લાતુર: શાળામાં ભણતી બાળકીને કૅબિનમાં બોલાવીને તેની સાથે કથિત શરમજનક કૃત્ય કરવાના આરોપ બાદ ફરાર થઈ ગયેલા લાતુરની ખાનગી શાળાના સ્થાપક અને પ્રિન્સિપાલની આખરે ધરપકડ કરવામાં આવી હતી.
લાતુરની ખાનગી ઈંગ્લિશ શાળાના પ્રિન્સિપાલ બશીર શેખ (54) વિરુદ્ધ રવિવારની રાતે એમઆઈડીસી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાયો ત્યારથી પોલીસ તેની શોધ ચલાવી રહી હતી.
ફરાર આરોપીની શોધ માટે પોલીસની અલગ અલગ ટીમ ઉદગીર, ઓમરગા, પુણે, પનવેલ અને પાલઘર સહિત અનેક સ્થળે મોકલવામાં આવી હતી. આખરે બુધવારની રાતે આરોપીને કસ્ટડીમાં લેવાયો હતો.
કેસની તપાસ લાતુરના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ અમોલ તાંબેના નિરીક્ષણ હેઠળ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ઘટના બાદ સોમવારે લાતુરમાં દેખાવ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. આરોપીને ફાંસીએ ચડાવી દેવાની માગણી તે સમયે પ્રદર્શનકારીઓએ કરી હતી. (પીટીઆઈ)
Chat GPT Generated Image