નવી દિલ્હી: દેશમાં સીઇસી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિપક્ષ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે દેશની બંધારણીય સંસ્થા અને શાખ પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. આ દરમિયાન દેશના 42 પૂર્વ જજો અને નિવૃત બંધારણીય અધિકારીઓએ નાગરિકોને એક ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં કહ્યું છે કે લોકોને ટીકા કરવાનો અધિકાર છે પરંતુ બદનામ કરવાનો કોઇ અધિકાર નથી.
સત્ય કહેવું અનિવાર્ય બની જાય
આ જજોએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ રાજકીય પક્ષનો પક્ષ લેતા નથી તેમ છતાં વર્તમાન માહોલમાં જાળવવામાં આવેલી મૌન સ્થિતિને નિષ્પક્ષતા ગણી શકાય નહીં. તેઓ માને છે કે જ્યારે દેશની પાયાની સંસ્થાઓ સતત હુમલા હેઠળ હોય ત્યારે આગળ આવીને સત્ય કહેવું અનિવાર્ય બની જાય છે.
બદનામ કરવા તે લોકશાહી સિદ્ધાંતોની વિરુદ્ધ
આ ખુલ્લા પત્રમાં 42 ભૂતપૂર્વ ન્યાયાધીશોએ ચૂંટણી પંચ, ન્યાયતંત્ર અને અન્ય બંધારણીય સંસ્થાઓ પર થઈ રહેલા સુનિયોજિત હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે સંસ્થાઓની રચનાત્મક ટીકા કરવી એ લોકશાહી અધિકાર હોવા છતાં, દ્વેષપૂર્ણ ભાવનાથી તેમને બદનામ કરવા તે લોકશાહી સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
વોટ ચોરીના મનઘડત આક્ષેપો
બંધારણીય સંસ્થાઓને જાહેરમાં 'ચોર', 'કઠપૂતળી' કે 'સમાધાનકારી' સંસ્થાઓ તરીકે ઓળખાવવી નિંદનીયછે. તેમજ કોઈપણ કાનૂની પુરાવા વિના પત્રકાર પરિષદોમાં વોટ ચોરીના મનઘડત આક્ષેપો કરવામાં આવે છે અને છતાં અદાલતમાં કોઈ પુરાવા રજૂ કરવામાં આવતા નથી.
ચૂંટણી પંચને બંધારણની કલમ 324 હેઠળ તેની સત્તા પ્રાપ્ત
આ પત્રમાં પૂર્વ જજોએ જણાવ્યું હતું કે, ભારતનું ચૂંટણી પંચને બંધારણની કલમ 324 હેઠળ તેની સત્તા પ્રાપ્ત થાય છે. બંધારણના ઘડવૈયાઓએ કારોબારીની પહોંચથી દૂર રાખીને, મતદાર યાદીની જવાબદારી જાણીજોઈને એક સ્વતંત્ર પંચને સોંપી હતી. 'લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950'ની કલમ 21(3) હેઠળ SIR પ્રક્રિયા એ એક પ્રમાણભૂત કાનૂની પ્રક્રિયા છે.જે પ્રથમ સામાન્ય ચૂંટણીથી જ નિયમિતપણે હાથ ધરવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટે આ પ્રક્રિયાને સંપૂર્ણપણે કાયદેસર ગણાવી
SIR પ્રક્રિયાનો આદેશ ઉદેશ મૃત વ્યક્તિઓના નામ દૂર કરવા,ડુપ્લિકેટ એન્ટ્રી દૂર કરવી અને અગાઉ રહી ગયેલા પાત્ર નાગરિકોનો સમાવેશ કરવાનો છે. સુપ્રીમ કોર્ટે પણ આ પ્રક્રિયાને સંપૂર્ણપણે કાયદેસર અને ન્યાયી ઠેરવી છે. તેમ છતાં મૂંઝવણ ફેલાવવા માટે હકીકતોની અવગણના કરવામાં આવી રહી છે.