મુંબઈ: બોલિવૂડ અભિનેતા અજય દેવગનની બહુચર્ચિત ફિલ્મ ‘દ્રશ્યમ 3: ધ કન્ક્લૂઝન’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. 2 ઓક્ટોબર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ક્રાઈમ થ્રિલર ફિલ્મે માત્ર સાત દિવસમાં વિશ્વભરમાં અંદાજે 383.60 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સપ્તાહના દિવસોમાં ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં, તેની સફળતાની ગતિ યથાવત્ છે. ફિલ્મે આ દરમિયાન મલયાલમ અભિનેતા મોહનલાલની ‘દ્રશ્યમ 3’ના લાઇફટાઇમ વર્લ્ડવાઈડ કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે.
'દ્રશ્યમ 3'એ ફર્સ્ટ વીકમાં કેટલા કરોડની કમાણી કરી?
ફિલ્મના સાતમા દિવસે ‘દ્રશ્યમ 3’એ ભારતીય બોક્સ ઓફિસ પર અંદાજે 13 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી. છઠા દિવસે ફિલ્મે 15.50 કરોડની કમાણી કરી હતી. આમ, અઠવાડિયાના દિવસોમાં કલેક્શનમાં ઘટાડો નોંધાયો હોવા છતાં ફિલ્મે પ્રથમ સપ્તાહમાં જ મજબૂત પકડ જાળવી રાખી છે. ફિલ્મના પ્રથમ સપ્તાહના કલેક્શન પર નજર કરીએ તો શરૂઆતના દિવસે, 2 ઓક્ટોબરે, તેણે 62 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી. ત્યારબાદ પ્રથમ શનિવારે 53.50 કરોડ અને રવિવારે 61 કરોડ રૂપિયાનું કલેક્શન નોંધાયું હતું. સોમવારે કમાણી ઘટીને 21 કરોડ રૂપિયા રહી હતી, જ્યારે મંગળવારે 19.50 કરોડ રૂપિયા અને બુધવારે 15.50 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. ગુરુવારના 13 કરોડ રૂપિયાના કલેક્શન સાથે ફિલ્મની સાત દિવસની કુલ ભારતીય નેટ કમાણી 245.50 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
વર્લ્ડ વાઈડ કલેક્શનમાં કેટલા કરોડની કમાણી થઈ?
ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું ગ્રોસ કલેક્શન અંદાજે 294.60 કરોડ રૂપિયા નોંધાયું છે, જ્યારે વિદેશી બજારોમાંથી તેને કુલ 89 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. સાતમા દિવસે વિદેશી બજારોમાંથી અંદાજે 4 કરોડ રૂપિયા મળ્યા હતા. આ સાથે ફિલ્મની વિશ્વભરની કુલ ગ્રોસ કમાણી 383.60 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
અજય દેવગનની આ ફિલ્મે માત્ર પોતાની કમાણીથી જ નહીં, પરંતુ મોહનલાલની મલયાલમ ફિલ્મ ‘દ્રશ્યમ 3’ના રેકોર્ડને પાછળ છોડીને પણ ચર્ચા જગાવી છે. અહેવાલો અનુસાર, તેની સામે અજય દેવગનની ‘દ્રશ્યમ 3: ધ કન્ક્લૂઝન’એ માત્ર સાત દિવસમાં જ આ આંકડો પાર કરી લીધો છે. બંને ફિલ્મો એક જ ફ્રેન્ચાઇઝીનો ભાગ હોવા છતાં, હિન્દી ફિલ્મની વાર્તા અને ક્લાઇમેક્સ મલયાલમ ફિલ્મથી અલગ રાખવામાં આવ્યાં છે.
આ ફિલ્મે અજય દેવગનની કારકિર્દીની સૌથી મોટી ઓપનિંગ નોંધાવનારી ફિલ્મ તરીકે પણ સ્થાન મેળવ્યું છે. આગામી દિવસોમાં કમાણીની ગતિ કેટલી રહે છે અને ફિલ્મ અજય દેવગનની અગાઉની મોટી હિટ ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ના ભારતીય નેટ કલેક્શનના આંકડાને પાર કરી શકે છે કે નહીં, તે જોવું રસપ્રદ રહેશે.