Thu Oct 08 2026

Logo

યશસ્વી જયસ્વાલ બૅટિંગ અને સ્પિન બોલિંગ પછી હવે આ ત્રીજી આવડતની ખૂબ પ્રૅક્ટિસ કરી રહ્યો છે

2026-10-08 18:20:54
Author: Ajay Motiwala
યશસ્વી જયસ્વાલ બૅટિંગ અને સ્પિન બોલિંગ પછી હવે આ ત્રીજી આવડતની ખૂબ પ્રૅક્ટિસ કરી રહ્યો છે

મુંબઈઃ યશસ્વી જયસ્વાલ ઓપનિંગ બૅટ્સમૅન તરીકે ઘણી મોટી અને મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમી ચૂક્યો છે અને ક્યારેક તેના લેગ-સ્પિન પણ ટીમને ઉપયોગી બન્યા છે, પણ હવે તે વિકેટકીપિંગનું કૌશલ્ય પણ વિકસાવી રહ્યો છે કે જેથી રણજી ટ્રોફીમાં મુંબઈની ટીમને જરૂર પડે ત્યારે તે વિકેટકીપર તરીકે પણ કામ લાગી શકે. તે ભવિષ્યમાં ભારત વતી પણ વિકેટકીપિંગ કરવા માગે છે એવું જાણવા મળ્યું છે.

રવિવારે રણજી ટ્રોફીની નવી સીઝન શરૂ થઈ રહી છે અને એ પહેલાંના પ્રૅક્ટિસ-સેશનમાં યશસ્વી વિકેટકીપિંગ (Wicketkeeping) કરતો જોવા મળ્યો હોવાનું પીટીઆઇના ગુરુવારના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. યશસ્વીએ પ્રૅક્ટિસ સેશનની એક પ્રૅક્ટિસ મૅચમાં 10 ઓવર સુધી વિકેટકીપિંગ કર્યું હતું.

રવિવારે વાનખેડેમાં મુંબઈની પ્રથમ રણજી મૅચ શરૂ થશે. ચંડીગઢ સામેની આ મૅચમાં યશસ્વી (Yashasvi) રમવા માટે ઉપલબ્ધ છે. જોકે બીજી મૅચથી તે ઉપલબ્ધ નહીં રહે, કારણકે તે ન્યૂ ઝીલૅન્ડના પ્રવાસે જવાનો છે.

સિદ્ધેશ લાડ મુંબઈની રણજી ટીમનો નવો કૅપ્ટન છે. તેણે પીટીઆઇને કહ્યું, `યશસ્વી વિકેટકીપિંગની ઘણી પ્રૅક્ટિસ કરવા લાગ્યો છે. આ વિશે મેં તેના જ મોઢે સાંભળ્યું છે. તે મુંબઈની ટીમ વતી અને ભવિષ્યમાં ભારત વતી વિકેટકીપિંગ કરવા ઉત્સુક છે. તે પોતાના કૌશલ્યમાં બૅટિંગ અને સ્પિન બોલિંગ ઉપરાંત વિકેટકીપિંગના કૌશલ્યનો ઉમેરો કરવા માગે છે. તેનો શું આશય છે એ તો મને ખબર નથી, પણ હાલમાં તે વિકેટકીપિંગની ઘણી પ્રૅક્ટિસ કરી રહ્યો છે.'