દિવ્યકાંત પંડ્યા
લગભગ બે દાયકાથી હોલિવૂડનું સૌથી મોટું હથિયાર સુપરહીરો ફિલ્મ્સ રહી છે. ‘એવેન્જર્સ’, ‘સ્પાઇડર મેન’, ‘આયર્ન મેન’, ‘થોર’, ‘બ્લૅક પેન્થર’, ‘બેટમેન’ કે ‘સુપરમેન’ જેવી ફિલ્મ્સે માત્ર બૉક્સ ઑફિસ પર કમાણી જ નથી કરી, પણ આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું અર્થશાસ્ત્ર બદલી નાખ્યું છે. હોલિવૂડને સમજાઈ ગયું હતું કે લોકો માત્ર એક ફિલ્મ જોવા નથી આવતા, દર્શકો એક પાત્ર, એક દુનિયા અને એક યુનિવર્સ સાથે જોડાવા માગે છે. એક સફળ સુપરહીરોનો અર્થ માત્ર એક હિટ ફિલ્મ નથી, પણ સિક્વલ્સ, પ્રીક્વલ્સ, સ્પિન ઑફ્સ, ગેમ્સ, મર્ચેન્ડાઇઝ અને વર્ષો સુધી ચાલતો બિઝનેસ છે.
આજે ભારતીય સિનેમામાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. ફરક માત્ર એટલો છે કે ભારતને પોતાના સુપરહીરો બનાવવા માટે કૉમિક બુક લખવાની જરૂર નથી. અહીં તો હજારો વર્ષ જૂની કથાઓ, પાત્રો અને લોકવાર્તાઓ પહેલેથી જ હાજર છે.
છેલ્લાં થોડાં વર્ષોની સૌથી મોટી ફિલ્મ્સ અને જાહેરાતો પર નજર કરીએ તો માયથોલૉજી (અહીં ‘માયથોલૉજી’ શબ્દનો ઉપયોગ માત્ર ફિલ્મ્સના એક લોકપ્રિય જોનર માટે કરવામાં આવ્યો છે. તેનો અર્થ એ નથી કે આ કથાઓ કે પાત્રોને માત્ર કાલ્પનિક અથવા અસત્ય ગણવામાં આવી રહ્યા છે.) ફિલ્મ્સનો એક સ્પષ્ટ ટ્રેન્ડ જોવા મળે છે. ‘હનુમાન’ અચાનક સમગ્ર દેશની સફળતા બની જાય છે. ‘કાંતારા’ સ્થાનિક લોકકથાને રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બનાવી દે છે. ‘કલ્કિ 2898 એડી’ પૌરાણિક સંકેતોને સાયન્સ ફિક્શન સાથે ભેળવીને એક નવી દુનિયા ઊભી કરે છે. ‘મહાવતાર નરસિંહ’, ‘હનુમાન અંશ’ અને બીજી ફિલ્મ્સ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવે છે. બીજી તરફ નિતેશ તિવારીની ‘રામાયણ’ વર્ષોની સૌથી ચર્ચિત ભારતીય ફિલ્મ્સમાંની એક બની ગઈ છે.
ભારતીય ફિલ્મમેકર્સ પણ હવે સમજવા લાગ્યા છે કે આપણી પાસે એક વિશાળ ખજાનો છે. રામ, કૃષ્ણ, હનુમાન, શિવ, નરસિંહ, કર્ણ, રાવણ, ભીષ્મ જેવાં પાત્રો કોઈ નવાં નથી. દર્શકોને તેમની ઓળખાણ કરાવવાની જરૂર નથી. તેમની સાથે લાગણી પહેલેથી જ જોડાયેલી છે.
આ ઓળખાણ આજના સમયમાં વધુ કીમતી બની ગઈ છે, કારણ કે ફિલ્મ બિઝનેસ પહેલાં કરતાં વધુ અનિશ્ર્ચિત બન્યો છે. એક સમય હતો જ્યારે મોટા સ્ટારનું નામ જ ફિલ્મને મજબૂત ઓપનિંગ અપાવી દેતું હતું. આજે એવું નથી. ઓટીટી પ્લૅટફૉર્મ્સ, સોશ્યલ મીડિયા, યુટ્યૂબ, ગેમિંગ અને અનેક મનોરંજન વિકલ્પો વચ્ચે દર્શકો હવે વધુ પસંદગીપૂર્વક ખર્ચ કરે છે. થિયેટરની ટિકિટ ખરીદતાં એ લોકો પહેલાં પૂછે છે કે આ ફિલ્મ માટે ઘરેથી નીકળવું ખરેખર જરૂરી છે કે નહીં? એટલે જ ફિલ્મમેકર્સ માટે હવે થિયેટર માટેનો અનુભવ ઊભો કરવો અત્યંત મહત્ત્વનો બની ગયો છે અને અહીં જ માયથોલૉજી તથા ફેન્ટસી ફિલ્મ્સ કામ લાગે છે. આવી વાર્તાઓમાં ભવ્યતા સ્વાભાવિક રીતે જ હોય છે.
દેવતાઓ, યુદ્ધો, સામ્રાજ્યો, અલૌકિક શક્તિઓ, દંતકથાઓ અને વિશાળ ભાવનાત્મક સંઘર્ષો મોટી સ્ક્રીન પર વધુ અસરકારક લાગે છે. દર્શકોને લાગે છે કે આ અનુભવ મોબાઇલ કે ટીવી કરતાં થિયેટરમાં વધુ મજા આપશે.
આ ટ્રેન્ડ માત્ર ધાર્મિક કે પૌરાણિક કથાઓ સુધી મર્યાદિત નથી. ફિલ્મમેકર્સ હવે લોકવાર્તાઓ અને પ્રાદેશિક દંતકથાઓ તરફ પણ વળી રહ્યા છે. વર્ષો સુધી મુખ્ય પ્રવાહના સિનેમામાં શહેરોની પ્રેમકથાઓ, ફૅમિલી ડ્રામા અને ક્રાઇમ સ્ટોરીઝનું વર્ચસ્વ રહ્યું. પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. ‘કાંતારા’એ સાબિત કર્યું કે કર્ણાટકના દરિયાકાંઠાના એક સ્થાનિક લોકવિશ્વાસમાં પણ આખા દેશને આકર્ષવાની શક્તિ હોઈ શકે છે. આ સફળતા પછી ફિલ્મ ઉદ્યોગને સમજાયું કે ભારતના વિવિધ પ્રદેશોમાં કેટલીય એવી કથાઓ છે જે હજુ મોટા પડદા સુધી પહોંચી જ નથી.
બીજી તરફ ટેક્નોલૉજીએ પણ આ પરિવર્તનને વેગ આપ્યો છે. વીસ વર્ષ પહેલાં જે દૃશ્યો કલ્પવાં પણ મુશ્કેલ હતાં, તે આજે ભારતીય ફિલ્મમેકર્સ સર્જી શકે છે. ‘બ્રહ્માસ્ત્ર’, ‘હનુમાન’ અને ‘કલ્કિ 2898 એડી’ જેવી ફિલ્મ્સે બતાવ્યું છે કે ભારતીય સિનેમા હવે પોતાની કલ્પનાશક્તિને મોટા પાયે રજૂ કરવાનો આત્મવિશ્વાસ ધરાવે છે. ભલે હોલિવૂડ જેટલું બજેટ ન હોય, પરંતુ દૃશ્યાત્મક વિશ્વ ઊભું કરવાની ક્ષમતા સતત વધી રહી છે.
જોકે આ ટ્રેન્ડ સંપૂર્ણપણે જોખમમુક્ત નથી. માત્ર ઓળખાતાં પાત્રો હોવાને કારણે ફિલ્મ સફળ થઈ જાય એવું જરૂરી નથી. તાજેતરના કેટલાક મોટા પ્રોજેક્ટ્સે બતાવ્યું છે કે દર્શકો હવે માત્ર નામથી પ્રભાવિત થતા નથી. તે મજબૂત લેખન, વિશ્ર્વસનીય રજૂઆત અને ગુણવત્તાસભર ફિલ્મમેકિંગ પણ માગે છે. હકીકતમાં માયથોલૉજી આધારિત ફિલ્મ બનાવવી ઘણી વખત વધુ મુશ્કેલ હોય છે, કારણ કે લોકોની અપેક્ષાઓ પહેલેથી જ ઘણી ઊંચી હોય છે.
‘રામાયણ’, ‘મહાવતાર નરસિંહ’, ‘હનુમાન અંશ’ અને અન્ય અનેક જાહેર પ્રોજેક્ટ્સ બતાવે છે કે આગામી વર્ષોમાં ભારતીય સિનેમાના સૌથી મોટા દાવ માયથોલૉજી, ફેન્ટસી અને લોકવાર્તાઓ પર લાગવાના છે. કદાચ એટલે જ આજે એવું લાગી રહ્યું છે કે મનોરંજન દેવની કૃપાથી ભારતનું નવું સુપરહીરો સિનેમા કોઈ કૉમિક બુકમાંથી નહીં, પણ પોતાની જ કથાઓ, લોકવાર્તાઓ અને પરંપરાઓમાંથી બહાર આવી રહ્યું છે. અને આગામી વર્ષોમાં ભારતીય સિનેમાની સૌથી મોટી સ્પર્ધા કદાચ માયથોલૉજિકલ યુનિવર્સ વચ્ચે થવાની છે!
લાસ્ટ શોટ
દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મહેરા સલમાન ખાન સાથે કર્ણ પર ફિલ્મ બનાવવાના છે એવી ચર્ચા ચાલી રહી છે.