Thu Oct 08 2026

Logo

નાના પાટેકરનું વતન: જ્યાં બાળપણ વીત્યું તે મુરુડ ગામના લોકોએ ખોલ્યા દિલના રાજ!

2026-10-08 22:10:10
Author: Mumbai Samachar Team
નાના પાટેકરનું વતન: જ્યાં બાળપણ વીત્યું તે મુરુડ ગામના લોકોએ ખોલ્યા દિલના રાજ!

રાયગઢઃ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના દરિયાકાંઠાનું ગામ મુરુડ જ્યાં નાના પાટેકરે તેમનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું, ત્યાંના મિત્રો અને સંબંધીઓએ અભિનેતાને એક ઉદાર હૃદયના વ્યક્તિ તરીકે યાદ કર્યા હતા. તેઓ હંમેશાં પોતાની મૂળભૂત ઓળખ સાથે જોડાયેલા રહ્યા અને જ્યાં તેઓ મોટા થયા હતા તે સ્થળને ક્યારેય ભૂલ્યા નહીં.

પાટેકરે ધોરણ ૧ થી ૪ સુધી મુરુડ નગર પરિષદ પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો અને બાદમાં ૧૨૦-૧૩૦ કિલોમીટર દૂર મુંબઈ ગયા હતા. પુરસ્કાર વિજેતા અભિનેતાનું ગુરુવારે ગોવા સ્થિત તેમના નિવાસસ્થાને ૭૫ વર્ષની વયે અવસાન થયું હતું.

શાળામાં પાટેકર કરતાં બે વર્ષ સિનિયર એવા એક ગ્રામવાસીએ જણાવ્યું હતું કે, અભિનયના દિગ્ગજ કલાકારના મિલનસાર સ્વભાવને કારણે તેમની મિત્રતા હંમેશાં જળવાઈ રહી. તેમણે ગયા વર્ષે ગણપતિ ઉત્સવ નિમિત્તે પુણેમાં આવેલા પાટેકરના ફાર્મહાઉસની મુલાકાત લીધી હતી તે વાત પણ યાદ કરી હતી. 

તેમને યાદ કર્યું કે જ્યારે પાટેકર અભિનેત્રી દીપ્તિ નવલ સાથે મુરુડ આવ્યા હતા, ત્યારે તેઓ પદ્મદુર્ગ કિલ્લો (એક દરિયાઈ કિલ્લો) જોવા ઈચ્છતા હતા. "મેં એક નાની હોડી કાઢી અને અમે કિલ્લા પર ગયા. બંનેએ (પાટેકર અને નવલે) કિલ્લાની મુલાકાત લીધી," મિત્રએ યાદ કરતાં કહ્યું.

ચંદ્રકાંત સખારકરે કહ્યું કે તેમનો પૌત્ર બાલા સખારકર પાટેકરનો સ્કૂલ ફ્રેન્ડ હતો. "દરરોજ સાંજે તેઓ નાની માછીમારીની હોડીઓને કિનારે લાંગરતી જોતા. હું તે બંનેને હોડીમાંથી પાણી કાઢવાનું કહેતો. એકવાર તેણે માછીમારી કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી. અમે એક 'ઇન્ડિયન સૅલ્મન' માછલી પકડી અને નાના તેને પોતાના ખભા પર ઊંચકીને ઘરે લઈ ગયા," એમ ચંદ્રકાંતે કહ્યું.

પાટેકરના પિતરાઈ ભાઈ શ્રીકાંત સર્વેએ જણાવ્યું હતું કે અભિનેતા પરિવારના દરેક સભ્યના ખબર-અંતર પૂછતા અને પોતાના ભાઈઓની સંભાળ રાખતા હતા. સર્વેના માતા પાટેકરના પિતાના મોટા બહેન હતા.

મુરુડમાં હોટલ ચલાવતા વિજય પાટીલે કહ્યું કે પાટેકર હંમેશાં એ વાતનો ઉલ્લેખ કરતા કે તેમનું મૂળ વતન મુરુડ છે.એનસીપીના દિવંગત નેતા અજીત પવાર સાથે રોહામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન, અભિનેતા પાટેકરે કહ્યું હતું કે તેઓ માત્ર તેમની (વિજય પાટિલની) હોટલમાં જ રાત્રિભોજન કરશે. પાટિલે પાટેકરને અત્યંત સ્પષ્ટવક્તા વ્યક્તિ ગણાવતા કહ્યું કે અભિનેતા મરુડમાં હજુ પણ એક મિલકત ધરાવે છે.