Thu Oct 08 2026

Logo

દિલ્હીમાં સીજેપીના વિરોધ પ્રદર્શનના પગલે સઘન સુરક્ષા વ્યવસ્થા, 20000 સુરક્ષા જવાનો તૈનાત

2026-10-08 22:45:11
Author: Chandrakant Kanoja
દિલ્હીમાં સીજેપીના વિરોધ પ્રદર્શનના પગલે સઘન સુરક્ષા વ્યવસ્થા, 20000 સુરક્ષા જવાનો તૈનાત

નવી દિલ્હી: નવી દિલ્હીમાં 10 ઓકટોબરના રોજ સીઇસીના મુદ્દે યોજનારા કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનના પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને જાળવવા માટે 20,000 થી વધુ પોલીસ અને  અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

લોકોને વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવાથી દૂર રહેવાની અપીલ કરી

દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જંતર-મંતર પર કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શન માટે મંજૂરી આપવામાં આવી નથી. પોલીસે જનતા અને વિરોધ પ્રદર્શન કરનારાઓને કોઈપણ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવાથી દૂર રહેવાની અપીલ કરી છે. તેમજ શહેરમાં શાંતિ જાળવવા અને વાહનવ્યવહાર સુચારુ રીતે ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે કડક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશો (કલમ 163 ) પહેલેથી જ અમલમાં છે અને પોલીસે સૌને કાયદાનું પાલન કરવાની અપીલ કરી છે.

સુરક્ષાકર્મીઓ પર હુમલો કરવો કે હિંસા આચરવી એ ગંભીર ગુનો

પોલીસે ચેતવણી આપી છે કે ફરજ પરના સુરક્ષાકર્મીઓ પર હુમલો કરવો કે હિંસા આચરવી એ ગંભીર ગુનો છે અને આવું કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ સુરક્ષા દળોને સૂચના આપવામાં આવી છે કે મહિલા પ્રદર્શનકારીઓ સાથે વ્યવહાર કરતી વખતે અત્યંત સાવચેતી રાખે અને બિનજરૂરી ઘર્ષણ ટાળે. સુરક્ષા દળની કાર્યપદ્ધતિમાં એકસૂત્રતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે નિયમિત દૈનિક બ્રીફિંગ પણ યોજવામાં આવી રહ્યા છે.

 અફવાઓથી દૂર રહેવા ચેતવણી આપી

આ ઉપરાંત પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા ચેતવણી આપી છે. લોકોને માત્ર દિલ્હી પોલીસના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને પ્રમાણિત માધ્યમો પર જ આધાર રાખવાની અપીલ કરવામાં આવી છે.