Thu Oct 08 2026

Logo

નાના પાટેકરે એક બે નહીં 12 મણ લાકડા ભેગા કરી રાખ્યા હતા? જાણી લો આ પાછળની સ્ટોરી...

2026-10-08 15:39:39
Author: Darshana Visaria
નાના પાટેકરે એક બે નહીં 12 મણ લાકડા ભેગા કરી રાખ્યા હતા? જાણી લો આ પાછળની સ્ટોરી...

બોલીવૂડ અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દમદાર અભિનેતા નાના પાટેકરનું ગુરુવારે સવારે ગોવા સ્થિત નિવાસસ્થાને કાર્ડિયાક અરેસ્ટના કારણે 75 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેમની અણધારી એક્ઝિટથી સમગ્ર દેશ અને બોલીવૂડમાં માતમ છવાઈ ગયો છે. નાના પાટેકર હંમેશાં જિંદગી અને મોતના ફિલસૂફીભર્યા સત્યને સાહજિકતાથી સ્વીકારતા હતા. તેમના નિધન બાદ હવે તેમનો એક જૂનો ઇન્ટરવ્યુ વઈયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે ખુલાસો કર્યો હતો કે તેમણે જીવતેજીવ પોતાના અંતિમ સંસ્કારની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. ચાલો જાણીએ આખી ઈનસાઈડ સ્ટોરી...

સપ્ટેમ્બર 2023માં ફિલ્મ 'ધ વેક્સિન વોર'ના પ્રમોશન દરમિયાન આપેલા એક ઈન્ટરવ્યુમાં નાના પાટેકરે મૃત્યુ પર ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું મૃત્યુમાં વિશ્વાસ રાખું છું અને જાણું છું કે એક દિવસ મારે જવાનું જ છે. મને ખબર છે કે મને 12 મણ લાકડાં લાગવાના છે, અને એ જ મારી આખરી મિલકત છે. એની સાથે જ હું આ દુનિયામાંથી વિદાય લઈશ.

નાના પાટેકરે આ ઈન્ટરવ્યુમાં પોતે જ પોતાના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી રાખી છે એના વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મારા અંતિમ સંસ્કારમાં માત્ર સૂકાં લાકડાંનો જ ઉપયોગ કરવામાં આવે. મેં 12 મણ લાકડાં ભેગા કરીને રાખ્યા છે અને તે એકદમ સૂકાં છે. મને એમાં જ અગ્નિદાહ આપજો, કોઈ ભીનાં લાકડાંનો ઉપયોગ ન કરતા. 

આ પાછળનું કારણ જણાવતાં તેમણે પોતાની જાણીતી શૈલીમાં માર્મિક રમૂજ સાથે જણાવ્યું હતું કે, જો ભીનાં લાકડાંમાં મારા અંતિમ સંસ્કાર કરવામાં આવશે તો ધુમાડાથી લોકોની આંખોમાં આંસુ આવશે... અને મરતી વખતે મને ખોટી ગેરસમજ થશે કે લોકો મારા માટે રડી રહ્યા છે! ઓછામાં ઓછું મરતી વખતે તો આવી કોઈ ગેરસમજ ન થવી જોઈએ.

ગોવામાં કેવી રીતે વીતી હતી છેલ્લી ક્ષણો?

મણિપાલ હોસ્પિટલના ડો. શેખર સાલકરના જણાવ્યા મુજબ, નાના પાટેકરે ગુરુવારે મોડી રાત્રે અઢી વાગ્યે પોતાના એક મિત્રને મેસેજ કરીને જણાવ્યું હતું કે તેમને સારું નથી લાગી રહ્યું અને છાતીની ડાબી બાજુ દુખાવો થઈ રહ્યો છે. બાદમાં તેમના મિત્ર ડોના પાઉલા સ્થિત તેમના ઘરે પહોંચ્યા ત્યારે નાના પાટેકર ભારે પીડામાં હતા. કેરટેકર અને મિત્રએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી. સવારે 4.20 કલાકે તેમને મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટર્સે સીપીઆર આપીને તેમને બચાવવાનો આટોપી પ્રયાસ કર્યો, પરંતુ સવારે 5.20વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.