Tue Oct 06 2026

Logo

ફિલ્મનામાઃ દાયરા: સહી-ગલત વચ્ચે દ્વંદ્વનો ઊહાપોહ!

2026-10-02 09:44:00
Author: Naresh Shah
ફિલ્મનામાઃ દાયરા: સહી-ગલત વચ્ચે દ્વંદ્વનો ઊહાપોહ!

નરેશ શાહ

વરસોની તપસ્યા પછી કોર્ટમાંથી ન્યાય મેળવો કે પછી તરત દાન, મહા પુણ્યની જેમ ન્યાય કરી દેવો?
દરેક સિક્કાની બે બાજુ હોય છે અને સચ્ચાઈ એક એવો સિક્કો છે, જેની દરેક બાજુ સાચી પણ હોય છે... 

અર્થપૂર્ણ અને સામાજિક નિસ્બત સાથેની ફિલ્મો બનાવવા માટે જાણીતા અને કાબેલ દિગ્દર્શક મેઘના ગુલઝારની તાજાતરીન ફિલ્મ ‘દાયરા’ આ સત્ય નીચે ઘેરી લાઈન દોરી આપે છે. ઓફિસેથી ઘરે આવીને ફરી નાનાભાઈના રિપેરિંગમાં આવેલાં ચશ્માં લેવા નીકળેલી પ્રગતિ મિશ્રા નામની યુવતી ઘરે પાછી ફરતી જ નથી. બીજા દિવસે તેની બળેલી લાશ અવાવરૂ જગ્યાએથી મળે છે. સ્વાભાવિક છે કે આ ઘટનાથી આખા હૈદરાબાદમાં ખળભળાટ મચી જાય છે. શકય એટલા વહેલાં પ્રગતિ મિશ્રા સાથે આવું ક્રૂર કૃત્ય કરનારને ઝડપવા માટે આખો કેસ ડીએસપી રમનકુમારને સોંપવામાં આવે છે અને...

કામઢા અને નિષ્ઠાવાન ડીએસપી તાબડતોબ પોતાની ટીમને જુદા જુદા પાસાંઓને સોંપીને ઈન્વેસ્ટિગેશન શરૂ કરાવે છે અને આરોપીઓને (ટીવી ન્યૂઝની ભાષામાં કહીએ તો) દબોચી લે છે. જોકે આરોપીઓ પાસેથી વિગતો જાણવા માટે તેમને ઘટનાસ્થળે લઈ જવામાં આવે છે પણ તે બધા નાસી જવાનો પ્રયાસ કરતાં પોલીસ ટીમ સ્વબચાવમાં તમામનું એન્કાઉન્ટર કરી નાખે છે.

બેશક, પોલીસની ઝડપ, કૂનેહને કારણે બળાત્કારીઓ ઝડપાઈ ગયા તેની ઉજવણી આખું શહેર કરી રહ્યું છે.

- અને ‘દાયરા’ ફિલ્મનો આરંભ આ ઉજવણીઓથી થાય છે ત્યારે દર્શકને ખબર હોતી નથી કે આ સેલિબ્રેશન શેનું ચાલી રહ્યું છે. જુલિયો રિબેરો, ખૈરનાર, જગદીશન કે. મૂંડેની જેમ એક પોલીસ અધિકારીની કાર્યવાહીથી પ્રસન્ન જનતા જનાર્દનનો ઉન્માદ સમજાય ત્યાં જ દર્શકો સમક્ષ સ્પષ્ટ થાય છે કે જનતાએ હિરો બનાવેલાં પોલીસ અધિકારી (એ અને તેની ટીમે કરેલાં એન્કાઉન્ટર સામે) સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટિવ ટીમની રચના કરવામાં આવી છે. તેની હેડ ડીસીપી અજુની કોહલી (કરિના કપૂર) છે. એ હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે.

એકદમ રસપ્રદ રીતે શરૂ થતી મેઘના ગુલઝારની ‘દાયરા’ તમને અંત સુધી જકડી રાખે છે અને તેમાં મેઘના ગુલઝાર સહિતના બે લેખકો યશ કેશવાની અને સીમા અગ્રવાલની કાબેલિયત છે. અંગત રીતે માનવું છે કે ‘દાયરા’ ફિલ્મની આખી ઈમારતનો એક ડાયલોગ જ મજબૂત પાયો બનેલો છે. આરોપીને ઝડપી લીધાનો દિલાસો આપતાં ડીએસપી રમનકુમાર (સુકુમાર પૃથ્વીરાજ) પરિવારને કહે છે કે, ‘તમામ ગુનેગારો ઝડપાઈ ગયા છે. તેમની ગેમ ઓવર થઈ ગઈ છે!’

‘ખતમ નહીં, અબ તો શરૂ હુઆ ઐ!’ પીડિતા પ્રગતિ મિશ્રાની માતા જવાબ આપે છે: ‘હવે કોર્ટમાં મુદતો પડશે. મહિનાઓ અને પછી વરસો વીતશે ત્યાર પછી કદાચ, ન્યાય મળવો હશે તો મળશે!’

આ સંવાદ આપણી આખી સિસ્ટમ પર પ્રકાશ ફેંકે છે અને ‘દાયરા’ ફિલ્મની થીમ જ આ છે. ક્રૂર ગુનેગારોને અદાલતમાં તોળાતાં ન્યાય માટે વરસો સુધી રાહ જોવી કે પછી ગુનેગારોને તરત સજા કરીને (ગેરકાયદા તરીકાથી) ન્યાય કરી નાખીને વિકટિમને રાહત આપવી!

‘દાયરા’ ફિલ્મની સ્ક્રિપ્ટ અને એડિટિંગ એટલું સરસ છે કે દર્શક તરીકે આપણે એન્કાઉન્ટરની ખરાઈ તપાસી રહેલી કરિના કપૂરને જોઈએ ત્યારે ‘ફેક એન્કાઉન્ટર’ કરનારાને સજા કરવી જ જોઈએ, એવા ભાવ જાગે, પણ પીડિતાની માતા, નાના ભાઈને જોઈએ ત્યારે થાય કે ‘ફેક એન્કાઉન્ટર’ કરવામાં પણ કશું ખોટું નથી. ફિલ્મમાં ખરેખર શું થાય છે, એ અહીં લખવાનો અર્થ નથી પણ ‘દાયરા’ ફિલ્મ સહી-ગલતના દ્વંદ્વનો આપણી અંદર ઊહાપોહ સર્જી જાય એટલી સચોટ તેમજ નક્કર બની છે. 

પોલીસ અધિકારી બનતાં સુકુમાર પૃથ્વીરાજ અને કરિના કપૂર પોતાના પાત્રને મજબૂતીથી રજૂ કરે છે તો પોલીસ ખાતાનાં બીજા પાત્રોનો અભિનય પણ મજબૂત છે. ઓવરઓલ, ‘દાયરા’ ફિલ્મ ‘સો કરોડી’ કલબમાં જવાના ચાન્સ નથી, કારણ કે આપણે એટલાં મેચ્યોર્ડ નથી. આપણને ‘લાલો’ અને ‘હનુમાન અંશ’ આકર્ષે છે પણ વિચારોના તરંગો સર્જે તેનાથી દૂર રહીએ છીએ. ખેર, થિયેટરમાં ચૂકી જાવ તો ઓટીટી પર ‘દાયરા’ જોવાનું ચૂકશો નહીં.