Fri Oct 09 2026

Logo

હિન્દી ફિલ્મોમાં ભયનું વાતાવરણ કેવું રહ્યું છે?

2026-10-09 08:16:00
Author: Henri Shashtri
હિન્દી ફિલ્મોમાં ભયનું વાતાવરણ કેવું રહ્યું છે?

 


હેન્રી શાસ્ત્રી


પાણીમાં પડીએ નહીં ત્યાં સુધી તરતા આવડે નહીં એ ગુજરાતી ભાષાની એક ખૂબ જ જાણીતી અને અર્થસભર કહેવત છે. પાણીમાં પડવાથી ડૂબી જવાનો ડર આપણને કંઈક નવું શીખતા રોકે છે, અટકાવે છે. જીવનમાં આગળ વધવું હોય તો ડરનો સામનો કરીને જોખમ લેવું જોઈએ એ કહેવતનો સૂચિતાર્થ છે. 


છેલ્લા 20 વર્ષથી દર વર્ષે ઓક્ટોબર મહિનાનો બીજો મંગળવાર Face Your Fears Day  (ડરથી ગભરાઈ નહીં જવાનું એનો સામનો કરવાનો) મુખ્યત્વે યુએસમાં અને હવે ધીરે ધીરે અન્ય દેશોમાં ઉજવાઈ રહ્યો છે. આવતા મંગળવાર 13 ઓક્ટોબરે ‘ડર કે આગે જીત હૈ’નો ભાવાર્થ ધરાવતા આ દિવસ નિમિત્તે હિન્દી ફિલ્મોમાં ‘ભયનું વાતવરણ’ કેવું રહ્યું છે એ જાણવાની કોશિશ કરીએ.


ડર અથવા ભય એટલે કે કોઈપણ વાસ્તવિક, કાલ્પનિક કે સંભવિત ખતરા, નુકસાન કે જોખમની આશંકાથી ઉત્પન્ન થતી એક તીવ્ર અપ્રિય કે દુ:ખદ લાગણી. ભય, બીક અને ડરથી કાયમ અંતર રાખવા માગતો માણસ ભય ઉપજાવતા કે દર્શાવતા ડરાવણા ચિત્રપટ (હોરર ફિલ્મો) ગજબની ઉત્સુકતાથી જોવા જતો હોય છે. મનુષ્યને હંમેશાં રહસ્યમય, અજાણી અને અલૌકિક વસ્તુઓ વિશે જાણવાની ઈચ્છા હોય છે. હોરર ફિલ્મો આ કુતૂહલને સંતોષે છે.


ભારતીય સિનેમામાં ડરને પ્રાધાન્ય બોલપટ શરૂ થયા પછી વધુ મળવા લાગ્યું, કારણ કે ભય ઉત્પન્ન કરવા દૃશ્ય સાથે ધ્વનિની હાજરી ભયને વધુ અસરકારક બનાવે છે. દાદાસાહેબ ફાળકેની ‘રાજા હરિશ્ચંદ્ર’ (1913)થી શરૂ થયેલા ભારતીય ચિત્રપટ ઉદ્યોગના પ્રારંભિક દોરમાં ધાર્મિક- સામાજિક ફિલ્મોને પ્રાધાન્ય હોવાથી એમાં ભય દર્શન આસુરી શક્તિઓ પૂરતું સીમિત જોવા મળતું. 


ફિલ્મોમાં સાઉન્ડ શરૂ થયા પછી પૂર્ણ અર્થમાં પહેલી હોરર ફિલ્મ ‘મહલ’ માનવામાં આવે છે, પણ એના 14 વર્ષ પહેલા રિલીઝ થયેલી મોહન ભવનાની નામના દિગ્દર્શકની ‘શાદી કી રાત’ (1935) ભારતીય સિનેમાની પ્રથમ હિન્દી હોરર (ડરામણી) ફિલ્મ છે. જોકે, આ ફિલ્મ વ્યાવસાયિક રીતે નિષ્ફળ સાબિત થવાથી વિસરાઈ ગઈ. 


નરગિસ હીરોઈન બન્યાં એ પહેલા બાળ કલાકાર તરીકે જે જૂજ ફિલ્મો કરી હતી એમાં ‘શાદી કી રાત’નો સમાવેશ છે. 1949માં આવેલી કમાલ અમરોહી દિગ્દર્શિત ‘મહલ’ (અશોક કુમાર, મધુબાલા-લતા મંગેશકરનું પ્રથમ સુપરહિટ સોન્ગ ‘આયેગા આનેવાલા’) પ્રથમ હિન્દી હોરર ફિલ્મની ખ્યાતિ ધરાવે છે.


હિન્દી સિનેમાની શરૂઆતમાં હોરર ફિલ્મો મુખ્યત્વે પુનર્જન્મ, રહસ્ય અને નિષ્ફળ લવ સ્ટોરી પર આધારિત હતી. બિમલ રોયની અઢળક અવોર્ડ મેળવનારી ‘મધુમતી’માં રોમેન્સની સાથે સાથે પુનર્જન્મ અને રહસ્યના તાણાવાણા હોવાથી ભયનું લખલખું શરીરમાંથી પસાર થઈ જાય એવા દૃશ્યો પણ છે. 1960ના દાયકામાં ‘કોહરા’, ‘ગુમનામ’, ‘બીસ સાલ બાદ’, ‘વો કૌન થી’ જેવી ફિલ્મો દર્શકોમાં રહસ્ય અને ડરનો શાનદાર માહોલ ઊભો કરવામાં સફળ રહી હતી. 


ફિલ્મોની વાર્તામાં ભૂતકાળમાં વિખૂટા પડેલા પ્રેમી હૈયા વર્તમાનમાં ફરી ભેગા થાય અને વાર્તામાં ઘણી વાર કોઈ અવાવરું અને રહસ્યમય હવેલી જોવા મળતી, જે વાતાવરણ ડરામણું અને રહસ્યમય બનાવવામાં સાથ આપતી. એ સમયે વીએફએક્સ વગેરેનું અસ્તિત્વ ન હોવાથી ડરામણાં દૃશ્યો પડદા પર દેખાડવા પવનના સુસવાટાનો અવાજ, ઘુવડનો તીણો સ્વર, ઝાંઝર નો ઝણકાર અને લાંબા પડછાયાઓનો ઉપયોગ વધુ કરવામાં આવતો. 


થ્રિલર અને હોરર ફિલ્મોના બેતાજ બાદશાહ આલ્ફ્રેડહિચકોકની ફિલ્મો કેટલીક હિન્દી ફિલ્મોની પ્રેરણા રહી છે. 1966માં હેમંત કુમાર નિર્મિત અને બીરેન નાગ દિગ્દર્શિત ‘કોહરા’ ફિલ્મ હિચકોકનીની ‘રેબેકા’થી પ્રભાવિત હતી. વિશ્વજીત અને વહિદા રહેમાન અભિનીત ‘કોહરા’ એના ગીત-સંગીતને કારણે વધુ લોકપ્રિય થઈ હતી. મેહમુદની ‘ભૂત બંગલા’ (1965) હોરર કોમેડી ફિલ્મ હતી.


બીજી તરફ સાત ભાઈઓના રામસે પરિવારે હિન્દી હોરર ફિલ્મોના સમીકરણ બદલી એમાં તળિયાઝાટક ફેરફાર કરી નાખ્યા. ભારતીય હોરર ફિલ્મોના જનક ગણાયેલા રામસે બ્રધર્સએ 1972માં રિલીઝ કરેલી ‘દો ગઝ જમીન કે નીચે’ ફિલ્મથી હોરર ફિલ્મોની શિકલ બદલાવી નાખી. જૂની હવેલીઓ, પિશાચ, તાંત્રિક, જૂની લાશ અને બી જવાય એવા મેકઅપનો ભરપૂર ઉપયોગ કરી દર્શકોમાં ધ્રુજારી ઉત્પન્ન કરવામાં સફળતા મેળવી. 


1970 - 80ના દાયકામાં ઓછા બજેટમાં તૈયાર થયેલી ‘દરવાઝા’, ‘ગેસ્ટ હાઉસ’, ‘પુરાના મંદિર’, ‘તહખાના’. ‘પુરાની હવેલી’, ‘બંધ દરવાઝા’ વગેરે ફિલ્મોથી હોરર શૈલીને નવું પરિમાણ આપવાની કોશિશ કરી. બરાબર યાદ છે કે રામસેની એક ફિલ્મના ટ્રેલરમાં મેહમૂદ અટ્ટહાસ્ય સાથે માનવ ખોપડીમાં કોઈ ગરમ પીણું લાવતો હોય એવું દૃશ્ય જોઈ એ ફિલ્મ જોવાની ઉત્સુકતા થઈ હતી.


જોકે, અઝીઝ નાઝાંની લોકપ્રિય કવ્વાલી ‘ચઢતા સૂરજ ધીરે ધીરે ઢલતા હૈ ઢલ જાએગા’ની જેમ રામસે બ્રધર્સની ફિલ્મોની લોકપ્રિયતાના પૂર ઓસરવા લાગ્યા અને હોરર ફિલ્મોએ નવી કેડી પકડી. રામગોપાલ વર્મા અને વિક્રમ ભટ્ટ જેવા દિગ્દર્શકોએ હોરર ફિલ્મોએ મોડર્ન શહેરી માહોલમાં પેશ કરી. ‘રાત’, ‘ભૂત’, ‘રાઝ’, ‘1920’, ‘ફિયર’ વગેરે ફિલ્મો દ્વારા દર્શકોને આકર્ષિત કરવાનો નોખો પ્રયાસ કરી ખાસ્સી સફળતા મેળવી. 


છેલ્લા દોઢ દાયકાથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હોરર કોમેડીનો દોર વ્યવસ્થિતપણે ચાલી રહ્યો છે. ‘રાગિણી એમએમએસ’, ‘ગો ગોવા ગોન’, ‘વશ’, ‘બુલબુલ’, ‘પિહુ’, ‘તુમ્બાડ’, ‘સ્ત્રી’, ‘ભેડિયા’, ‘મૂંઝયા’, ‘સ્ત્રી 2’ વગેરે એના પ્રભાવી ઉદાહરણ છે. સતત નવું, તીવ્ર ને સ્તબ્ધ કરી દેતું કથાનક પડદા પર જોવા ઝંખતા દર્શકો ભયની નવા વિશ્વમાં પ્રવેશવા ઉત્સુક હશે. પણ એ ડરની નવી દુનિયા કેવી હશે? એ તો હાલ અંધારામાં છે... એના પર પ્રકાશ પડશે પછી જ થરથરાટનો અનુભવ થશે.