શ્વેતા જોષી અંતાણી
નિશાના જીવનમાં એકલતાની શરૂઆત એ દિવસથી થઈ હતી જ્યારે એને શહેરની સૌથી પ્રતિષ્ઠિત શાળામાં દાખલ કરવામાં આવી: ‘સેન્ટ એલિસિયા હાઈસ્કૂલ.’ આ શાળા સામાન્ય પરિવારોનાં બાળકો માટે નહોતી. ત્યાં શહેરના મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ડૉક્ટર્સ અને અધિકારીઓનાં બાળકો ભણતાં.
વિશાળ વર્ગખંડો, કમ્પ્યુટર લૅબ, ટેનિસ કોર્ટ, સંગીતખંડ, ડિબેટ ક્લબ અને ફિલ્મ સોસાયટી ઇત્યાદિ-ઇત્યાદિ. નિશા માટે એ બધું કોઈ બીજી જ દુનિયા જેવું હતું. નિશાના પપ્પા એ જ શાળાની બસ ચલાવતા હતા. શાળાના નિયમ મુજબ દરેક કર્મચારીના એક બાળકને મફતમાં ભણવાની તક આપવામાં આવતી. નિશાના પપ્પાએ એ તક એટલા માટે સ્વીકારી હતી કે દીકરી બુદ્ધિશાળી છે તો એને યોગ્ય શિક્ષણ મળે તો સારુંં.
જોકે નિશાને થોડા જ સમયમાં સમજાઈ ગયું કે એ અહીં મિસફિટ હતી. એની પાસે મોટું ઘર નહોતું. મોંઘાં કપડાં નહોતાં. એમના જેવી બોલચાલ નહોતી. એવું સરનામું નહોતું જે સાંભળીને કોઈ પ્રભાવિત થઈ જાય. અને સૌથી મોટી વાત કે એ એમની દુનિયાની નહોતી. જ્યારે નિશાનો જન્મદિવસ આવતો ત્યારે એ કોઈને કહેતી નહીં. બીજાં બાળકો ચૉકલેટ વહેંચતાં અને પાર્ટીઓ આપતાં. નિશા દૂર ઊભી રહીને જોતી રહેતી.
શરૂઆતમાં એને પણ જન્મદિવસની પાર્ટીઓમાં બોલાવવામાં આવતી, પરંતુ શું પહેરવું, શું ભેટ આપવી. આ બધું વિચારતાં જ એ ગભરાઈ જતી. ધીમે ધીમે એ આમંત્રણો નકારવા લાગી. પછી આમંત્રણો આવવાનાં બંધ થઈ ગયાં. નિશા એક પછી એક ધોરણ પસાર કરતી ગઈ. ભણવામાં એ સામાન્ય હતી. કોઈ ખાસ સિદ્ધિ નહોતી. મિત્રો નહોતા, પણ અંદરથી એ મિત્ર માટે ખૂબ તરસતી.
અને વર્ષો પછી એ દિવસ આવ્યો જ્યારે તરસને પરબ મળી. ક્લાસ ટીચરે નિશાને મીરાંની બાજુમાં બેસાડી. મીરાંનો સ્વભાવ નિશાથી તદ્દન અલગ. આત્મવિશ્વાસી, હસમુખી અને લોકપ્રિય. એક દિવસ મીરાં પોતાનું હિન્દીનું પુસ્તક ઘરે ભૂલી ગઈ. પાઠ શરૂ થયો ત્યારે એણે નિશા તરફ જોઈને કહ્યું, ’હું તારી બુકમાંથી વાંચી શકું?’ નિશા હા-ના કરે એ પહેલાં જ એણે એ બુક પોતાની તરફ ખેંચી લીધી. બીજા દિવસે મીરાંએ પોતાના ટિફિનમાંથી સૅન્ડવિચ નિશા સામે ધરી. ‘લે, ખાઈ લે. પછી હું તારો પરાઠાનો એક ટુકડો લઈશ તો મને ખરાબ નહીં લાગે.’ નિશા આશ્ર્ચર્યથી એને જોતી રહી.
‘મારી મમ્મી બનાવે છે,’ નિશાએ ધીમેથી કહ્યું.
‘તો તું બહુ નસીબદાર છે!’ મીરાંએ હસીને કહ્યું. એ દિવસથી બંને વચ્ચે નાસ્તાની આપ-લે શરૂ થઈ. નિશાની મમ્મી દરરોજ બે પરાઠા વધારે આપવા લાગી, મીરાં એ સ્વાદનાં એવાં વખાણ કરતી કે ધીમે ધીમે બીજા લોકો પણ એની પાસે આવીને બેસવા લાગ્યા. પહેલી વાર નિશાને લાગ્યું કે કદાચ એ પણ આ દુનિયાનો એક ભાગ બની શકે છે.
મીરાના જન્મદિવસે એણે નિશાને પોતાના ફાર્મહાઉસ પર બોલાવી. નિશાએ શરૂઆતમાં ના પાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મીરાંએ એની એક પણ વાત સાંભળી નહીં. એ દિવસે નિશાએ પહેલી વાર મીરાંની દુનિયાને નજીકથી જોઈ. વિશાળ સ્વિમિંગ પૂલ, લીલું મેદાન, સુંદર બગીચો, નોકરોની અવરજવર અને ચાંદીની થાળીઓમાં પીરસાતું અસંખ્ય ખાવાનું. મીરાંને એનું રતીભાર અભિમાન નહીં. સમય જતાં બન્ને ખૂબ નજીક આવી ગયાં.
મીરાં ભણવામાં તેજ હતી એના કરતાં વધુ ચાલાક હતી. સ્માર્ટ અને મીઠડી હતી. પોતાનું કામ કઢાવતાં એને સારી પેઠે આવડતું. એના લીધે અવનવી સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક એને મળી જતી. અને પછી કોઈપણ ભોગે મીરાં વિજેતા બનવામાં સફળ રહેતી. નિશાને આમ એનું લોકોને છેતરી પોતાનો સ્વાર્થ સાધવાનું ગમતું નહીં, પરંતુ મિત્ર નામે એક મીરાં જ તો હતી જેણે એનો હાથ ઝાલ્યો હતો એટલે એ ચૂપ રહેતી. અને પછી એવી ઘટના બની જેમાં નિશા માટે ચૂપ રહેવું શક્ય નહોતું.
એ હતી કેમિસ્ટ્રીની પરીક્ષા. પ્રશ્ર્નપત્ર મુશ્કેલ હતું. નિશા પ્રશ્ર્નો ઉકેલી રહી હતી ત્યારે એની નજર બાજુમાં બેઠેલી મીરાં પર પડી. મીરાંએ સ્માર્ટ વૉચ પહેરેલી જેમાંથી એ જવાબો લખતી હતી. નિશાના હાથ ઠંડા પડી ગયા. મીરાંએ પણ એની તરફ જોયું. એની આંખોમાં ભય નહોતો. એ જાણતી હતી કે નિશા એને કંઈ નહીં કહે. કદાચ આ ક્ષણ માટે જ તો એણે નિશા સાથે દોસ્તી વધારેલી. મીરાંએ એને મિત્રતા આપી હતી, જેથી જરૂર પડ્યે એની વફાદારી ખરીદી શકાય.
નિશા લાંબા સમય સુધી ચૂપ રહી. પછી એણે હાથ ઊંચો કર્યો. શિક્ષકે એની તરફ જોયું.
‘શું થયું? વધારે પેપર જોઈએ છે?’નિશાએ માથું હલાવ્યું. એનું ગળું સુકાવા લાગ્યું, પરંતુ પછી એના મોઢામાંથી માત્ર ત્રણ શબ્દો નીકળ્યા.
‘સર, મીરાં ચીટ કરે છે.’ વર્ગમાં સન્નાટો છવાઈ ગયો. થોડી જ વારમાં બધું પૂરું થઈ ગયું. મીરાંનાં માતા-પિતાને શાળામાં બોલાવવામાં આવ્યાં. એને સસ્પેન્ડ કરવામાં આવી.
બીજા દિવસે એ કૉરિડોર પાર કરીને સીડી તરફ જઈ રહી હતી ત્યારે કોઈ એની સામે આવીને ઊભું રહી ગયું. એને ઉપર જોવાની જરૂર જ નહોતી. એ જાણતી હતી કે મીરાં હતી. નિશા કંઈ બોલે એ પહેલાં મીરાંની મુઠ્ઠી નિશાના ચહેરા પર વાગી. નિશા જમીન પર પડી ગઈ. આસપાસ ઘણા વિદ્યાર્થીઓ ઊભા હતા. કોઈએ કંઈ કહ્યું નહીં. નિશા ધીમેથી ઊભી થઈ ગેટ તરફ ચાલવા લાગી. હવે ક્લાસમેટ્સ એને ‘મોલ’-‘દગાબાજ’ કહેવા લાગ્યા.
એ પસાર થતી ત્યારે કોઈ ઉંદરના અવાજની નકલ કરતું. કોઈ એની સાથે ટિફિન વહેંચતું નહીં. કોઈ એની સાથે વાત કરતું નહીં. ફરી એક વાર નિશા એકલી થઈ ગઈ. દુ:ખ હતું. ભય હતો. ગુસ્સો હતો. નફરત હતી અને એકલતા પણ ખૂબ હતી, પરંતુ હવે એ એકલતા પહેલાં જેવી ભયાનક નહોતી, કારણ કે આ વખતે નિશા જાણતી હતી કે એ એકલી હતી, પરંતુ ખોટી નહીં. એની પાસે કોઈ મિત્ર નહોતી, પરંતુ એની પાસે એની પોતાની જાત હતી. અને ક્યારેક માણસને ભીડમાં મળતી ખોટી સંગત કરતાં એકાંતમાં મળતી પોતાની સાથેની સચ્ચાઈ વધારે મજબૂત બનાવી દે છે એ આનું નામ.