Thu Oct 08 2026

Logo

‘મેં 8 યુદ્ધો શાંત કરાવ્યા’, નોબેલ પુરસ્કારની જાહેરાત પહેલાં ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પે રાગ આલાપ્યો

Washington DC   2026-10-08 09:35:00
Author: Vimal Prajapati
‘મેં 8 યુદ્ધો શાંત કરાવ્યા’, નોબેલ પુરસ્કારની જાહેરાત પહેલાં ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પે  રાગ આલાપ્યો

વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત 'નોબેલ શાંતિ પુરસ્કાર'ની જાહેરાત પહેલાં જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આ એવોર્ડ પર પોતાનો મજબૂત દાવો રજૂ કર્યો છે. વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાંથી પત્રકારોને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું કે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન વૈશ્વિક સ્તરે ૮ ગંભીર સંઘર્ષો અને યુદ્ધોનો ઉકેલ લાવ્યો છે, જેના કારણે તેઓ આ સન્માનના સાચા હકદાર છે.   

બરાક ઓબામા પર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો કટાક્ષ

ટ્રમ્પે પોતાના રાજદ્વારી પ્રયાસોનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘હું કોઈ બડાશ નથી મારી રહ્યો, પરંતુ વાસ્તવિકતા જણાવી રહ્યો છું. કદાચ જ કોઈ પ્રમુખે યુદ્ધ શાંત કરાવ્યા હશે, પરંતુ મેં 8 મોટા યુદ્ધો ઉકેલ્યા છે. જો નોબેલ સમિતિ મને આ પુરસ્કાર નથી આપતી, તો તે તેમની પ્રતિષ્ઠા પર એક મોટો ડાઘ સમાન ગણાશે’. ટ્રમ્પે પૂર્વ પ્રમુખ બરાક ઓબામાને 2009માં મળેલા નોબેલ શાંતિ પુરસ્કાર પર પણ કટાક્ષ કરતા કહ્યું હતું કે, ઓબામાને હોદ્દો સંભાળતાની સાથે જ આ પુરસ્કાર આપી દેવાયો હતો, જ્યારે તેમણે પોતાનું યોગદાન સાબિત કર્યું છે.

નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની જૂની ઈચ્છા

ડોનાલ્ડ ટ્રમ્પની નોબેલ પુરસ્કાર મેળવવાની ઈચ્છા નવી નથી. પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથેની શિખર વાર્તા બાદ નોર્વેના રાજનેતાઓ દ્વારા તેમનું નામ સૂચવવામાં આવ્યું હતું. ત્યારબાદ જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિન્ઝો આબેએ પણ ઉત્તર કોરિયા સાથે તણાવ ઘટાડવા બદલ તેમનું નામાંકન કર્યું હોવાની ચર્ચા થઈ હતી.

2026ના નોબેલ માટે કયા દેશોએ કર્યું છે નામાંકન?

ડોનાલ્ડ ટ્રમ્પના દાવા મુજબ, તેમણે વિશ્વના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ સ્થાપવામાં ભૂમિકા ભજવી છે. ઇઝરાયેલ-ઇરાન સીઝફાયર, ભારત-પાકિસ્તાન તણાવ, કમ્બોડિયા-થાઇલેન્ડ, રવાંડા-કોંગો અને આર્મેનિયા-અઝરબૈજાન વચ્ચેના વિવાદો પણ શાંતિ કર્યાં હોવાનો દાવો કર્યો છે. આ સાથે ઇઝરાયેલ, પાકિસ્તાન અને કમ્બોડિયાના નેતાઓ દ્વારા ૨૦૨૬ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પના નામની ભલામણ કરવામાં આવી હોવાના અહેવાલો છે. નોર્વેજિયન નોબેલ સમિતિ (Norwegian Nobel Committee) ની સત્તાવાર પ્રક્રિયા મુજબ, વ્યક્તિગત નામાંકનની વિગતો 50 વર્ષ સુધી ગુપ્ત રાખવામાં આવે છે, તેથી સમિતિ જાહેર સ્તરે નામાંકનની પુષ્ટિ કરતી નથી.