Fri Oct 09 2026

Logo

ટ્રંપનો ફુગ્ગો ફૂટી ગયો... ઇન્ફોસિસ-TCS-વિપ્રો-HCL બધા શેર ઉછળ્યા, સમજો તેજીનું કારણ

2026-10-09 12:45:00
Author: Mumbai Samachar Team
ટ્રંપનો ફુગ્ગો ફૂટી ગયો... ઇન્ફોસિસ-TCS-વિપ્રો-HCL બધા શેર ઉછળ્યા, સમજો તેજીનું કારણ

ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતની TCS, ઇન્ફોસિસ, વિપ્રો અને HCLTech સહિત આઠ મોટી આઇટી (IT) કંપનીઓને ગ્રીન કાર્ડ સંબંધિત પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન (PERM) પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી દીધી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે શુક્રવારે શેરબજારમાં તેની નકારાત્મક અસર જોવા મળશે. પરંતુ શુક્રવારે ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખૂલ્યું.

આઇટી શેરોમાં પણ તેજી જોવા મળી. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 3.31% ઉછળીને 28,654.70 પર પહોંચી ગયો. TCSના શેરમાં 4.62%, ઇન્ફોસિસમાં 3.12%, વિપ્રોમાં 3.31%, HCLTechમાં 3.27% અને ટેક મહિન્દ્રાના શેરમાં 2.19%નો વધારો થયો. આખરે ટ્રમ્પના આ પગલાં છતાં આઇટી શેરોમાં તેજી કેમ આવી? આવો જાણીએ તેની પાછળનાં કારણો...

આઇટી શેરોમાં આવેલી આ તેજી એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે એક દિવસ પહેલાં બજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. ગુરુવારે સેન્સેક્સ 1,045 પોઇન્ટ એટલે કે 1.44% તૂટ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 1.64%નો ઘટાડો નોંધાયો હતો. સતત ઘટાડા બાદ શુક્રવારે રોકાણકારોએ આઇટી કંપનીઓ સહિત ઘણા શેરોમાં ખરીદી કરી.

અમેરિકી કાર્યવાહીની અસર કેમ ન દેખાઈ?

ટ્રમ્પ વહીવટીતંત્રે TCS, ઇન્ફોસિસ, વિપ્રો, HCLTech, કોગ્નિઝન્ટ, કેપજેમિની, માઇક્રોસોફ્ટ અને એડોબીને પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. અમેરિકામાં રોજગાર આધારિત ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં આ એક મહત્ત્વનું ચરણ છે. આ કાર્યવાહીને કારણે જેને અસર થવાની છે તેવી કંપનીઓ દ્વારા ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા કેટલાક વિદેશી કર્મચારીઓના કેસોમાં વિલંબ થઈ શકે છે.

પરંતુ આ પ્રતિબંધનો અર્થ એ નથી કે કંપનીઓનો અમેરિકા ખાતેનો વેપાર બંધ થઈ જશે અથવા તમામ H-1B વિઝા રદ થઈ જશે. આ બંને સાવ અલગ પ્રક્રિયાઓ છે. હાલ પૂરતું, શરૂઆતના કારોબારમાં રોકાણકારોએ આ નિર્ણયને લઈને મોટા પાયે વેચવાલી કરી નથી. તેનું એક કારણ કંપનીઓ તરફથી આવેલી સ્પષ્ટતા પણ છે.

TCSએ આપ્યો 15,000 નોકરીઓનો ભરોસો

TCSએ શુક્રવારે એક નિવેદન જાહેર કરી કહ્યું કે PERM પ્રોગ્રામથી સસ્પેન્શન છતા તેણે પોતાની અમેરિકી હાયરિંગ સ્ટ્રેટેજી કે કસ્ટમર્સની સાથે કામકાજ પર ખાસ અસર પડવાની આશંકા નથી. TCSએ પણ  દોહરાવ્યું કે આવતા પાંચ વર્ષોમાં અમેરિકામાં 15,000 એડિશનલ લોકોની નોકરી આપવાની યોજના પર કામ કાયમ છે.