મુંબઈ: સબર્બન મુંબઈમાં લોકલ ટ્રેન સિવાય હવે મેટ્રોના નેટવર્કમાં વધારો થઈ રહ્યો છે જેનો સીધા ફાયદો મુંબઈગરાના પરિવહન પર પડ્યો છે. જાહેર પરિવહન ક્ષેત્રે મેટ્રોમાં સુરક્ષિત અને ઝડપી મુસાફરીને કારણે પ્રવાસીઓ મહત્તમ મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છે. એક્વા લાઈન પર સંપૂર્ણ રૂટની કામગીરીને એક વર્ષ પૂર્ણ થતાં મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
આ સમયગાળા દરમિયાન આરે જેવીએલઆરથી કફ પરેડ સુધીની એક્વા લાઈન પર કુલ 7,20,88,738 મુસાફરી નોંધાઈ છે. મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રો કોરિડોર તરીકે એક્વા લાઈનને મુસાફરો તરફથી સતત સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને હવે તે શહેરની દૈનિક અવરજવરનો મહત્વનો ભાગ બની રહી છે.
સપ્ટેમ્બર 2026 દરમિયાન એક્વા લાઈન પર અઠવાડિયાના દિવસોમાં સરેરાશ દૈનિક મુસાફરી 2,24,602 રહી હતી, જ્યારે સપ્તાહના અંતે સરેરાશ દૈનિક મુસાફરી 1,31,138 નોંધાઈ હતી. આ આંકડા દર્શાવે છે કે મુંબઈના મુસાફરોમાં એક્વા લાઈનનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને ભૂગર્ભ મેટ્રો કોરિડોર શહેરની દૈનિક પરિવહન વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
એક્વા લાઈનની આ સિદ્ધિને યાદગાર બનાવવા માટે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા બે વિશેષ પહેલ શરૂ કરવામાં આવશે. તેમાં ‘એક્વા લાઈન ટાઈમ કેપ્સ્યુલ’ અને ‘એક્વા લાઈન પાસપોર્ટ એન્ડ સ્ટેમ્પ ટ્રેઈલ’નો સમાવેશ થાય છે. ટાઈમ કેપ્સ્યુલમાં એક્વા લાઈનના નિર્માણ અને સંચાલન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ રેકોર્ડ, તસવીરો, સિદ્ધિઓ અને યાદગાર વસ્તુઓ સાચવી રાખવામાં આવશે.
મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રોના સફરને આવનારી પેઢીઓ સુધી સાચવી રાખવાના હેતુથી ટાઈમ કેપ્સ્યુલમાં વર્ષ 2026 દરમિયાન એક્વા લાઈન અને મુંબઈ સાથે જોડાયેલી યાદોને પણ સંગ્રહિત કરવામાં આવશે. આ પહેલ દ્વારા એક્વા લાઈનના નિર્માણથી લઈને તેના સંચાલન સુધીની સફરની એક ઝલક ભવિષ્યની પેઢીઓ માટે સાચવી રાખવાનો પ્રયાસ કરવામાં આવશે.
બીજી તરફ, ‘એક્વા લાઈન પાસપોર્ટ એન્ડ સ્ટેમ્પ ટ્રેઇલ’ દ્વારા મુસાફરો અને પ્રવાસપ્રેમીઓને એક્વા લાઈનના અલગ-અલગ સ્ટેશનોની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. કોરિડોરના પસંદ કરાયેલા સ્ટેશનો પર ખાસ ડિઝાઇન કરાયેલા સ્ટેમ્પ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને મુસાફરો ત્યાંથી આ સ્ટેમ્પ એકત્ર કરી શકશે. આ પહેલ એક્વા લાઇનની મુસાફરીને વધુ રસપ્રદ બનાવવાના હેતુથી શરૂ કરવામાં આવી રહી છે.
આ સિદ્ધિ અંગે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનનાં મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભિડેએ મુંબઈના લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે એક વર્ષના સંપૂર્ણ રૂટના સંચાલન દરમિયાન 7 કરોડથી વધુ મુસાફરી પૂર્ણ થવી મુંબઈના લોકોના વિશ્વાસ અને સમર્થનનું પરિણામ છે. ટાઈમ કેપ્સ્યુલ અને પાસપોર્ટ એન્ડ સ્ટેમ્પ ટ્રેઈલ દ્વારા આ સામૂહિક સફરની યાદોને સાચવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આમ મુંબઈની એક્વા લાઈન હવે મુંબઈના દૈનિક જીવનનો વધુને વધુ મહત્વનો હિસ્સો બની રહી છે. સંપૂર્ણ રૂટના સંચાલનનું એક વર્ષ પૂર્ણ થવા સાથે 7 કરોડથી વધુ મુસાફરીનો આંકડો હાંસલ કરનાર આ કોરિડોર આગામી સમયમાં પણ મુંબઈના લોકોની દૈનિક અવરજવર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.