Thu Oct 08 2026

Logo

‘વિરાટ આઉટ થાય તો જમવાનું ન ભાવતું’, કોહલીના ફેન હતા દિગ્ગજ અભિનેતા નાના પાટેકર

2026-10-08 09:01:00
Author: Vimal Prajapati
‘વિરાટ આઉટ થાય તો જમવાનું ન ભાવતું’, કોહલીના ફેન હતા દિગ્ગજ અભિનેતા નાના પાટેકર

મુંબઈઃ ભારતીય મનોરંજન જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પોતાના બુલંદ અવાજ, તીક્ષ્ણ સંવાદ અદાકારી અને અનન્ય અભિનય શૈલીથી દર્શકોના દિલ પર રાજ કરનાર વરિષ્ઠ અભિનેતા નાના પાટેકરે 75 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધી છે. ગોવા સ્થિત તેમના નિવાસસ્થાને ગુરુવારે સવારે અચાનક હૃદયરોગનો ગંભીર હુમલો (Cardiac Arrest) આવ્યા બાદ તેમનું અવસાન થયું હતું.   

અભિનયથી અલગ ક્રિકેટના પણ ભારે શોખીન હતા નાના પાટેકર

નાના પાટેકર માત્ર કેમેરા સામે જ શ્રેષ્ઠ કલાકાર નહોતા, પરંતુ રમતગમત ખાસ કરીને ક્રિકેટ પ્રત્યે પણ ભારે દિલચસ્પી ધરાવતા હતા. એક વિશેષ ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે પોતાના નાનપણના દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે, તેઓ બાળપણમાં ખુબ સારા ઓફ-સ્પિન બોલર હતા. તેમણે કહ્યું હતું કે, નાનપણમાં ગરીબીના કારણે ક્રિકેટ શીખવા માટે મારી પાસે ફી ભરવાના પૈસા નહોતા. એટલે હું મુંબઈના શિવાજી પાર્ક પહોંચી જતો અને ત્યાં નેટ પ્રેક્ટિસ કરતા ખેલાડીઓને મફતમાં બોલિંગ કરાવીને પોતાની બોલિંગ પ્રેક્ટિસ કરતો હતો. તેમણે એવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે જો આજે પણ તેમને માત્ર 10 દિવસ પ્રેક્ટિસ કરવા મળે, તો તેઓ મેદાન પર અદ્ભુત બોલિંગ કરી શકે છે.

વિરાટ કોહલીના હતા ચાહક નાના પાટેકર

નાના પાટેકર ક્રિકેટના આટલા મોટા ફેન હતા કે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન તેઓ ટીવી સામેથી ખસતા પણ નહોતા. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી તેમના ઓલ-ટાઇમ ફેવરિટ ખેલાડી હતા. તેમણે એકવાર જણાવ્યું હતું કે, જો વિરાટ કોહલી મેચમાં વહેલો આઉટ થઈ જાય, તો તે દિવસે તેમને જમવાની પણ ઇચ્છા થતી નહોતી. જાન્યુઆરી 2025માં તેમનું આ વિધાન સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયું હતું.

નોંધનીય છે કે, નાના પાટેકર અવારનવાર ક્રિકેટ અને સિનેમાની સરખામણી કરતા કહેતા કે બંને ક્ષેત્રોમાં વ્યક્તિએ અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે. ક્રિકેટરનો ખેલ 5 દિવસ ચાલે છે, જ્યારે કલાકારની મહેનત દોઢથી બે વર્ષે પર્દા પર આવે છે, પરંતુ આખરી નિર્ણય જનતાના હાથમાં જ રહે છે. અત્યારે નાના પાટેકરના આકસ્મિક નિધનથી ફિલ્મ ઉદ્યોગ, સામાજિક ક્ષેત્ર અને તેમના ચાહકોમાં શોકની લાગણીઓ છવાઈ ગઈ છે.