દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ તેમની બ્લોકબસ્ટર ફિલ્મો, ડાયલોગ્સ અને સામાજિક કાર્યોની સાથે તેમની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સાઓ પણ ફરી લાઈમલાઈટમાં આવી રહ્યા છે. નાના પાટેકર પોતાના રોફદાર અંદાજ, કડક મિજાજ અને ગંભીર વ્યક્તિત્વ માટે જાણીતા હતા, પરંતુ બોલીવૂડની ‘ધક ધક ગર્લ’ એટલે કે માધુરી દીક્ષિત પ્રત્યેના એક તરફી પ્રેમ વિશે તેમણે એક ટોક શોમાં ખુલાસો કરતાં એક સુંદર કવિતા કરી હતી જે સોશિયલ મીડિયા પર હાલમાં વાઈરલ થઈ રહી છે.
એક સમય એવો હતો જ્યારે સિનેમા જગતમાં નાના પાટેકર અને માધુરી દીક્ષિતના સંબંધો તથા અફવાઓની જોરદાર ચર્ચા ચાલી હતી. નાનાના નિધન બાદ હવે બંને સાથે જોડાયેલો આ દિલચસ્પ કિસ્સો ફરી ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા નાનાના નિધનના સમાચાર વાયુવેગે ફેલાતા ફરી એક વખત નાનાના એક જૂના ઈન્ટરવ્યુની ક્લિપ વાઈરલ થઈ રહી છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં નાના કહે છે કે માધુરી દીક્ષિત માટે મને એક તરફી પ્રેમ હતો, સ્વાભાવિક છે કે એને મારા માટે આવી કોઈ જ લાગણી નહોતી. આટલું કહીને નાના એક કવિતાનું પઠન ઈન્ટરવ્યુમાં કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર નાના પાટેકરનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
1991માં નાના પાટેકરે ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરતાં ફિલ્મ 'પ્રહાર: ધ ફાઈનલ એટેક' બનાવી હતી. આ ફિલ્મમાં તેમણે માધુરી દીક્ષિતને મહત્વના રોલમાં કાસ્ટ કરી હતી. શૂટિંગ દરમિયાન માધુરીના ડેડિકેશન, સરળ સ્વભાવ અને ટેલેન્ટથી નાના ખૂબ પ્રભાવિત થયા હતા. 1998માં આવેલી ફિલ્મ 'વજૂદ'માં બંનેએ ફરી સાથે સ્ક્રીન શેર કરી હતી અને આ ફિલ્મમાં નાના પાટેકરે એક એવા યુવકનો રોલ કર્યો હતો જે માધુરીના પાત્રના એકતરફી પ્રેમમાં પાગલ થઈ જાય છે. એ દિવસોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા જોર પકડવા લાગી હતી કે નાના પાટેકર રિયલ લાઈફમાં પણ માધુરીના વ્યક્તિત્વથી ખૂબ મોહિત હતા.
નાના પાટેકરે આપેલા અનેક અલગ અલગ ઈન્ટરવ્યુમાં માધુરી દીક્ષિતના અભિનય અને નૃત્યની દિલ ખોલીને પ્રશંસા કરી હતી. તેમનું માનવું હતું કે માધુરી માત્ર સુંદર અભિનેત્રી નથી, પરંતુ એવી કલાકાર છે જે આંખોથી જ કોઈપણ સીન જીવંત કરી શકે છે. જોકે, આ બધા વચ્ચે પણ નાના પાટેકરે હંમેશાં પોતાની પર્સનલ લાઈફને ખૂબ જ પ્રાઈવેટ રાખી હતી. ભલે તે સમયે બંનેના સંબંધોને લઈને ઘણી ગોસિપ થઈ હોય, પરંતુ બંને કલાકારોએ ક્યારેય કોઈ વિવાદ ઊભો થવા દીધો નહોતો અને હંમેશાં પરસ્પર સન્માન જાળવી રાખ્યું હતું.