હેન્રી શાસ્ત્રી
‘મેં ક્યારેય સિનેમા જોયું નથી અને મારા પ્રેમાળ મિત્રોના અતિ આગ્રહ છતાં પણ મને કોઈ ઈચ્છા નથી થતી. સાચું કહું તો ભગવાને આપેલો મૂલ્યવાન સમય બગાડવાની મારી જરાય ઈચ્છા નથી. ફિલ્મોનું શૈક્ષણિક મૂલ્ય છે એવું મિત્રો મને કહેતા હોય છે. કદાચ હશે, પરંતુ સિનેમાનો ભ્રષ્ટ કરનારો પ્રભાવ દરરોજ મને સ્પષ્ટપણે નજરે પડતો હોવાથી શિક્ષણ માટે હું બીજે નજર દોડાવું છું.’
આ કથન મોહનદાસ કરમચંદ ગાંધી-મહાત્મા ગાંધીનું છે. 1926માં સાપ્તાહિક પત્ર ‘યંગ ઇન્ડિયા’માં તે સમયે સિનેમાના પ્રભાવ અને તેના કારણે સમાજના બગાડથી ચિંતિત હોવાથી તેમણે આ પ્રમાણે લખ્યું હતું. ગાંધીજીની બધી વાત સાથે સહમત થવાય એ જરૂરી નથી અને ખુદ બાપુ ભિન્ન મતનો આદર કરતા હતા.
કદાચ ગાંધીજી સિનેમાને સર્વાંગી રીતે સમજી નહોતા શક્યા એવી દલીલ ગભરાયા વિના કરી શકવી એ અંતે તો નિર્ભય બનવાની ગાંધીજીના શિક્ષણનો જ ભાગ છે ને. જોકે, 100 વર્ષ પહેલાનું આ વિધાન આજની તારીખમાં વિચાર કરવા જરૂર પ્રેરે એ હદે સિનેમા બદલાઈ ગયું છે. એમ તો આજે ગાંધીજી પ્રત્યેના દૃષ્ટિકોણમાં પણ સમૂળગો બદલાવ આવ્યો છે.
આજે ગાંધી જયંતી છે એ અવસરે ગાંધીજીને કેન્દ્રમાં રાખી બનેલી જૂજ ફિલ્મોના ગીત અને એના સંવાદો તપાસીએ. પછી દરેક વાચક જાતે જ નક્કી કરે કે ગાંધીજી આજે કેટલા પ્રસ્તુત છે. વ્યક્તિ સ્વાતંત્ર્ય એમની શીખવણીનો જ હિસ્સો છે ને.
ગાંધીજીને કેન્દ્રમાં રાખેલી ફિલ્મોમાં રિચર્ડ એટનબરોની આઠ ઓસ્કર અવોર્ડ વિજેતા ‘ગાંધી’ (1982) ફિલ્મને મળેલા વ્યાપક આવકાર બાબતે અન્ય ગાંધી ફિલ્મો પાતળી લાગે, પણ મહત્ત્વ અને મહત્તામાં ઓછી ઊતરે એવી નથી. શ્યામ બેનેગલની ‘ધ મેકિંગ ઓફ મહાત્મા’, કમલ હાસનની ‘હે રામ’, ફિરોઝ અબ્બાસ ખાનની ‘ગાંધી, માય ફાધર’, જાહનું બરૂઆની ‘મૈંને ગાંધી કો નહીં મારા’, રાજકુમાર હિરાણીની ‘લગે રહો મુન્નાભાઈ’, રાકેશ રંજન કુમારની ‘ગાંધી ટુ હિટલર’ તેમ જ ‘સરદાર’ સહિત અન્ય મહાનુભાવોને કેન્દ્રમાં રાખેલી ફિલ્મોમાં પણ ગાંધીજીનું ચિત્રણ છે. દરેક ફિલ્મમેકરે બાપુને વેગળા દૃષ્ટિકોણથી ચિત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે.
ફિલ્મોમાં ગાંધીજીનાં ગીતો સાંભરીએ ત્યારે ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ તેમ જ ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ પહેલા યાદ આવે. ગાંધીજીને પ્રિય એવા આ બંને ભજન ઘણી હિન્દી ફિલ્મો અને દેશભક્તિના મ્યુઝિક આલબમમાં સમાવી લેવાયા છે. ચોક્કસ સિનેમાના ગીતની વાત કરતી વખતે ‘જાગૃતિ’ ફિલ્મનું ‘દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ’, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ’ પહેલું યાદ આવે. કવિ પ્રદીપ લિખિત અને હેમંત કુમારે સ્વરબદ્ધ કરેલું આશા ભોસલેએ ગાયેલું આ ગીત આજે પણ અનેક લોકોને યાદ હશે. ગાંધીજી અને અહિંસાના સિદ્ધાંતને સમર્પિત આ સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય ગીત છે.
1957માં રિલીઝ થયેલી બે ફિલ્મ ‘નયા દૌર’ અને ‘દો આંખેં બારહ હાથ’માં ગાંધીજીની નહીં, પણ ગાંધી વિચારની હાજરી છે. આ બંને ફિલ્મના ગીત - સંગીતને ખાસ્સી લોકપ્રિયતા મળી હતી. ‘નયા દૌર’નું ‘સાથી હાથ બઢાના’ સામૂહિક શક્તિ અને શ્રમના ગૌરવની વાત કરે છે જ્યારે ‘દો આંખેં બારહ હાથ’ના ‘અય માલિક તેરે બંદે હમ, ઐસે હોં હમારે કરમ, નેકી પર ચલે ઔર બદી સે ટલે, તાકી હસતે હુએ નિકલે દમ’માં વેરભાવ રાખવાના બદલે પ્રેમ અને અહિંસા દ્વારા ક્રૂરતાને જીતવાની પ્રેરણા આપતો ગાંધી વિચાર જ પ્રગટ થાય છે.
1967માં આવેલી ફિલ્મ ‘પરિવાર’માં ગાંધી જયંતી અને બાપુના જન્મદિનને યાદ કરી એક પ્રેરણાદાયક ગીત ‘આજ હૈ દો અક્ટુબર કા દિન’ ગીત રજૂ થયું હતું. ગુલશન બાવરા લિખિત, કલ્યાણજી - આણંદજીએ સ્વરબદ્ધ કરેલું આ ગીત લતા મંગેશકરે ગાયું હતું. 1978માં આઈએસ જોહરે બનાવેલી ‘નાસબંદી’ ફિલ્મ માટે ‘બાપુ તેરે દેશ મેં યે કૈસા અત્યાચાર’ (ગીતકાર ઈન્દીવર, સંગીતકાર કલ્યાણજી આણંદજી) તૈયાર કરવામાં આવ્યું હતું, પણ ગીતમાં કેટલાક નામાંકિત રાજકારણીઓનાં નામોનો ઉલ્લેખ હોવાથી ગીત પર સેન્સરએ કાતર ચલાવી હતી.
સંજય દત્તની ‘લગે રહો મુન્નાભાઈ’માં ‘બંદે મેં થા દમ... વંદે માતરમ્’ (ગીતકાર સ્વાનંદ કિરકિરે, સંગીતકાર શાંતનુ મોઈત્રા) ગીત અને ફિલ્મમાં ગાંધી વિચારને આધુનિક શૈલીમાં રજૂ કરવાનો પ્રયાસ હતો. આ ગીત ગાંધીજીના સમગ્ર વ્યક્તિત્વ અને એમના પ્રભાવને વ્યક્ત કરે છે.
ગાંધી ફિલ્મના ડાયલોગ્સ:
ગાંધીજી ક્યારેય વાચકો કે શ્રોતાઓને પ્રભાવિત કરવા માટે ભારેખમ શબ્દોનો ઉપયોગ કરતા નહીં. તેમનું લખાણ અને બોલચાલ અત્યંત સરળ, ટૂંકી અને મુદ્દાસર રહ્યા હતા. ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસરે નોંધ્યું હતું કે ગાંધીજી ભાષાનો એવો સચોટ ઉપયોગ કરતા કે આખું વાક્ય બદલ્યા વગર માત્ર એક યોગ્ય શબ્દથી અર્થ સ્પષ્ટ કરી દેતા. ટૂંકમાં તેમની રજૂઆતમાં લાઘવ હતું. રાજકુમાર હિરાણીની ‘લગે રહો મુન્નાભાઈ’ના સંવાદ ‘ગાંધીજી ને કહા થા કી બુરાઈ કે પિછે ભી ઈન્સાન હોતા હૈ. બુરાઈ સે ઘૃણા કરો, બૂરે સે નહીં’ અને ‘બોલે તો ‘ગાંધીગીરી ઝિંદાબાદ’માં ગાંધી વિચારોનો જ પડઘો પડે છે ને.
રિચર્ડ એટનબરોની ફિલ્મનો સંવાદ ‘જ્યારે પણ નિરાશા મને ઘેરી વળે છે ત્યારે ચિત્તમાં સંગ્રહી રાખેલી વાત સાંભરી આવે છે કે સત્ય અને પ્રેમનો કાયમ વિજય થયો છે એ ઈતિહાસ દર્શાવે છે’માં પણ એ જ વાત નજરે પડે છે. વિસરાઈ ગયેલો આ ગાંધી વિચાર આજે પ્રસ્તુત છે? ‘ગાંધી માય ફાધર’નો ‘હિન્દુસ્તાન કા દિલ ઉસકે ગાઓં મેં ધડકતા હૈ’ સંવાદ આજે પણ મહત્ત્વ ધરાવે છે. આ ફિલ્મનો પુત્ર હરિલાલ ગાંધીની વ્યથા - હતાશા વ્યક્ત કરતો સંવાદ ‘તમે મારી પાંખો કાપી નાખી... હવે હું કેવી રીતે ઉડીશ?’ પણ ચોટદાર છે.