નવી દિલ્હીઃ નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા અનેકવાર ચર્ચાનો મુદ્દો બને છે. ખાસ કરીને જ્યારે ટોલટેક્સમાં વધારો થાય છે એ સમયે ખરેખર વસ્તુઓને પણ પરોક્ષ રીતે અસર થતી હોય છે. પરિવહન તો મોંઘુ બને છે પણ સાથે-સાથે કેટલીક કોમોડિટીને પણ અસર થાય છે. વાવડ એવા મળ્યા છે કે, ટોલ પ્લાઝાના 20 કિમીના દાયરામાં રહેતા લોકોને વાર્ષિક પાસ મળી શકે છે. નોન કમર્શિયલ વાહનો માટે આ ખરેખર રાહતના સમાચાર છે. ફાસ્ટેગ મારફતે મોટી રાહત વારંવાર ટોલ ભરવામાંથી થવાની છે.
નવો નિયમ લાગુ પડશે
દેશના માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે નવો નિયમ બનાવ્યો છે, જેનાથી નોન કર્મશિયલ વાહનોને ફાયદો થશે. વાર્ષિક પાસ ઈસ્યૂ કરાતા દૈનિક ધોરણે ચૂકવવા પડતા ટેક્સમાંથી મોટી રાહત મળી રહેશે. આ માટે ખાસ પ્રકારની ગાઈડલાઈન્સ પણ નક્કી કરવામાં આવી છે. ટોલ પ્લાઝાથી 20 કિમીના દાયરામાં રહેતા પરિવારો પાસે નોન કમર્શિયલ વાહન હશે તો તેનો ફાયદો મળવાનો છે. સામાન્ય દર પર માસિક અથવા વાર્ષિક પાસ મળી રહેશે. આ માટે ટોલનાકા પર ખાસ સુવિધા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત, જે તે વિસ્તારના ટોલનાકા ઉપર પણ નોટિફિકેશન આપવામાં આવ્યું છે. સરકારે સ્પષ્ટતા કરી કે, આ નિર્ણય પાછળનો હેતુ સ્થાનિક લોકોને પડનારા આર્થિક ભારણને ઓછો કરવાનો છે. ટોલ પ્લાઝા પર લાગતી લાંબી લાઈનને ખતમ કરવાનો છે. આ ઉપરાંત ફાસ્ટેગ દ્વારા લોકલ પાસની પ્રક્રિયા સંપૂર્ણ રીતે ડિજિટલ અને પારદર્શી બનાવવાનો છે. સ્થાનિકોને દર વખતે ત્યાંથી પસાર થવા પર ટોલ ટેક્સ આપવો પડે છે એ આ પાસના આવી જવાથી આપવો નહીં પડે. આનાથી ખર્ચો પણ થોડો ઓછો થશે.
કેટલી ફી ચૂકવવી પડશે?
20 કિમીના દાયરામાં રહેતા પરિવારો તથા ખેડૂતો માટે આશરે ₹3000 વાર્ષિક રકમ નક્કી કરવામાં આવી છે. ફાસ્ટેગ દ્વારા જ આ લાભ મળવાનો છે. સૌથી મોટી વાત એ છે કે, વાર્ષિક એકવાર ફાસ્ટેગ લીધા બાદ અનલિમિટેડ વખત ટોલનાકાને સરળતાથી ક્રોસ કરી શકાશે. હાલમાં જે પાસ છે તે ₹3075નો છે. આનાથી સામાન્ય લોકો વર્ષમાં માત્ર 200 ટ્રિપ જ ક્રોસ કરી શકે છે. આનો અર્થ એ છે કે સ્થાનિક રહેવાસીઓ હવે ₹3,000ની નિશ્ચિત ફી ચૂકવીને નિર્ધારિત ટોલ પ્લાઝા પરથી અનેક વખત અવરજવર કરી શકે છે. વર્તમાન વ્યવસ્થા હેઠળ, આવા લોકો સામાન્ય રીતે માસિક પાસ પર નિર્ભર રહે છે. જોકે, આ નવી વાર્ષિક સુવિધા વારંવાર પાસ રિન્યૂ કરાવવાની ઝંઝટને દૂર કરી શકે છે. સ્થાનિક વાહનચાલકોને તેનો શું લાભ થશે એ વિશે પણ સરકારે ચોખવટ કરી છે.
પહેલનો મુખ્ય હેતુ આ છે
સરકારની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ પ્લાઝાની નજીક રહેતા રહેવાસીઓ પર વારંવાર ટોલ ચૂકવવાના આર્થિક બોજને ઘટાડવાનો છે. FASTag દ્વારા પાસથી સમગ્ર પ્રક્રિયાનું ડિજિટાઈઝેશન અને સરળીકરણ થાય છે, જેનાથી સ્થાનિક વાહનચાલકોને દૈનિક અથવા વારંવાર ટોલ ચૂકવવાના ખર્ચમાંથી રાહત મળે છે. આ ઉપરાંત, જે વ્યક્તિઓએ નોકરી, વ્યવસાય કે અન્ય આવશ્યક કામકાજ માટે દરરોજ તે જ ટોલ પ્લાઝા પરથી અવરજવર કરવી પડે છે, તેમના માટે આ સુવિધા લાભદાયી સાબિત થઈ શકે છે.