Thu Oct 08 2026

Logo

ઘાટકોપરના એસટીપી પ્લાન્ટને નિર્ધારિત મુદતમાં પૂરો કરવા અધિકારીઓને તાકીદ

2026-10-08 22:06:12
Author: Yogesh C. Patel
ઘાટકોપરના એસટીપી પ્લાન્ટને નિર્ધારિત મુદતમાં પૂરો કરવા અધિકારીઓને તાકીદ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
સમુદ્રના પાણીની ગુણવત્તા સુધારવાના ઉદ્દેશથી સ્યુએજ ડિસ્પોઝલ પ્રોજેક્ટ હેઠળ ઘાટકોપર પૂર્વમાં બનાવવામાં આવી રહેલા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)નું નિર્માણકાર્ય નિર્ધારિત મુદતમાં પૂરું કરવાની તાકીદ અધિકારીઓને આપવામાં આવી હતી. હાલમાં પ્રોજેક્ટની ડિઝાઈન, બાંધકામ, સંચાલન અને જાળવણીનું કામ પ્રગતિ પર હોવાનું કહેવાય છે.



મુંબઈના ઘાટકોપર પરિસરમાં પ્રતિદિન 337 મિલિયન લિટર ક્ષમતાના સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આ પ્લાન્ટમાં સિક્વેન્શિયલ બૅચ રિઍક્ટર (એસબીઆર) ટેક્નોલૉજીનો ઉપયોગ કરવાનું પ્રસ્તાવિત છે. સ્યુએજ વૉટર પર પ્રક્રિયા કરીને પાણીનો વિવિધ હેતુઓ માટે પુન:ઉપયોગ કરવામાં આવશે. ઘાટકોપર, માનખુર્દ, ગોવંડી અને ચેમ્બુર પરિસરના નાગરિકોને આ પ્રોજેક્ટનો લાભ મળશે. વળી, સમુદ્રના પાણીની ગુણવત્તા સુધારવા સાથે દરિયાઈ જીવોના સંવર્ધન અને પર્યાવરણમાં સુધારાને મદદ મળશે. 

પ્રોજેક્ટના નિર્માણકાર્યનું નિરીક્ષણ કરવા મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે ગુરુવારે સાઈટ પર પહોંચ્યા હતા. વિવિધ પ્રક્રિયા કરવા માટેની ટાંકીઓ, ઈનલેટ અને આઉટલેટ વ્યવસ્થા, પમ્પ હાઉસ, સ્લજ પ્રક્રિયા યુનિટ, પાઈપલાઈન તેમ જ બાંધકામ સંબંધી વિગતો પ્રાપ્ત કરી હતી. મિકેનિકલ અને ઈલેક્ટ્રિકલ ઈજનેરી કામોની સાથે સાથે આર્કિટેક્ચરલ કામોની પણ વિગતવાર સમીક્ષા કરી હતી.



સ્યુએજ વૉટર પર સેક્ધડરી ટ્રીટમેન્ટ માટે જરૂરી પાઈપલાઈન (લિક્વિડ પાઈપલાઈન) નાખવાનું કામ 31 ડિસેમ્બર સુધીમાં, જ્યારે સમગ્ર પ્રોજેક્ટ 31 માર્ચ, 2027 સુધીમાં પૂર્ણ કરવાની સૂચના આપી હતી. પ્લાન્ટનું કામ સમયસર અને ઝડપથી પૂર્ણ થાય તે માટે જરૂરી માનવબળમાં વધારો કરવામાં આવ્યો હતો. પરિણામે પહેલી ઑક્ટોબરથી આશરે 1,000 કર્મચારી પ્રોજેક્ટ સાઈટ પર કામ કરી રહ્યા છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.