મુંબઈ: થાઈલેન્ડનો જાણીતો અભિનેતા ફોર્થ નટ્ટાવટ અને તેના કો-સ્ટાર જેમીની નોરાવિત વિવાદમાં ફસાયો છે. એક ટેલિવિઝન શોમાં ‘બોલિવૂડ હીરો’ની નકલ કરતી વખતે કરવામાં આવેલા હાવભાવ અને ડાન્સ મૂવ્સને લઈને ભારતીય ચાહકોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ક્લિપ બાદ બંને કલાકારો પર ભારતીય સંસ્કૃતિની મજાક ઉડાવવાનો અને જાતિવાદી સ્ટિરિયોટાઇપ્સને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો છે. વિવાદ વધ્યા બાદ ફોર્થે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માફી માગી હતી, જ્યારે જેમીનીએ પણ પોતાના વર્તન બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર વિવાદ થાઈલેન્ડના ‘અ થાઈ લેટ-નાઇટ શો’ દરમિયાન થયેલી એક ગેમને કારણે શરૂ થયો હતો. આ શોનું સંચાલન કટન્યૂ સવાંગસ્રી કરે છે. ગેમમાં ફોર્થની આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી અને તેને ‘બોલિવૂડ હીરો’ શબ્દો ઓળખવાના હતા. જેમીનીએ શબ્દો બોલ્યા વિના વિવિધ હાવભાવ દ્વારા ફોર્થને સંકેત આપવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ફોર્થે માથું અને ગરદન હલાવવી, હાથ ફેલાવવા અને નાટકીય અંદાજમાં શરીરની હિલચાલ કરવા જેવા હાવભાવ કર્યા હતા. તેણે 'ધૂમ મચાલે' ગીત પણ ગાયું હતું.
Why is racism against Indians so casually dismissed? Thai actors Fourth Nattawat and Gemini Norawit appeared on a TV show portraying a “Bollywood hero” through exaggerated head-bobbing and gestures, while calling it “Indian dance.” Indian fans called out the performance as a racist stereotype, and rightly so. If the same caricature were aimed at another community, would it be dismissed as “just comedy”? Racism doesn’t become acceptable because the target is Indian.
— India First Post (@ifpost47) October 8, 2026
શોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારતીય દર્શકોએ વાંધો ઉઠાવ્યો હતો. અનેક ચાહકોનું કહેવું હતું કે, ભારતીય ડાન્સને માત્ર માથું હલાવવું, હાથના વિચિત્ર હાવભાવ અને અતિશયોક્તિપૂર્ણ અભિનય સુધી મર્યાદિત રાખવો ભારતીય સંસ્કૃતિનું ખોટું ચિત્રણ છે. લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે ભારતીય સંસ્કૃતિને વારંવાર મજાકના સ્વરૂપમાં કેમ રજૂ કરવામાં આવે છે. કેટલાક યુઝર્સે એવી પણ દલીલ કરી હતી કે ભારતમાં ભરતનાટ્યમ સહિત અનેક શાસ્ત્રીય નૃત્યશૈલીઓ, લોકનૃત્યો અને આધુનિક નૃત્ય પરંપરાઓ છે, જેને થોડા હાવભાવમાં સમાવી શકાય નહીં. આ ઘટનાને કારણે સોશિયલ મીડિયા પર સાંસ્કૃતિક સંવેદનશીલતા અને જાતિવાદી રજૂઆત અંગે નવી ચર્ચા શરૂ થઈ હતી.
વિવાદ વધ્યા બાદ ફોર્થ નટ્ટાવટે એક્સ પર પોસ્ટ કરીને માફી માગી હતી. તેણે જણાવ્યું હતું કે, તે હંમેશાં સમાનતા અને વિવિધતાના સમર્થક રહ્યો છે અને કોઈ પણ જાતિ કે સમુદાયની મજાક ઉડાવવાનો તેનો ઇરાદો નહોતો. તેણે સ્પષ્ટતા કરી હતી કે આ હાવભાવ માત્ર ગેમનો ભાગ હતા. જોકે, પોતાના ઇરાદા અંગે સ્પષ્ટતા કરવાની સાથે તેણે સ્વીકાર્યું હતું કે તેના વર્તનથી કોઈની લાગણી દુભાઈ હોય તો તે દિલથી માફી માગે છે, ખાસ કરીને ભારતીય ચાહકોની લાગણીને ઠેસ પહોંચી હોય તો તેને તેનો અફસોસ છે. તેણે આ ઘટનાને પોતાના વર્તનમાં સુધારો કરવા માટેનો મહત્વપૂર્ણ પાઠ ગણાવ્યો હતો.
બીજી તરફ, ગેમ દરમિયાન ફોર્થના હાવભાવ જોઈને હસતા અને તેને પ્રોત્સાહન આપતા જોવા મળેલા જેમીની નોરાવિતની પણ ટીકા થઈ હતી. જેમીનીએ નિવેદન જાહેર કરીને પોતાના વર્તન બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. જોકે, ફોર્થની માફી બાદ ભારતીય ચાહકોની પ્રતિક્રિયા મિશ્ર રહી હતી. કેટલાક લોકોએ તેની ભૂલ સ્વીકારીને માફી માગવા બદલ પ્રશંસા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં આવી ઘટના ફરી નહીં બને. અન્ય ચાહકોએ કલાકારોને અલગ-અલગ સંસ્કૃતિઓ પ્રત્યે વધુ જાગૃત અને સંવેદનશીલ રહેવાની સલાહ આપી હતી. કેટલાકે સ્પષ્ટ કર્યું હતું કે તેનો હેતુ કલાકારને વ્યક્તિગત રીતે નિશાન બનાવવાનો નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિનું સન્માન જળવાય તે સુનિશ્ચિત કરવાનો છે.