Thu Oct 08 2026

Logo

દસમી ઓક્ટોબરના આંદોલન પહેલા CJPની મુશ્કેલીઓ વધશે! દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે જૂના હિંસાના કેસમાં તપાસ તેજ કરી

2026-10-08 15:03:14
Author: Vimal Prajapati
દસમી ઓક્ટોબરના આંદોલન પહેલા CJPની મુશ્કેલીઓ વધશે! દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે જૂના હિંસાના કેસમાં તપાસ તેજ કરી

નવી દિલ્હી: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે 10 ઓક્ટોબરે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરનાર કોકરોચ જનતા પાર્ટી (CJP) અને તેના કાર્યકરો દિલ્હી પહોંચે તે પહેલાં જ તેમની કાનૂની મુશ્કેલીઓ વધી રહી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગત 20 જુલાઈએ CJPના સંસદ માર્ચ દરમિયાન થયેલી હિંસાની આકરી તપાસ શરૂ કરી દીધી છે.

CJPના સ્થાપક અને આયોજકો પોલીસ રડાર પર

ક્રાઈમ બ્રાન્ચની આ તપાસ દરમિયાન CJPના સ્થાપક અભિજીત દીપકે, તેમજ પક્ષના ટોચના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની પૂછપરછ થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દિલ્હી પોલીસે 20 જુલાઈના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસક ઘટનાઓ સંદર્ભે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તિલકમાર્ગ અને અન્ય વિસ્તારોની તપાસ હાથ ધરી છે.

17 જેટલી FIR પહેલા જ રદ્દ કરી દીધી હતી

20 જુલાઈએ થયેલી હિંસા પૂર્વ-આયોજિત ષડયંત્ર હતી કે પછી શાંતિપૂર્ણ પ્રદર્શનમાં અસામાજિક તત્વો ઘૂસી ગયા હતા તેની તપાસ કરવામાં આવશે. આ સાથે પોલીસ કર્મચારીઓ પર હુમલો, પથ્થરમારો અને સરકારી વાહનોની તોડફોડમાં સામેલ મુખ્ય આરોપીઓની ઓળખ પણ તપાસ કરવામાં આવશે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દિલ્હી પોલીસે જુલાઈ મહિનાની હિંસા સાથે જોડાયેલી 17 જેટલી FIR પહેલા જ રદ્દ કરી દીધી છે.

શિવાજી પાર્કથી દિલ્હીના જંતર મંતર સુધીનો વિરોધ

ચૂંટણી પંચ અને CEC જ્ઞાનેશ કુમાર સામે CJPએ દેશવ્યાપી મોરચો માંડ્યો છે. દિલ્હી કૂચ કરતા પહેલા CJP દ્વારા મહારાષ્ટ્રના ઐતિહાસિક શિવાજી પાર્ક ખાતે વિશાળ વિરોધ પ્રદર્શન યોજીને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. હાલમાં CJP નેતૃત્વ દિલ્હીમાં જંતર મંતર ખાતે આંદોલન માટે વ્યૂહરચના ઘડી રહ્યું છે. 
જોકે, દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જંતર મંતર પર કોઈપણ પ્રદર્શન કે ધરણા માટે ઓછામાં ઓછા 10 દિવસ પહેલાં પરવાનગી લેવી અનિવાર્ય છે. બીજી તરફ, CJPના સ્થાપક અભિજીત દીપકે આક્ષેપ કર્યો છે કે 10 ઓક્ટોબરના પ્રદર્શનને નિષ્ફળ બનાવવા માટે પોલીસ દ્વારા તેમના કાર્યકરો અને વોલેન્ટિયર્સને અગાઉથી જ નોટિસો મોકલવામાં આવી રહી છે.