Thu Oct 08 2026

Logo

બાંધકામ માટે ખોદાયેલા ખાડામાં ક્રેન પડતાં બેરિકેડ્સ રિક્ષા પર પડ્યા: બે જણ ઘવાયા

2026-10-08 20:22:46
Author: Yogesh D. Patel
બાંધકામ માટે ખોદાયેલા ખાડામાં ક્રેન પડતાં બેરિકેડ્સ રિક્ષા પર પડ્યા: બે જણ ઘવાયા

થાણે: થાણેના ખોપટ વિસ્તારમાં એમએમઆરડીની ક્ધસ્ટ્રક્શન સાઇટ પર ખોદવામાં આવેલા ખાડામાં ગુરુવારે ક્રેન પડવાથી લોખઁડના સેફ્ટી બેરિકેડ્સ ત્યાંથી પસાર થતી રિક્ષા પર પડ્યા હતા, જેમાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.

ખોપટ વિસ્તારમાં સિદ્ધેશ્ર્વર તળાવ નજીક ગુરુવારે બપોરે એક વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, એમ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (આરડીએમસી)ના ચીફ યાસિન તડવીએ જણાવ્યું હતું.

આનંદનગરથી સાકેત બ્રિજ સુધીના એમએમઆરડીએના બ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. ત્યાં ક્રેન પ્રોજેક્ટ માટે ખોદવામાં આવેલા ખાડામાં સરકીને પડી ગઇ હતી. આને કારણે આસપાસમાં લગાવવામાં આવેલા લોખંડના સેફ્ટી બેરિકેડ્સ ત્યાંથી પસાર થનારી રિક્ષા પર પડ્યા હતા, એમ તડવીએ જણાવ્યું હતું. 

આ ઘટનામાં રિક્ષાચાલક તથા તેમાં હાજર પ્રવાસીને ઇજા પહોંચી હતી. પ્રવાસીની ઓળખ ફારુખ શેખ (29) તરીકે થઇ હોઇ તે અંબરનાથના ભાસ્કરનગરનો રહેવાસી છે અને તેને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રિક્ષાચાલકને નજીવી ઇજા થઇ હતી. પોલીસે આ પ્રકરણે તપાસ આદરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)