રિયાધ: સાઉદી અરેબિયામાં ફરી એક વાર હુતી બળવાખોરોએ હુમલા તેજ કર્યા છે. જેમાં હુતી બળવાખોરોએ રિયાધ એરપોર્ટ પર બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. તેમજ આ હુમલા બાદ વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો હતો અને વિમાનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. હાલમાં રિયાધ એરપોર્ટને બંધ કરવામાં આવ્યું છે. જેના લીધે એર ઈન્ડિયા સહિત ભારતની અનેક ફ્લાઇટોને અસર થઇ છે.
એરપોર્ટ પર આવતી અને જતી અનેક ફ્લાઇટ્સમાં વિલંબ
હુતી બળવાખોરોએ દાવો કર્યો છે કે તેમણે રિયાધ એરપોર્ટ પર બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે. જેની બાદ એરપોર્ટ પર પાર્ક કરેલા એક વિમાનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આ અહેવાલ મુજબ તે વિમાન ખાલી હતું. આ ઘટના બાદ રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટને ફરીથી બંધ કરી દેવામાં આવ્યું હતું. ફ્લાઇટ ટ્રેકિંગ સેવાઓ અનુસાર છેલ્લું વિમાન 80 મિનિટથી વધુ સમય પહેલાં ઉતર્યું હતું, જ્યારે છેલ્લી ફ્લાઇટ 90 મિનિટથી વધુ સમય પહેલાં રવાના થઈ હતી. એરપોર્ટ પર આવતી અને જતી અનેક ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો.
સાઉદી સરકારે મિસાઇલ નિષ્ફળ બનાવી હોવાનો દાવો કર્યો
સાઉદી સરકારે આ હુમલા કે એરપોર્ટ પર થયેલી અવ્યવસ્થા અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી ન હતી. જોકે, સાઉદીના નેતૃત્વ હેઠળના ગઠબંધને દાવો કર્યો હતો કે તેના દળોએ રિયાધ તરફ છોડવામાં આવેલી બે બેલિસ્ટિક મિસાઇલોને તોડી પાડી હતી. આ ગઠબંધને અગાઉ પણ સાઉદીની રાજધાનીને નિશાન બનાવતી હુતી મિસાઇલોને હવામાં જ તોડી પાડ્યા હોવાની માહિતી આપી હતી. દરમિયાન, હુતી બળવાખોરોએ સાઉદીના હવાઈ ક્ષેત્રને બંધ કરવાની પોતાની ક્ષમતાનો પુનરોચ્ચાર કર્યો છે અને સાથે જ આ ક્ષેત્રની એરલાઇન્સ તથા એરપોર્ટ્સને ચેતવણીઓ પણ આપી છે.