Thu Oct 08 2026

Logo

સ્પોર્ટ્સવુમનઃ દીકરીઓ હવે નથી બોજ... ચંદ્રકોની કરી આપે ખોજ

2026-10-08 08:11:00
Author: Ajay Motiwala
સ્પોર્ટ્સવુમનઃ દીકરીઓ હવે નથી બોજ... ચંદ્રકોની કરી આપે ખોજ

 

અજય મોતીવાલા

તમિળનાડુના કોઇમ્બતુર શહેરમાં એક છોકરીના પિતા જેઓ કોરોનાકાળ સુધી ટ્રક ડ્રાઇવર હતા તેમને ત્યાં સપ્ટેમ્બર 1998માં ટ્વિન બાળકીઓનો જન્મ થયો અને એ સાથે તેમના પરિવારમાં ત્રણ-ત્રણ લક્ષ્મીજીની હાજરીથી ખુશીનું વાતાવરણ છવાયેલું હતું, પરંતુ આસપાસના કેટલાક લોકો સતત ટકોર કરતા હતા કે આ ટ્રક ડ્રાઇવર ત્રણ-ત્રણ છોકરીઓનું ભરણપોષણ કેવી રીતે કરશે? તેઓ મોટી થશે ત્યારે તેમને કેવી રીતે પરણાવશે? 

જોકે રામરાજ નામના આ ટ્રક ડ્રાઇવરે પત્ની મીના સાથે મળીને ત્યારથી હિંમતપૂર્વક સંઘર્ષની સફર શરૂ કરી અને ટોણા મારનારાઓની અત્યારે બોલતી બંધ થઈ ગઈ છે, કારણકે એ ત્રણમાંથી એક પુત્રીએ થોડા દિવસ પહેલાં જ જાપાનની એશિયન ગેમ્સમાં ભારતની રનિંગ-લેજન્ડ પી. ટી. ઉષાનો 42 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો. એટલું જ નહીં, આ છોકરીએ એક ગોલ્ડ મેડલ સહિત કુલ ત્રણ ચંદ્રક જીતીને ભારતનું નામ રોશન કર્યું છે.

જાપાનમાં કયા ત્રણ મેડલ જીતી?
પી. ટી. ઉષા, જેઓ હાલમાં ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશન (આઇઓસી)ના ચૅરપર્સન છે અને તેમના કાર્યકાળ દરમ્યાન જ તમિળનાડુની 28 વર્ષની વિથ્યા રામરાજે તેમનો ચાર દાયકા જૂનો વિક્રમ તોડ્યો છે. પી. ટી. ઉષાએ 1984ની લોસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં 400 મીટરની વિઘ્ન દોડ 55.42 સેકન્ડમાં પૂરી કરી હતી. 

વિથ્યાએ તાજેતરમાં જાપાનની એશિયન ગેમ્સમાં 400 મીટરની હર્ડલ્સ 54.75 સેકન્ડમાં પૂરી કરીને બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. તેણે પી. ટી. ઉષાનો વિક્રમ તોડી નાખ્યો હતો. બીજી રીતે કહીએ તો પિતા રામરાજને વર્ષો પહેલાં ટોણા મારનારાઓને વિથ્યાએ જાપાનની હરીફાઈમાં દોડવાનું શરૂ કર્યા બાદ 54.75 સેક્ધડમાં ચૂપ કરી દીધા. ભારતે 21 ગોલ્ડ સહિત કુલ 85 ચંદ્રક સાથે ચોથું સ્થાન મેળવ્યું એમાં વિથ્યાની મહત્ત્વની ભૂમિકા છે.

વિથ્યાએ જાપાનમાં મેડલની હેટ-ટ્રિક કરી હતી. તેણે 4ડ્ઢ400 મીટર રિલે ટીમ દોડમાં પ્રાચી ચૌધરી, કિરણ પહલ અને મચેટ્ટીરા પુવમ્મા સાથે મળીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વિથ્યાએ 4ડ્ઢ400 મીટર રિલેમાં મનુ ટી. એસ., મચેટ્ટીરા પુવમ્મા, વિશાલ ટી. કે. સાથે મળીને સિલ્વર મેડલ પણ હાંસલ કર્યો હતો. તેણે જાપાનમાં સિદ્ધિઓ મેળવ્યા પછી પત્રકારોને કહ્યું, ‘એક સમય હતો જ્યારે મારા પપ્પા મને અને મારી ટ્વિન સિસ્ટરને ઍથ્લેટિક્સમાં તાલીમ અપાવવા માટે પોતાની કમાણીના બધા પૈસા ખર્ચી નાખતા હતા. તેઓ ટ્રક ચલાવતા હતા અને કોઈક દિવસ જમ્યા ન હોય એવું પણ બન્યું હતું. જોકે હવે એ સંઘર્ષના દિવસો ભૂતકાળ બની ગયા છે.’

ટ્વિન સિસ્ટર નિથ્યા પણ રનર

વિથ્યા રામરાજની ટ્વિન સિસ્ટર નિથ્યા પણ રનર છે. તે કેટલીક ટૂર્નામેન્ટ જીતી ચૂકી છે. ઈજાને લીધે નિથ્યા જાપાનની એશિયન ગેમ્સમાં ભાગ નહોતી લઈ શકી.

માતાને કારણે રનિંગની કારકિર્દી શરૂ કરી

વિથ્યા-નિથ્યાની મોટી બહેન પરણેલી છે. વિથ્યા અને નિથ્યા સ્કૂલના દિવસોમાં માત્ર ફીલ્ડ હૉકી જ રમતી હતી. જોકે દોડવામાં તેઓ ખૂબ જ ચપળ હતી એટલે હોસ્ટેલના પીટી ટીચરે તેમની મમ્મીને સલાહ આપી હતી કે તમારી આ ટ્વિન દીકરીઓને ઍથ્લેટિક્સમાં કારકિર્દી બનાવવા સમજાવો.
 
પરિવારની સ્થિતિ સારી નહોતી એટલે મીના રામરાજે નક્કી કર્યું કે બંને પુત્રીઓને કોઈ પણ ભોગે ઍથ્લેટિક્સમાં તાલીમ અપાવવી જ છે. તેમણે પતિ રામરાજ સાથે મળીને થોડા-થોડા પૈસા ભેગા કરીને વિથ્યા અને નિથ્યાને રનિંગની તાલીમ અપાવી હતી. બંને પુત્રીઓ નાનપણથી ખૂબ ટૅલન્ટેડ હતી એટલે તેમણે માતા-પિતાની મહેનત એળે ન જવા દીધી અને ગ્રૅજ્યુએટ થવા ઉપરાંત રનિંગની રમતમાં ખૂબ આગળ વધી હતી. થોડા વર્ષ પહેલાં તેમણે એક મોટી ટૂર્નામેન્ટ જીતીને તેમનાં મમ્મીને ઘરેણાં અપાવ્યાં હતાં.

વિથ્યા રેલવેમાં ટિકિટ કલેક્ટર અને નિથ્યા કરવેરા વિભાગમાં

જેમ મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટર બનતાં પહેલાં રેલવે વિભાગમાં ટિકિટ કલેક્ટર તરીકેની નોકરી કરતો હતો એમ વિથ્યાએ પણ દોડની હરીફાઈઓમાં ટ્રોફીઓ જીતતાં પહેલાં રેલવેમાં નોકરી શરૂ કરી હતી. વિથ્યા હજી પણ દક્ષિણ રેલવેના પલક્કડ વિભાગમાં સિનિયર કમર્શિયલ કમ ટિકિટ કલેક્ટરની નોકરી કરે છે. તેની ટ્વિન સિસ્ટર નિથ્યા ઇન્કમટૅક્સ ડિપાર્ટમેન્ટમાં જૉબ કરે છે.

રાજ્ય સરકારનું એક કરોડનું ઇનામ, નવો ફ્લૅટ ખરીદશે

તમિળનાડુ સરકારે ચંદ્રકો જીતવા બદલ વિથ્યા રામરાજને કુલ એક કરોડ રૂપિયાનું ઇનામ આપ્યું છે. વિથ્યાએ અગાઉની ઇનામી રકમ ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકી હતી અને હવે પરિવાર માટે નવો ફ્લૅટ ખરીદશે.

કુમકુમના પિતા મીઠાઈના બૉક્સ બનાવે છે, હવે શુભેચ્છકોમાં મીઠાઈ વહેંચી

જાપાનની એશિયન ગેમ્સ પૂરી થઈ એના બે દિવસ પહેલાં મહિલાઓની વ્યક્તિગત રિકર્વ સ્પર્ધામાં ભારતને પહેલી જ વખત મેડલ (...અને એ પણ ગોલ્ડ મેડલ) અપાવનાર તથા 2028ની લોસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં સ્થાન મેળવનાર મહારાષ્ટ્રની તીરંદાજ કુમકુમ મોહોડના પિતા અનિલ મોહોડ ઘણાં વર્ષોથી મીઠાઈ માટેના બૉક્સ વેચવાનો બિઝનેસ કરે છે. 
અમરાવતીમાં બારમા ધોરણમાં ભણતી 17 વર્ષની તેમની દીકરી કુમકુમે જાપાનમાં ટીમ ગોલ્ડ મેડલ તેમ જ મિક્સ્ડ ટીમનો સિલ્વર મેડલ પણ જીતી લીધો હતો. કુમકુમે તાજેતરમાં જ ચીનના વર્લ્ડ કપમાં બે ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. કુમકુમના પિતાએ પુત્રીની આ સિદ્ધિથી ભાવુક થઈને મીઠાઈથી ભરેલાં અનેક બૉક્સ ખરીદીને સગા સંબંધીઓ, પાડોશીઓ તેમ જ મિત્રોમાં વહેંચ્યાં હતાં.

ઇ-બાઇકમાંથી હવે કારની માલિક

17 વર્ષની કુમકુમના પિતા અનિલ મોહોડે એક મુલાકાતમાં કહ્યું છે કે ‘મારી દીકરી કુમકુમ હજી બહુ નાની છે. તેને તીરંદાજીની પ્રૅક્ટિસ માટેના કેન્દ્ર સુધી મૂકવા અને લેવા મારે દરરોજ જવું પડતું હતું એટલે મેં તેને ઇલેક્ટ્રિક બાઇક અપાવી દીધી હતી. તેને ડ્રૉપ કરવા તેમ જ પાછા લાવવા માટે કોઈ વાહન બુક કરાવું તો મારે 5,000 રૂપિયાનો ખર્ચ થતો હતો. તાજેતરમાં તે એશિયન ચૅમ્પિયનશિપ જીતી એની ઇનામી રકમમાંથી મેં તેને ઇ-બાઇક લઈ આપી હતી. હવે તે એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીતી છે અને ઇનામમાં મોટી રકમ મેળવી રહી છે જેનાથી હું હવે તેને કાર લઈ આપીશ. કુમકુમ 2028ની લોસ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થઈ છે. જો એમાં તે ચંદ્રક જીતશે તો તેના કોચ તેને આઇફોન અપાવશે એવું અત્યારથી તેમણે વચન આપ્યું છે.’