દાહોદ: ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહી વચ્ચે દાહોદના દેવગઢ બારિયા ખાતે મોટી એસીબી કાર્યવાહી સામે આવી છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ જે.એસ.ચૌહાણ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ અને ક્લાસ-1 અધિકારી ડૉ. રહીમભાઈ ઇબ્રાહિમભાઈ મેમણને 40 હજાર રૂપિયાની કથિત લાંચ લેતા ઝડપી પાડ્યો છે. 59 વર્ષીય ડૉ. મેમણ સામે એસીબીએ લાંચ લેવાનો કેસ નોંધ્યો છે.
એસીબીના જણાવ્યા અનુસાર, સરકારી હોસ્પિટલમાં ડિસ્ટ્રિક્ટ રેસીડેન્સી પ્રોગ્રામ (ડીઆરપી) હેઠળ નિયુક્ત થયેલા કુલ આઠ વિદ્યાર્થીઓ પાસેથી 5-5 હજાર રૂપિયાની લાંચ માગવામાં આવી હતી. આ રીતે કુલ 40 હજાર રૂપિયાની રકમ માગવામાં આવી હતી. આરોપ છે કે, વિદ્યાર્થીઓને તેમની સેવા દરમિયાન અનુકૂળ ડ્યૂટી સોંપવા અને તેમને હેરાનગતિથી બચાવવા બદલ આ રકમની માંગ કરવામાં આવી હતી.
લાંચ આપવાની ઇચ્છા ન ધરાવતા ફરિયાદીએ આ અંગે ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ મળ્યા બાદ એસીબીએ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી અને લાંચની રકમ સ્વીકારતા આરોપીને રંગેહાથ ઝડપી પાડવા માટે ટ્રેપ ગોઠવવાની કાર્યવાહી શરૂ કરી હતી.
આ માટે 5 ઓક્ટોબરે જે.એસ.ચૌહાણ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા ડૉક્ટરના ક્વાર્ટર્સ ખાતે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. કાર્યવાહી દરમિયાન ડૉ. મેમણે ફરિયાદી પાસેથી 40 હજાર રૂપિયાની કથિત લાંચ સ્વીકારી હોવાનો એસીબીનો દાવો છે. આ દરમિયાન એસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. એસીબીની કાર્યવાહીમાં લાંચની સમગ્ર 40 હજાર રૂપિયાની રકમ આરોપી પાસેથી જપ્ત કરવામાં આવી છે.
આ કેસમાં વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સરકારી હોસ્પિટલના ક્લાસ-1 અધિકારી સામે થયેલી આ કાર્યવાહીથી દાહોદના સરકારી તંત્રમાં પણ ચર્ચા શરૂ થઈ છે. એસીબીની કાર્યવાહી બાદ હવે કેસની આગળની તપાસમાં લાંચની માંગ અને ડ્યૂટી ફાળવણી સાથે જોડાયેલી અન્ય વિગતો પણ બહાર આવી શકે છે.