Fri Oct 09 2026

Logo

ઇરાન સાથે તેલ વ્યાપારમાં એવું શું થયું? મુંબઇની 2 કંપનીઓ અને 5 ભારતીયો પર લગાવ્યો પ્રતિબંધ

2026-10-09 09:40:00
Author: Mumbai Samachar Team
ઇરાન સાથે તેલ વ્યાપારમાં એવું શું થયું? મુંબઇની 2 કંપનીઓ અને 5 ભારતીયો પર લગાવ્યો પ્રતિબંધ

ઇરાનના તેલ કારોબારને લઇને અમેરિકાએ મુંબઇની બે કંપનીઓ અને તેની સાથે જોડાયેલા પાંચ ભારતીય નાગરિકો પર પ્રતિબંધ લગાવ્યા છે. અમેરિકી વિદેશ વિભાગના જણાવ્યા પ્રમાણે આ કાર્યવાહી ઇરાનથી પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાતમાં મદદ કરવાના આરોપો હેઠળ કરવામાં આવી છે. જેમની પર પ્રતિબંધ લાગ્યા છે તેમાં એસએસપીએલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ અને દરિયાઇ મરીન સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડ સામેલ છે. 

આ કંપનીઓ સાથે જોડાયેલી ધ્વનિ વોરા, નિર્સગ વોરા, કેતન કોચિકર, ભૂપેન્દ્ર સિંહ સાહૂ અને હરિશ્યામ પર પણ કાર્યવાહી કરવામા આવી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યુ છે જ્યારે ઇરાન સાથે તેલ કારોબારથી થતી આવકને સીમિત કરવા અને તેની પર આર્થિક દબાણ વધારવા માટે પ્રતિબંધોનો ઉપયોગ થઇ રહ્યો છે. જો કે પ્રતિબંધ લગાવવાનો અર્થ એ નથી કે સંબંધિત વ્યક્તિઓને કોઇ અદાલતમાં ગુનેગાર ગણાવી દીધા છે. આ અમેરિકી સરકાર તરફથી કરવામાં આવેલી પ્રતિબંધાત્મક કાર્યવાહી છે. જેનો પ્રભાવ અમેરિકી અધિકાર ક્ષેત્ર અને સંબંધિત નિયમો હેઠળ નક્કી થાય છે.

કઇ કંપનીઓ અને ભારતીય નાગરિકો પર થઇ કાર્યવાહી?

અમેરિકી વિદેશ વિભાગ ઇરાનથી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાતમાં મદદ કરવા માટે એસએસપીએલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ અને દરિયાઇ મરીન સર્વિસિઝ  પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ આ કાર્યવાહી કરી. SSPL સોલ્યુશન્સ સાથે જોડાયેલા ધ્વનિ અને નિસર્ગ વોરા તથા દરિયાઇ મરીન સર્વિસિઝ સાથે સંકળાયેલા  કેતન કોચિકર, ભૂપેન્દ્ર સાહૂ અને હરિશ્યામ હરિહરન ચુંડાકટ્ટિલને પણ પોત-પોતાની કંપનીઓ સાથે સંબંધિત લેવડ-દેવડ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

કયા આરોપમાં પ્રતિબંધ લગાવ્યો?

અમેરિકી પ્રશાસનનો આરોપ છે કે આ કંપનીઓએ ઇરાનથી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના કારોબારને સુવિધાજનક બનાવવામાં ભુમિકા બનાવી. અમેરિકા લાંબા સમયથી ઇરાનના તેલ અને પેટ્રોકેમિકલ કારોબાર પર પ્રતિબંધ લગાવીને આવકના સોર્સને સીમિત કરવાની કોશિશ કરતું રહ્યું છે.

ઇરાનના તેલ કારોબારને અમેરિકી પ્રતિબંધોનો ઉદ્દેશ એવી લેવડદેવડ અને નેટવર્કનો રોકવાનો છે, જેનાથી અમેરિકી સરકારના અનુસાર ઇરાનને પ્રતિબંધિત ગતિવિધિઓ માટે નાણાકીય સંસાધન મળી શકે છે. જોકે આ બન્ને ભારતીય કંપનીઓ કથિત લેવડદેવડની પૂરી જાણકારી અને પ્રત્યેક વ્યક્તિની વિશિષ્ટ ભૂમિકાને લઇને ઉપલબ્ધ જાણકારી સીમિત છે.