Thu Oct 08 2026

Logo

નાના પાટેકર માટે ‘ક્રાંતિવીર’ નામ હંમેશાં ઓળખ રહેશે: દિલીપ કુમારે કરી હતી ભવિષ્યવાણી

2026-10-08 20:50:25
Author: Mumbai Samachar Team
નાના પાટેકર માટે ‘ક્રાંતિવીર’ નામ હંમેશાં ઓળખ રહેશે: દિલીપ કુમારે કરી હતી ભવિષ્યવાણી

નવી દિલ્હી: ‘ક્રાંતિવીર’ નાના પાટેકરની કારકિર્દીની સૌથી યાદગાર ફિલ્મોમાંની એક રહી છે, પરંતુ આ ફિલ્મને લોકપ્રિયતા અને આગવી ઓળખ મળ્યા પહેલાં જ દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારે ભવિષ્યવાણી કરી હતી કે ‘ક્રાંતિવીર’નું નામ નાના પાટેકર સાથે હંમેશાં જોડાયેલું રહેશે. નાના પાટેકરનું ગુરુવારે વહેલી સવારે ગોવામાં તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. 

આ પ્રસંગનો ઉલ્લેખ ‘ક્રાંતિવીર’ના દિગ્દર્શક મેહુલ કુમારે 2024માં ફિલ્મના 30 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આપેલા એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. મેહુલ કુમારના જણાવ્યા અનુસાર, સુનીલ દત્તના અજંતા આર્ટ્સ ખાતે ‘ક્રાંતિવીર’ની ટ્રાયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી, જેમાં દિલીપ કુમાર, સાયરા બાનુ અને પરિવારના કેટલાક સભ્યો હાજર હતા.

ફિલ્મનું સ્ક્રીનિંગ પૂરું થયા બાદ દિલીપ કુમારે ફિલ્મની પ્રશંસા કરતાં કહ્યું હતું કે મેહુલ કુમારે એવી ફિલ્મ બનાવી છે જેનો ‘હેંગઓવર’ લાંબો સમય રહેશે ત્યાર બાદ નરગિસના ફોટોગ્રાફ તરફ ઈશારો કરતાં તેમણે ‘મધર ઈન્ડિયા’ની ટ્રાયલ સ્ક્રીનિંગનો પ્રસંગ યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જેમ નરગિસ સાથે ‘મધર ઈન્ડિયા’નું નામ હંમેશાં જોડાઈ ગયું, તેમ નાનાં પાટેકર ગમે તેટલી ફિલ્મો કરે, ‘ક્રાંતિવીર’નું લેબલ તેમની સાથે હંમેશાં રહેશે.

મેહુલ કુમારે જણાવ્યું હતું કે તેમણે ઘરે જઈને નાનાં પાટેકરને દિલીપ કુમારની આ વાત જણાવી હતી. નાનાં પાટેકર માટે આ આગાહી બાદમાં સાચી સાબિત થઈ અને ‘ક્રાંતિવીર’ તથા નાનાં પાટેકર એકબીજાથી અલગ ન કરી શકાય તેવી ઓળખ બની ગયા. ફિલ્મ માટે નાનાં પાટેકરને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો અને ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો હતો.

રસપ્રદ વાત એ છે કે નાનાં પાટેકરને મળેલો એકમાત્ર ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા એવોર્ડ દિલીપ કુમારે જ તેમને આપ્યો હતો. બાદમાં નાનાં પાટેકરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એવોર્ડ મળ્યા બાદ દિલીપ કુમારે તેમને ઘરે બોલાવ્યા હતા. વરસાદમાં ભીંજાઈને પહોંચેલા નાનાને દિલીપ કુમારે પોતે ટુવાલથી સૂકવ્યા હતા અને પોતાનો એક કુર્તો પણ આપ્યો હતો. નાનાએ આ મુલાકાતને યાદ કરતાં કહ્યું હતું કે તેમને હવે બીજા કોઈ એવોર્ડની જરૂર નથી.

1994માં આવેલી ‘ક્રાંતિવીર’નું દિગ્દર્શન અને નિર્માણ મેહુલ કુમારે કર્યું હતું. ફિલ્મમાં નાનાં પાટેકર, ડિમ્પલ કાપડિયા, અતુલ અગ્નિહોત્રી અને મમતા કુલકર્ણી મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મે ચાર ફિલ્મફેર એવોર્ડ અને એક રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જીત્યો હતો. નાનાં પાટેકરે ફિલ્મમાં એક સ્વાતંત્ર્ય સેનાનીના ભટકેલા પુત્રની ભૂમિકા ભજવી હતી, જે બાદમાં ગરીબોના હિત માટે લડતો માણસ બને છે. ફિલ્મમાં હિન્દુ-મુસ્લિમ એકતા પર આધારિત તેમનો સંવાદ આજે પણ યાદગાર માનવામાં આવે છે.