કાસેઝમાં આવેલા આ સંબંધિત ગોદામમાં અગાઉ કંડલા કસ્ટમની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (SIIB) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાન મસાલા, ગુટખા અને સુગંધિત તંબાકુના એ પ્રકરણમાં સ્થાનિક કક્ષાએ ભીનું સંકેલી લેવાયું હોવાના અને યોગ્ય કાયદેસર કાર્યવાહી ન થઈ હોવાના ગંભીર આક્ષેપો ઊઠ્યા હતા. 

આ દરમિયાન, આ પેઢી દ્વારા મોટા પાયે બોગસ જીએસટી રિફંડ મેળવી લેવાયું હોવાની ચોક્કસ બાતમી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સને મળતાં ડીજીજીઆઈની ટીમે કાસેઝ ખાતે ધામા નાખ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતો મુજબ, સ્થાનિક બજારના કેટલાક વેપારી એકમો સાથે સાંઠગાંઠ કરીને સ્ક્રેપ અથવા નહિવત્ કિંમત ધરાવતો માલ કાસેઝના આ યુનિટમાં સપ્લાય કરવામાં આવતો હતો. કાગળ પર આ કચરા માલનું ઓવર-વેલ્યુએશન દર્શાવીને માત્ર છેલ્લા બે મહિનાના ટૂંકા ગાળામાં જ અંદાજે રૂપિયા 25થી રૂપિયા 30 કરોડનું તોતિંગ જીએસટી રિફંડ હડપ કરી લેવાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સામાન્ય રીતે કાસેઝમાં કોઈ પણ માલ પ્રવેશ કરે ત્યારે કસ્ટમ વિભાગ દ્વારા ગેટ અને વેરહાઉસ સ્તરે કડક ભૌતિક ચકાસણી કરવાની જોગવાઈ હોય છે. છતાં પણ આવો તદ્દન નકામો માલ કાસેઝમાં ઘૂસાડીને કરોડોનું રિફંડ મેળવી લેવાયું હોવાથી સ્થાનિક કસ્ટમ અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગત તેમજ 'પ્રસાદી'ના જોરે આંખ આડા કાન કરાયા હોવાની પ્રબળ આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. ડીજીજીઆઈની ટીમ દ્વારા છેલ્લા પાંચ દિવસથી તમામ ઇમ્પોર્ટ-એક્સપોર્ટ દસ્તાવેજો, સ્ટોક રજિસ્ટર અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે, જેમાં આગામી દિવસોમાં મોટો ઘટસ્ફોટ થવાની પ્રબળ શક્યતા ઉભી થઇ છે.

(ઉત્સવ વૈદ્ય)