Thu Oct 08 2026

Logo

અમદાવાદમાં રવિવારે આ રણજી મૅચ કદાચ કેમ નહીં રમાય?

2026-10-08 22:54:49
Author: Ajay Motiwala
અમદાવાદમાં રવિવારે આ રણજી મૅચ કદાચ કેમ નહીં રમાય?

અમદાવાદઃ અહીં રવિવાર, 11મી ઑક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ `બી' ગ્રાઉન્ડ, મોટેરામાં સવારે 9.30 વાગ્યે ગુજરાત અને ઓડિશા વચ્ચે રણજી ટ્રોફીના પ્રારંભિક દિવસે ચાર-દિવસીય મૅચ શરૂ થશે, પરંતુ અમદાવાદ (Ahmedabad)માં એ જ દિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અરુણાચલ પ્રદેશ (Arunachal pradesh) અને નાગાલૅન્ડ વચ્ચેની પ્લૅટ ગ્રૂપની ચાર-દિવસીય મૅચ કદાચ શરૂ નહીં થાય અને અરુણાચલે આ મૅચ કદાચ જતી કરવી પડશે.

પીટીઆઇના અહેવાલમાં જણાવાયું છે કે અરુણાચલ પ્રદેશ ક્રિકેટ અસોસિયેશનમાં જૂથો વચ્ચે ઘર્ષણ ચાલે છે અને ગુવાહાટી હાઈ કોર્ટની ઇટાનગર બેન્ચમાં કેસ પેન્ડિંગ છે. વિનુ માંકડ ટ્રોફી માટે અરુણાચલ પ્રદેશ પોતાની અન્ડર-19 ટીમ નહોતી મોકલી શકી અને રાજ્યના પ્રોફેશનલ ખેલાડીઓ પણ એ વિશે નક્કી નથી કે અમદાવાદમાં નાગાલૅન્ડ સામેની તેમની રણજી મૅચ રમાશે કે નહીં.

સપ્ટેમ્બરમાં અરુણાચલ પ્રદેશ ક્રિકેટ અસોસિયેશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં નબમ વિવેક પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. જોકે ઘણા જિલ્લાઓના અસોસિયેશનોએ ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ હાઈ કોર્ટમાં કર્યો હતો.

દરમ્યાન, 11મી ઑક્ટોબરે વાનખેડેમાં મુંબઈ અને ચંડીગઢ વચ્ચેની રણજી મૅચ શરૂ થશે. ચર્ચગેટના જ બે્રબર્ન સ્ટેડિયમમાં રેલવે-ઉત્તરાખંડની અને રાજકોટમાં સૌરાષ્ટ્ર-છત્તીસગઢની મૅચ શરૂ થશે.