મુંબઈઃ મહારાષ્ટ્રના ભિવંડીમાં ફૂડ સેફ્ટીના ધજાગરા ઉડાડતી એક ચોંકાવનારી ઘટના ઘટી હતી, જ્યાં એક જાણીતી મીઠાઈની દુકાનમાં ગુલાબજાંબુના ડબ્બામાં ઉંદર ફરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ ગંભીર બાબતની નોંધ લઈને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ની ટીમે તાત્કાલિક સ્થળ તપાસ કરી નમૂના લીધા હતા. તપાસ દરમિયાન દુકાન પાસે ખાદ્ય વ્યવસાય નોંધણી પ્રમાણપત્ર પણ ન હોવાનું બહાર આવતા પ્રશાસને દુકાન બંધ કરવાનો આદેશ આપ્યો છે.
ભિવંડીની એક જાણીતી મીઠાઈની દુકાનમાં ગુલાબજાંબુ ભરેલા ડબ્બામાં ઉંદર તરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે હોબાળો મચ્યો હતો. વીડિયોમાં ઉંદર ગુલાબજાંબુ ભરેલા પાત્રમાં ફરતો જોવા મળ્યો હતો. વીડિયો વાયરલ થયા પછી સ્થાનિકોમાં ભોજનની સુરક્ષિતતા અને સ્વચ્છતાને લઈને ચિંતાની લાગણી ફેલાઈ હતી.
ઘટના બાદ એફડીએના અધિકારીઓએ ભિવંડીની હરિશ ગુલાબજાંબુ દુકાનનું નિરીક્ષણ કર્યું હતું. ટીમે ગુલાબજાંબુ સહિત અન્ય ખાદ્ય પદાર્થોના નમૂના પણ લીધા હતા. નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ પંચનામું પણ તૈયાર કર્યું હતું.
નિરીક્ષણ દરમિયાન દુકાન પાસે ફરજિયાત ખાદ્ય વ્યવસાય નોંધણી પ્રમાણપત્ર ન હોવાની ચોંકાવનારી જાણકારી પણ એફડીએની ટીમને મળી હતી. આ નિયમના ઉલ્લંઘનને ધ્યાનમાં લઈને વિભાગે દુકાનને કામકાજ બંધ કરવાની નોટિસ ફટકારી છે અને ત્યાંથી વ્યવસાય બંધ રાખવા આદેશ કર્યો છે.
આ ઘટના બાદ બુધવારે સાંજે સ્થાનિક રહેવાસીઓ દુકાનની બહાર એકત્ર થયા હતા અને ખાદ્ય સ્વચ્છતામાં થયેલી કથિત બેદરકારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે હરિશ ગુલાબજાંબુ વિસ્તારની જાણીતી દુકાન છે અને તેના ગુલાબજાંબુ ખાસ લોકપ્રિય છે. ઘટનાને લઈને રહેવાસીઓએ પણ નિરાશા વ્યક્ત કરી હતી.
એફડીએ દ્વારા લેવામાં આવેલા ખાદ્ય નમૂનાઓ હવે તપાસ માટે મોકલવામાં આવવાની શક્યતા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગળની કાર્યવાહી નિરીક્ષણ અને પ્રયોગશાળાના અહેવાલોના તારણો પર આધારિત રહેશે.