સિદ્ધાર્થ છાયા
આવી છે ‘રામાયણ’નું મહાભારત!
બોલિવૂડની માયાનગરીમાં ક્યારે કોનું નસીબ પલટાઈ જાય તે કહેવું અઘરું છે, પણ પિક્ચર ફ્લોપ જાય ત્યારે તેની બહાના શોધવાની કળા તો ખરેખર અદ્ભુત છે! તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’ સિનેમાઘરોમાં સાવ ઊંધા માથે પછડાઈ ગઈ. હવે આ ફિલ્મના નિર્માતા પ્રકાશ મહોબિયા જાહેરમાં મેદાનમાં આવ્યા છે અને બોક્સ ઓફિસ પર થયેલા ધબડકા પાછળ એક ગજબનું ષડયંત્ર શોધી લાવ્યા છે. તેમનું રોદણું એવું છે કે, દર્શકો સુધી પહોંચવાની અમને સાચી તક જ આપવામાં ન આવી. લો કલ્લો બાત!
તેમનો એવો ચોંકાવનારો દાવો છે કે સોશ્યલ મીડિયા પર ડિજિટલ ક્રિએટર્સ અને યુટ્યૂબર્સને સાધીને ફિલ્મના વિરોધમાં જોરદાર નેગેટિવ માર્કેટિંગ ચલાવવામાં આવ્યું હતું. ભાઈસાહેબ કોઈનું સીધું નામ લેતા તો ગભરાય છે, પણ આડકતરો ઈશારો રણબીર કપૂરવાળી આગામી તોતિંગ બજેટની ફિલ્મ ‘રામાયણ’ તરફ ટાંકી રહ્યા છે કે મોટી ફિલ્મના ડરથી અમારી નાની નાવડી જાણીજોઈને ડુબાડી દેવાઈ. અરે ભાઈસાહેબ, પબ્લિકને સિનેમાઘર સુધી ખેંચવા માટે દમદાર કન્ટેન્ટ જોઈએ, આ તો ‘નાચ ન જાને આંગન ટેઢા’ જેવો ઘાટ થયો ને!
સૌથી મજેદાર વાત તો એ છે કે નિર્માતા પોતે કબૂલે છે કે ફિલ્મ નિર્માણમાં પોતે સાવ નવા નિશાળિયા છે અને માર્કેટિંગનો કક્કો પણ તેમને ઘૂંટતા નથી આવડતો. છતાં એમનો અડગ આત્મવિશ્વાસ તો જુઓ, કરોડોની ખોટ ખાધા પછી પણ તે આ જ ફિલ્મ ફરી મોટા પડદે રિલીઝ કરવાનાં ગુલાબી સપનાં જોઈ રહ્યા છે. હવે આને નિર્દોષ નાદાનિયત ગણવી કે પછી અદમ્ય ખુમારી, એ તો પ્રભુ શ્રીરામ જ જાણે!
છેવટે ‘માતૃભૂમિ’ જમીન પર ઊતરશે
બોલિવૂડના ‘દબંગ’ સલમાન ખાનની લાંબા સમયથી અધ્ધર લટકી પડેલી ફિલ્મ ‘માતૃભૂમિ’ને આખરે કેન્દ્ર સરકાર તરફથી લીલીઝંડી મળી ગઈ છે, પણ અંદરનો ટ્વિસ્ટ એવો જોરદાર છે કે જાણીને તમારું હસવું રોકી નહીં શકાય! મૂળ વાત એવી છે કે પહેલાં આ પિક્ચરનું નામ ‘બેટલ ઓફ ગલવાન’ રાખવામાં આવ્યું હતું અને વાર્તા 2020માં ભારત-ચીન સરહદે થયેલા લશ્કરી ઘમાસાણની હતી.
હવે બદલાયેલા રાજદ્વારી સંબંધો અને સંરક્ષણ મંત્રાલયના વાંધાઓને પગલે ફિલ્મ પર એવી કાતર ફેરવાઈ છે કે ફિલ્મમાં દુશ્મનાવટ ભૂલીને ભારત-ચીનના સંબંધો સાવ હકારાત્મક રંગે રંગાઈ ગયા છે એવું દેખાડવામાં આવશે. મતલબ કે ‘માતૃભૂમિ’માં સરહદ પર લાલ આંખ કરવાને બદલે હવે બંને પડોશી દેશો વચ્ચે મીઠી મૈત્રીવાળી ‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’ની વાંસળી વાગશે!
માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ નવી સુધારેલી આવૃત્તિ જોઈને છેવટે ખુશીથી એનઓસી પકડાવી દીધું છે. હવે આપણા ભાઈજાન સેન્સર બોર્ડની ઔપચારિકતા પતાવીને આગામી 13 નવેમ્બરે દિવાળીના તહેવારોમાં બોક્સ ઓફિસ ગજવવા માટે અત્યારથી તલપાપડ બન્યા છે. અપૂર્વ લાખિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સલ્લુ મિયાં સાથે હીરોઈન તરીકે ચિત્રાંગદા સિંહ પણ રોમાન્સ અને દેશભક્તિ કરતી જોવા મળશે.
સૌથી મજેદાર વાત તો એ છે કે દર્શકો જે ફિલ્મમાં જોરદાર ગોળીબાર, યુદ્ધ અને ધમાકાની અપેક્ષા રાખતા હતા, ત્યાં હવે મોટા પડદા પર શાંતિના સફેદ કબૂતર ઊડતા જોવા મળશે. ભાઈજાનનું પિક્ચર હોય અને આવો ચમત્કાર ન સર્જાય તો જ નવાઈ! હવે જોવાનું એ રહેશે કે સલમાનનો આ નવો ‘દોસ્તીનો માર્કો’ અવતાર દર્શકોને કેટલો ગળે ઊતરે છે!
‘ચુડેલ’ પર કાયદાનું મંત્રતંત્ર!
બોલિવૂડની માયાનગરીમાં ક્યારે કયું ભૂત કે ડાકણ જાગી જાય એ કંઈ નક્કી નહીં, પણ આપણી બોલ્ડ સુંદરી સની લિયોનીની નવી હોરર કોમેડી ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ તેના પર કાનૂની વિવાદનું કાળું જાદુ છવાઈ ગયું છે! વાત જાણે એમ છે કે સની લિયોની અને એક્શન સ્ટાર રાહુલ દેવની ફિલ્મ ‘ચુડેલ’ (જેનું જૂનું ઠંડું નામ ‘કોકા કોલા’ હતું) હવે મોટા પડદા પર દર્શકોને ડરાવે કે ન ડરાવે, પણ નિર્માતાઓના તો અત્યારથી હોશ ઉડાવી રહી છે.
વાત એમ બની કે જાણીતા પ્રોડ્યુસર ગણેશ જૈને ફિલ્મ ટ્રેડ મેગેઝિનમાં સીધી જાહેર નોટિસ ફટકારીને એવો મોટો બોમ્બ ફોડ્યો છે કે આ ફિલ્મના તમામ ડિજિટલ, સેટેલાઇટ, ટીવી અને બીજા તમામ હક્કો ફક્ત અને ફક્ત તેમની જ માલિકીના છે. એટલું જ નહીં, જૈન સાહેબે કડક ચેતવણી પણ આપી દીધી છે કે જો કોઈને પણ આ બાબતે સહેજ પણ વાંધો હોય તો દસ દિવસમાં લેખિત પુરાવા સાથે હાજર થાય, બાકી આ ‘ચુડેલ’ પર તો તેમનો જ એકચક્રી અધિકાર રહેશે! ટૂંકમાં જૈન સાહેબ કોઈનું ‘મિચ્છામી દુક્કડમ ’પણ સાંભળવા તૈયાર નથી.
હવે તમે જ વિચાર કરો, દર્શકો બિચારી સનીને ભૂતના રૂપમાં જોવા માટે આતુર બેઠા હતા, ત્યાં તો પડદા પાછળ હક્કોની અસલી લડાઈ જામી ગઈ. ફિલ્મનું ટાઇટલ ભલે ગમે તેટલું ડરામણું રાખ્યું હોય, પણ અહીં તો અસલી ભૂતાવળ કોપીરાઇટ અને કાગળોમાં નાચી રહી છે! હવે જોવાનું એ રહેશે કે આ કાનૂની વિવાદના વમળમાંથી ફિલ્મ ક્યારે હેમખેમ બહાર આવે છે કે પછી ‘ચુડેલ’ કોર્ટ-કચેરીના આંટાફેરામાં જ અતૃપ્ત આત્માની જેમ ભટકતી રહેશે!
કટ એન્ડ ઓકે...
હું 20 વર્ષની હતી ત્યારથી ટેક્સ ભરું છું મેં કોઈ ખોટું કામ કર્યું નથી. પોતાના સસરા ને પતિના ઘરે ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા બાદ રકુલ પ્રીત સિંહનું નિવેદન.