મુંબઈ: ઓલિમ્પિક મેડલ વિજેતા અને છ વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર મેરી કોમ ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવી છે. મેરી કોમના પૂર્વ પતિ ઓન્લર કોમે તેના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ઓન્લરનો આરોપ છે કે મેરી કોમે ટેલિવિઝન કાર્યક્રમો અને અન્ય જાહેર પ્લેટફોર્મ પર તેમના વિશે એવી ટિપ્પણીઓ કરી છે, જેના કારણે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. આ કાર્યવાહી ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 356 હેઠળ કરવામાં આવી છે.
મેરી કોમ હાલમાં ‘બિગ બોસ 20’માં સ્પર્ધક તરીકે જોવા મળી રહી છે. આ દરમિયાન પૂર્વ પતિ સાથેના સંબંધો અને જૂના વિવાદો ફરી ચર્ચામાં આવ્યા છે. ઓન્લરે માનહાનિ કેસ અંગે વાત કરતા કહ્યું કે, 'મારો કેસ મજબૂત છે. મને ભારતની ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ છે. મામલો કોર્ટમાં છે, તેથી હું આ અંગે વધુ ટિપ્પણી કરીશ નહીં.' આ કેસની આગામી સુનાવણી 19 નવેમ્બર 2026ના રોજ થવાની છે.
આ વિવાદની શરૂઆત મેરી કોમ દ્વારા અગાઉ કરવામાં આવેલા ગંભીર આરોપોથી થઈ હતી. ‘આપ કી અદાલત’ સહિતના કાર્યક્રમોમાં મેરી કોમે ઓન્લર પર તેની બોક્સિંગ કારકિર્દી દરમિયાન કમાયેલા કરોડો રૂપિયાની કથિત ગેરરીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તેના નામે લોન લેવામાં આવી, કેટલીક સંપત્તિ તેમની યોગ્ય મંજૂરી વિના ઓન્લરના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી.
બીજી તરફ, ઓન્લરે પણ મેરી કોમ પર લગ્નેતર સંબંધના આરોપો લગાવ્યા હતા. બંને તરફથી આરોપ-પ્રત્યારોપ બાદ તેમના લગ્નજીવન અને છૂટાછેડાને લઈને ભારે ચર્ચા થઈ હતી. મેરી કોમે પોતાના પૂર્વ પતિના ફૂટબોલ કારકિર્દી અંગે કરેલી કેટલીક ટિપ્પણીઓ પર બાદમાં સ્પષ્ટતા પણ કરી હતી. તેણે કહ્યું હતું કે ઇન્ટરવ્યૂ દરમિયાન તે ભાવુક થઈ ગઈ હતી અને તેની વાતનો હેતુ રમત કે રમત સાથે જોડાયેલા કોઈ વ્યક્તિનું અપમાન કરવાનો નહોતો. મેરી કોમ અને ઓન્લર કોમે 2005માં લગ્ન કર્યા હતા અને બંનેને ચાર સંતાનો છે. લગભગ 18 વર્ષ સાથે રહ્યા બાદ બંનેએ 2023માં પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા.
મેરી કોમના જીવન પર આધારિત બોલિવૂડ ફિલ્મમાં પ્રિયંકા ચોપડાએ તેની ભૂમિકા ભજવી હતી. ઉમંગ કુમારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં દર્શન કુમારે મેરી કોમના પતિ ઓન્લર કોમની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ બાદ નકારાત્મક પ્રતિક્રિયાઓ મળી હતી. ઘણાં લોકોનું માનવું હતું કે પ્રિયંકા ચોપડા બૉક્સરની ભૂમિકા ભજવવા માટે યોગ્ય અભિનેત્રી નહોતી. જો કે ફિલ્મે 62 માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર પણ જીત્યો હતો.