હિન્દી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ તથા પાવરહાઉસ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. ગોવાના ડોના પાઉલા સ્થિત તેમના નિવાસસ્થાને કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અચાનક નિધનથી ફિલ્મ જગત, પ્રશંસકો અને સમગ્ર દેશમાં ઊંડા શોકની લહેર પ્રસરી ગઈ છે. જોકે, આ બધા વચ્ચે નાનાએ રાતે અઢી વાગ્યે કોને મેસેજ કર્યો હતો અને શું વાત કરી હતી એ વિશેની માહિતી સામે આવી રહી છે.
નાના પાટેકરના અંતિમ કલાકો અને તેમની છેલ્લી ક્ષણોને લઈને એક અત્યંત ભાવુક વિગત સામે આવી છે, જેમાં તેમણે મૃત્યુના થોડા કલાકો પહેલાં જ પોતાના ખાસ મિત્રને મેસેજ કરીને પોતાની તબિયત ખરાબ હોવાની જાણ કરી હતી. હોસ્પિટલના ડોક્ટર્સ અને સૂત્રો અનુસાર, નાના પાટેકરે મોડી રાત્રે આશરે અઢી વાગ્યાની આસપાસમાં એક અંગત મિત્રને મેસેજ મોકલીને જણાવ્યું હતું કે અચ્છા મહસૂસ નહીં હો રહા હૈ...
મોડી રાત હોવાના કારણે તેમના મિત્ર એ મેસેજ તરત જોઈ શક્યા નહોતા. બાદમાં જ્યારે મેસેજ જોયો ત્યારે તેમણે તાત્કાલિક નાના પાટેકરને ફોન કર્યો અને સવારે 4 વાગ્યાની આસપાસ ગોવા સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતા. મિત્ર જ્યારે 4 વાગ્યે તેમના ઘરે પહોંચ્યા ત્યારે નાના પાટેકરને અતિશય પરસેવો વળી રહ્યો હતો અને તેમની હાલત નાજુક બની ગઈ હતી. તેઓ ધીમે-ધીમે બેભાન થવા લાગ્યા હતા.
કેરટેકર અને મિત્રએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેમને મણિપાલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલના તબીબોએ તેમને બચાવવા માટે સતત ૪૫ મિનિટ સુધી સીપીઆર (CPR) આપ્યું, પરંતુ શરીરમાં કોઈ હલનચલન ન જણાતાં આખરે તબીબોએ સવારે તેમને મૃત જાહેર કર્યા હતા.
હોસ્પિટલમાં લાવતાં પહેલાં જ તેમનું નિધન થઈ ચૂક્યું હોવાથી નિયમ મુજબ તેમનો પાર્થિવ દેહ ગોવા મેડિકલ કોલેજ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે પુણે નજીક ડોંજે સ્થિત તેમના ફાર્મહાઉસ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે, નાના પાટેકરનું જવું એ ભારતીય સિનેમા માટે ક્યારેય ન પુરી શકાય તેવી મોટી ખોટ છે. તેમના પ્રભાવશાળી સંવાદો અને ક્રાંતિકારી અભિનયને આવનારી પેઢીઓ હંમેશાં યાદ રાખશે.
વાત કરીએ નાનાના ફિલ્મી કરિયરની તો તેમણે અગણિત યાદગાર ફિલ્મો ઈન્ડસ્ટ્રીને આપી છે, પરંતુ તેમાં પણ 'ક્રાંતિવીર', 'તિરંગા', 'પરિંદા', 'અગ્નિસાક્ષી', 'વેલકમ' અને 'નટસમ્રાટ' જેવી ફિલ્મો આજે પણ દર્શકોના દિલોમાં વસેલી છે. ફિલ્મો સિવાય નાનાએ સમાજસેવામાં પણ પોતાનું યોગદાન આપ્યું હતું. 'નામ ફાઉન્ડેશન' થકી દુષ્કાળગ્રસ્ત ખેડૂતોની મદદ કરનાર નાના પાટેકર સદાય લોકોના હૃદયમાં જીવંત રહેશે.