વડોદરાઃ નવરાત્રિના પાવન પર્વ પૂર્વે સંસ્કારી નગરી વડોદરાના નામે વધુ એક વૈશ્વિક સિદ્ધિ નોંધાઈ છે. વડોદરા મહાનગરપાલિકા (VMC) અને 'યુનાઈટેડ વે વડોદરા'ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા 'વિકસિત ભારત સંકલ્પ ગરબા' મહોત્સવમાં આશરે 50 હજાર નાગરિકોએ એકસાથે ગરબે ઘૂમીને વિશ્વના સૌથી મોટા ગરબા નૃત્યનો નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Record) બનાવ્યો છે, જેની અત્યારે ગુજરાતભરમાં ચર્ચઓ થઈ રહી છે.
રાત્રે 11 વાગ્યા પછી 'ત્રણ તાળી'ના તાલે રચાયો ઇતિહાસ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગરબા ગ્રાઉન્ડ પર ઉપસ્થિત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના સત્તાવાર પ્રતિનિધિએ આ ઐતિહાસિક ક્ષણની ચકાસણી કરીને વિશ્વ રેકોર્ડનું પ્રમાણપત્ર વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને એનાયત કર્યું હતું. આ રેકોર્ડ એટેમ્પ્ટ રાત્રે 11:00 વાગ્યા પછી 'ત્રણ તાળી' ગરબાના પરંપરાગત તાલ પર કરવામાં આવ્યો હતો. ખ્યાતનામ ગરબા ગાયક અતુલ દાદા પુરોહિતે પોતાના બુલંદ અવાજથી સમગ્ર માહોલને ગરબાના રંગે રંગ્યો હતો. તેમણે આ વૈશ્વિક રેકોર્ડ વડોદરાની સમગ્ર જનતાને સમર્પિત કર્યો હતો.
ગિનિસ રેકોર્ડના પ્રમાણપત્રમાં 'વડોદરાની જનતા'નું નામ લખાયું
આ એવોર્ડને લેતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક જાહેર પણ કરવામાં આવી હતી. ગિનિસ રેકોર્ડના પ્રમાણપત્રમાં પ્રાપ્તકર્તા તરીકે 'વડોદરાની જનતા' (People of Vadodara)નું નામ લખાયેલું છે. તેથી કમિશનર અરુણ મહેશ બાબુએ જાહેરાત કરી હતી કે આ પ્રમાણપત્ર VMCની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવશે, જેથી દરેક વડોદરાવાસી તેને ડાઉનલોડ કરીને યાદગાર સ્મૃતિ રૂપે સાચવી શકે!

'વડ' પ્રતીકનું મહાનુભાવોના હસ્તે અનાવરણ કરાયું
કાર્યક્રમના પ્રારંભે વડોદરા શહેરની ઓળખ સમાન 'વડ' (Vad) પ્રતીકનું મહાનુભાવોના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. મા અંબાની મહાઆરતી બાદ શરૂ થયેલા ગરબામાં
સ્વચ્છ ભારત, નારી શક્તિ, વૃક્ષાતાર / વિકસિત ભારત અને વડ (સાંસ્કૃતિક વિરાસત) આ ચાર મુખ્ય થીમ આવરી લેવામાં આવી હતી. ગરબા ખેલૈયાઓએ હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે વિવિધ થીમ આધારિત સામાજિક સંદેશાઓ રજૂ કર્યા હતા. આ પ્રસંગે વડોદરાવાસીઓએ 'સ્વચ્છ વડોદરા'ના શપથ પણ લીધા હતા અને 'સ્વચ્છતા સે સ્વાગત' અભિયાનમાં સ્વયંસેવક તરીકે જોડાવાની કટિબદ્ધતા દર્શાવી હતી.
આ ગરબા કાર્યક્રમ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, પૂર્વ મંત્રી જીતુભાઈ સુખડિયા, પ્રખ્યાત લોકગાયક અતુલ દાદા પુરોહિત, સ્થાનિક અગ્રણીઓ, રમતવીરો અને હજારો ઉત્સાહી ગરબા રસિકો હાજર રહ્યાં હતાં. વિશ્વભરમાં 'ગરબા કેપિટલ' તરીકે ઓળખાતા વડોદરા શહેરે નવરાત્રિની રમઝટ શરૂ થાય તે પહેલા જ આ વૈશ્વિક રેકોર્ડ સર કરીને પોતાની સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ મંચ પર વધુ ઉજ્જવળ બનાવી છે.