Thu Oct 08 2026

Logo

UPI MDR Charge: તહેવારો વચ્ચે વેપારીઓને મોટી રાહત મળશે કે ઝટકો? NPCIને મોકલાયો મોટો 'પ્રસ્તાવ'!

2026-10-08 14:35:00
Author: Vimal Prajapati
UPI MDR Charge: તહેવારો વચ્ચે વેપારીઓને મોટી રાહત મળશે કે ઝટકો? NPCIને મોકલાયો મોટો 'પ્રસ્તાવ'!

નવી દિલ્હી: દેશભરમાં દિવાળી અને તહેવારોની ખરીદીની રોનક વચ્ચે વેપારીઓ માટે એક મોટી અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. 15 ઓક્ટોબરથી રૂપિયા 2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગુ થનાર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ચાર્જને આ વર્ષના અંત એટલે કે 31 ડિસેમ્બર સુધી અથવા 1 જાન્યુઆરી 2027 સુધી મુલતવી રાખવા માટે વેપારી સંગઠનોએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને નાણાં મંત્રી સમક્ષ લેખિત પ્રસ્તાવ રજૂ કર્યો છે. તો આ મામલે NPCI દ્વારા કેવા પગલા લેવામાં આવશે? ચાલો વિગતે જોઈએ..

તહેવારોમાં વેપારીઓ અસમંજસમાં

તહેવારો દરમિયાન દેશભરમાં બંપર સેલ થાય છે અને મોટા ભાગના ગ્રાહકો ડિજિટલ શોપિંગ માટે UPIનો ઉપયોગ કરતા હોય છે. વેપારી સંગઠનોએ નાણાં પ્રધાનને આપેલા મેમોરેન્ડમમાં જણાવ્યું છે કે, MDR ચાર્જને લઈને હાલ વેપારીઓમાં ભારે અસમંજસની સ્થિતિ છે. આથી પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગુ કરવાની તારીખ 6 અઠવાડિયા સુધી લંબાવવામાં આવે, જેથી તહેવારોની ખરીદી પર કોઈ પ્રતિકૂળ અસર ન પડે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NPCI આ અંગે તમામ હિતધારકો સાથે ચર્ચા-વિચારણા કરી રહ્યું છે, જોકે હજુ સુધી આ અંગે કોઈ આખરી સત્તાવાર નિર્ણય લેવાયો નથી.

શું છે UPI MDR ચાર્જ ?

રૂપિયા 2,000થી વધુ રકમના નક્કી કરેલા P2M (વેપારી) ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકાના દરે MDR ચાર્જ લાગુ કરવાનો પ્રસ્તાવ છે. ગમે તેટલી મોટી ખરીદી હોય, એક ટ્રાન્ઝેક્શન પર મહત્તમ MDR ચાર્જ રૂપિયા 300 નક્કી કરાયો છે. જેમ કે, રૂપિયા 75,000 કે તેથી વધુની કોઈપણ ખરીદી પર વધુમાં વધુ રૂપિયા 300 ચાર્જ લાગશે. એટલું જ નહીં, પણ રેલવે, ટેલિકોમ, ઇન્શ્યોરન્સ, પેટ્રોલ-ડીઝલ અને કૃષિ ઇન્પુટ્સ જેવા મહત્વના સેક્ટરમાં રૂપિયા 2,000થી વધુના ટ્રાન્ઝેક્શન પર માત્ર 5 રુપિયા ફ્લેટ MDR લાગુ પડશે.

ગ્રાહકો માટે ચિંતાની જરૂર નથી!

સૌથી મહત્વની બાબત એ છે કે, આ ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે નહીં. રિઝર્વ બેંક અને NPCI તરફથી બેંકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે વેપારીઓ આ ચાર્જનો બોજ ગ્રાહકો પર શિફ્ટ કરી શકશે નહીં. આમ, સામાન્ય જનતા માટે UPI દ્વારા પેમેન્ટ કરવું પહેલાની જેમ જ મફત રહેશે. સરકાર અને NPCIના આંકડા મુજબ દેશના આશરે 96 ટકા UPI મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર આ નિયમની કોઈ અસર નહીં પડે.

P2P ટ્રાન્સફર સંપૂર્ણપણે ફ્રી રહેશે

રૂપિયા 2,000 સુધીની તમામ ખરીદી કે ચૂકવણી પર MDR શૂન્ય રહેશે. એટલે કે, P2P ટ્રાન્સફર સંપૂર્ણપણે ફ્રી રહેશે. UPI QR કોડ દ્વારા મહિને રૂપિયા 1 લાખ સુધીનું કલેક્શન મેળવતા નાના વેપારીઓ પર કોઈ MDR ચાર્જ લાગશે નહીં. આ સાથે RuPay ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર પણ MDR ચાર્જ શૂન્ય જ રહેશે.