(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા ભિવંડીના પીસેમાં ૪૫૫ મિલ્યન લિટર પર ડે (એમએમલડી)ની ક્ષમતા ધરાવતું એક નવું પમ્પિંગ સ્ટેશન બનાવી રહી છે. હાલના પમ્પિંગ યુનિટ લગભગ ૫૦ વર્ષ જૂના છે. નવું પમ્પિગ સ્ટેશન શરૂ થવાથી મુંબઈના પાણી પુરવઠા થઈ રહેલા પાણીના ગળતર સહિતની અનેક સમસ્યાઓમાં રાહત મળશે એવો પ્રશાસનનો દાવો છે. પ્રોજેક્ટનું આશરે ૬૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
મુંબઈને કરવામાં આવતા પાણીપુરવઠામાં પીસે એક મહત્ત્વની કડી ગણાય છે. હાલના પિસે પમ્પિંગ સ્ટેશન સિસ્ટમથી શહેરને દરરોજ આશરે ૨,૧૨૦ એમએલડી પાણી પૂરું પાડવામાં આવે છે. હાલમાં અહીં ચાર પમ્પિંગ સ્ટેશન છે. આમાંથી ત્રણની ક્ષમતા ૪૫૫ એમએલડીની છે અને એકની ક્ષમતા ૬૪૦ એમએલડીની છે.
નવા ૪૫૫ એમએલડી ક્ષમતાવાળું સ્ટેશનનું કામ પૂર્ણ થયા બાદ જૂની પમ્પિંગ સિસ્ટમ પરની નિર્ભરતા ઓછી થશે. તેમ જ પંપ સમારકામ અથવા ટૅક્નિકલ સમસ્યા દરમ્યાન વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નવી સુવિધાનો ઉપયોગ કરી શકાશે.
પિસેમાં એક નવો બંધ પણ બાંધવામાં આવવાનો છે. હાલમાં રહેલા બંધનું બાંધકામ છેક ૧૯૭૯ની સાલમાં કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેમાં ૩૧ ટાઉન હોલ ડેટમ (ટીએચડી) સુધી પાણીનો સંગ્રહ કરી શકાતો હતો પણ ૨૦૦૦ની સાલમાં તેની ઉપર રબરના ફુગ્ગાઓ બેસાડવામાં આવ્યા હતા, જેનાથી સંગ્રહ સ્તર લગભગ બે મીટર વધ્યું છે. જોકે સમય જતાં રબરના ફુગ્ગાઓના સંચાલન અને જાળવણીમાં સમસ્યાઓ ઊભી થઈ. પરિણામે પાલિકાએ એ રબરના ફુગ્ગાઓને સ્ટીલના દરવાજાથી બદલવાનો નિર્ણય લીધો છે. આ બંધ ધરતીકંપ-પ્રતિરોધક ટૅક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યો છે.
નવી સિસ્ટમથી પાણીના સંગ્રહ પર વધુ સારા નિયંત્રણ સાથે પમ્પિંગ સિસ્ટમની કાર્યક્ષમતામાં સુધારો થશે. પાલિકાના અધિકારીના જણાવ્યાં અનુસાર નવા બંધ અને ૪૫૫ એમએલડી પમ્પિંગ સ્ટેશનના બાંધકામ, મશીનરીની સ્થાપના અને કમિશનિંગ માટેનો વર્ક ઓર્ડર ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ જારી કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ચાર માર્ચ, ૨૦૨૫ના રોજ કામ શરૂ થયું. આ પ્રોજેક્ટ ૩૬ મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે, જેમાં ચોમાસાનો પણ સમાવેશ થાય છે.
પાલિકાના પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર બાંધકામ દરમ્યાન ગુણવત્તા, ટૅકનિકલ ધોરણો અને સલામતીના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. પીસે-પાંજરાપુર પાણી પુરવઠા સિસ્ટમ મુંબઈ માટે મહત્ત્વપૂર્ણ છે. નવી પમ્પિંગ ક્ષમતા હાલના મશીનરીમાં સંભવિત સમસ્યાને દૂર કરવામાં અને ભવિષ્યમાં મુંબઈની વધતી જતી પાણીની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે.