Thu Oct 08 2026

Logo

જસ્સીથી લઈને પોલીસ ઓફિસર સુધી: એક સાદી છોકરી કેવી રીતે બની બોલિવૂડની દમદાર અભિનેત્રી?

2026-10-08 17:36:19
Author: Mumbai Samachar Team
જસ્સીથી લઈને પોલીસ ઓફિસર સુધી: એક સાદી છોકરી કેવી રીતે બની બોલિવૂડની દમદાર અભિનેત્રી?

મુંબઈ: જસ્સીના પાત્રથી લોકોના દિલોમાં સ્થાન બનાવનારી મોના સિંહે અત્યાર સુધીમાં અનેક અલગ પ્રકારના પાત્રો ભજવ્યા છે. માતાથી લઈને ડોક્ટર, પોલીસ અને પોલીસ અધિકારી જેવા દરેક પાત્રોમાં તેણે પોતાનો એક અલગ અંદાજ બતાવ્યો છે. 
 
અભિનેત્રી મોના સિંહે પોતાની લાંબી કારકિર્દીમાં અનેક અલગ-અલગ પ્રકારના પાત્રો ભજવીને પોતાની આગવી ઓળખ બનાવી છે. ‘જસ્સી જેસી કોઈ નહીં’ની જસ્સી બનીને ઘર-ઘરમાં લોકપ્રિય થયેલી મોના હવે ‘કોહરા 2’, ‘મુંજ્યા’, ‘કાલા પાની’ અને ‘બોર્ડર 2’ જેવી ફિલ્મો-સિરીઝમાં પણ પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી રહી છે. 

મોનાને સૌથી પહેલી મોટી ઓળખ ટીવી શો ‘જસ્સી જેસી કોઈ નહીં’ થી મળી હતી. ચશ્મા, બ્રેસિસ, સામાન્ય કપડાં અને સાદા લુકવાળી જસ્સીના પાત્રે દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. આ પાત્ર આજે પણ મોના સિંહના સૌથી યાદગાર રોલમાં સામેલ છે. 

ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં મોનાએ લાલ સિંહની માતા ગુરપ્રીત કૌર ચઢ્ઢાનું પાત્ર ભજવ્યું હતું. આ રોલમાં તેમનો પ્રેમ, લાગણી અને માતૃત્વથી ભરેલો અંદાજ જોવા મળ્યો હતો. જ્યારે હોરર-કોમેડી ફિલ્મ ‘મુંજ્યા’ માં તેણે પમ્મી નામની મજેદાર અને એક્સ્ટ્રોવર્ટ માતાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેની કોમિક ટાઈમિંગે દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.

વેબ સિરીઝ ‘મેડ ઈન હેવન 2’માં મોના સિંહ બુલબુલ જોહરીના પાત્રમાં જોવા મળી હતી. ખુશમિજાજ, જીવંત, મજબૂત અને એનર્જેટિક બુલબુલના પાત્રમાં તેણે વાર્તાને ભાવનાત્મક સ્પર્શ આપ્યો હતો. આ સિવાય ‘કાલા પાની’માં તેણે ચીફ મેડિકલ ઓફિસર ડૉ. સૌદામિની સિંહની ભૂમિકા ભજવી હતી, જેમાં તેનો ગંભીર, મજબૂત અને પોતાના નિર્ણય પર અડગ રહેતો અંદાજ જોવા મળ્યો હતો. 

મોના સિંહના તાજેતરના ચર્ચિત પાત્રોમાં ‘કોહરા 2’ની પોલીસ ઓફિસર ધનવંત કૌર ખાસ છે. શાંત પરંતુ મજબૂત અને પોતાના કામ પ્રત્યે ગંભીર પોલીસ અધિકારીના પાત્રમાં મોનાએ દમદાર અભિનય કર્યો છે. આ ભૂમિકાએ તેમની એક્ટિંગના નવા રંગને દર્શકો સામે રજૂ કર્યો છે. 

‘બોર્ડર 2’માં મોનાએ ફતેહ સિંહ કલેરની પત્ની સિમીનું પાત્ર ભજવ્યું હતું. આ ભૂમિકામાં તેણે એવા પરિવારની મહિલાની લાગણીઓ રજૂ કરી હતી, જે પોતાના પતિ અને પરિવાર માટે ચિંતા અને ડર વચ્ચે જીવે છે. બીજી તરફ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’માં તે નીતા સિંહના પાત્રમાં જોવા મળી હતી, જ્યાં તેના પાત્ર સાથે જોડાયેલું એક મોટું સત્ય વાર્તામાં મહત્વપૂર્ણ વળાંક લાવે છે. 

આ ઉપરાંત ‘હેપ્પી પટેલ: ખતરનાક જાસૂસ’માં મોના સિંહે મામાની ભૂમિકા ભજવી હતી, જ્યારે ‘પ્રીતમ એન્ડ પેડ્રો’માં તે સ્ટેસી ગોન્સાલ્વેસ એટલે કે સ્ટેસી પેડ્રોના રોલમાં જોવા મળી હતી. ટીવીની જસ્સીથી લઈને પોલીસ ઓફિસર, ડૉક્ટર, માતા અને અનેક પડકારજનક પાત્રો સુધી મોનાએ પોતાની અભિનય પ્રતિભાના અનેક રંગો બતાવ્યા છે.