Thu Oct 08 2026

Logo

વધતી ગરમી ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓ માટે જોખમી: નિષ્ણાતોની ચેતવણી

2026-10-08 20:26:59
Author: Mumbai Samachar Team
વધતી ગરમી ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓ માટે જોખમી: નિષ્ણાતોની ચેતવણી

મુંબઈ: અતિશય ગરમી સગર્ભા સ્ત્રીઓ અને નવજાત શિશુઓ માટે સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાનો વિષય છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ગર્ભાવસ્થા દરમિયાન લાંબા સમય સુધી ઊંચા તાપમાનમાં રહેવાથી શરીર પર વધારાનું દબાણ આવે છે અને ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવું), થાક તથા અન્ય સમસ્યાઓનું જોખમ વધી શકે છે.

મુંબઈ સ્થિત હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં ગરમીને કારણે ગર્ભાવસ્થા દરમિયાન થતી સમસ્યાઓમાં તેમજ ગર્ભસ્થ શિશુ અને નવજાત બાળકના સ્વાસ્થ્ય પર ગરમીની અસરને લગતી સમસ્યાઓમાં વધારો થયો છે. તેમણે ઉમેર્યું કે, સગર્ભા સ્ત્રીઓ વધુ ગરમી અનુભવે છે અને ઝડપથી ડિહાઇડ્રેટેડ થઈ જાય છે, જેના કારણે ગરમ અથવા ખરાબ વેન્ટિલેશનવાળા વાતાવરણમાં લાંબા સમય સુધી રહેવાથી અને અપૂરતા પ્રવાહીના સેવનથી અશક્તિનું જોખમ રહે છે.

મુંબઈ સ્થિત અન્ય હોસ્પિટલના પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગના કન્સલ્ટન્ટ ડૉ. પ્રિયંકા સોનાવણેએ જણાવ્યું હતું કે અતિશય ગરમી બાળકના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર કરી શકે છે. અતિશય ગરમી દરમિયાન પ્રસૂતિ-પૂર્વેની નિયમિત તપાસ જરૂરી છે, જેથી ડૉક્ટર માતાના બ્લડ પ્રેશર, ગર્ભસ્થ શિશુના વિકાસ અને એકંદરે સ્વાસ્થ્ય પર દેખરેખ રાખી શકે. સગર્ભા સ્ત્રીઓ માટે નિયમિતપણે પ્રવાહીનું સેવન કરવું અને બહારની પ્રવૃત્તિઓ ટાળવી જરૂરી છે, તેમ ડૉ. સોનાવણેએ જણાવ્યું હતું.

નવી મુંબઈના ખારઘર સ્થિત મેડિકોવર હોસ્પિટલના કન્સલ્ટન્ટ નિયોનેટોલોજિસ્ટ અને એનઆઈસીયુ ઇન્ચાર્જ ડૉ. તન્મેશ કુમાર સાહુએ જણાવ્યું હતું કે, નવજાત શિશુઓ ઊંચા તાપમાન પ્રત્યે સંવેદનશીલ હોય છે, તેઓ મોટા બાળકોની જેમ તેમના શરીરનું તાપમાન અસરકારક રીતે નિયંત્રિત કરવામાં સક્ષમ હોતા નથી. 

ડોમ્બિવલીની હોસ્પિટલના કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ, ડો. શ્રુતિ કોટાંગલેએ જણાવ્યું હતું કે, અતિશય ગરમીમાં સગર્ભા સ્ત્રીઓને અસ્વસ્થતા, ડિહાઇડ્રેશન, ચક્કર આવવા, ઉબકા આવવા અથવા માથું દુખવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
(પીટીઆઈ)