Mon Oct 05 2026

Logo

મનોરંજનનું મેઘધનુષઃ યશરાજ બેનરમાં પીઆરઓ તરીકે કામ કરતાં અચાનક નસીબે યારી આપી ને એ બની ગઈ એક અદાકારા પરિણીતી ચોપરા

2026-10-02 07:55:00
Author: Umesh Trivedi
મનોરંજનનું મેઘધનુષઃ યશરાજ બેનરમાં પીઆરઓ તરીકે કામ કરતાં અચાનક નસીબે યારી આપી ને એ બની ગઈ એક અદાકારા પરિણીતી ચોપરા

ઉમેશ ત્રિવેદી

હરિયાણાના અંબાલામાં પંજાબી હિન્દુ કુટુંબમાં જન્મેલી પરિણીતી ચોપરા એ ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપરા, બોલિવૂડની અભિનેત્રીઓ મીરા ચોપરા અને મનારા ચોપરાની ‘કઝિન સિસ્ટર’ છે. અંબાલાની કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી શાળામાં અભ્યાસ કરીને માત્ર 17 વર્ષની ઉંમરે તે વધુ શિક્ષણ માટે ઈંગ્લેન્ડ ગઈ હતી.


ઈંગ્લેન્ડમાં અલાયન્સ માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ, ફાયનાન્સ અને ઈકોનોમિક્સના વિષયમાં ત્રણ-ત્રણ ઓનર્સ ડિગ્રી મેળવ્યા પછી તે ભારત આવી. માન્ચેસ્ટર કૉલેજમાં અભ્યાસ દરમિયાન તે માન્ચેસ્ટર યુનાઇટેડ એફ.સી.ના કેટરિંગ ડિપાર્ટમેન્ટમાં ટીમ લીડર તરીકે પાર્ટટાઇમ નોકરી કરતી હતી.


પરિણીતી ચોપરા અભ્યાસમાં તો આગળ હતી જ પણ સાથોસાથ તેણે સંગીતમાં પણ ડિગ્રી મેળવી છે અને તેણે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ મેળવી છે અને સારી ગાયિકા પણ છે.


2009માં પરિણીતી મુંબઈ પાછી ફરી અને યશરાજ ફિલ્મ્સના માર્કેટિંગ વિભાગમાં ઇન્ટર્ન તરીકે જોડાઈ અને પછી તે પબ્લિક રિલેશન ક્ધસલ્ટન્ટ તરીકે પણ કામ કરતી હતી. તે સમયે યશ ચોપરાની તેનાં પર નજર પડી અને 2010માં ‘બેન્ડ બાજા બારાત’ના પ્રમોશન દરમિયાન તેને અભિનયના ક્ષેત્રમાં પ્રવેશ કરવાની સલાહ આપી હતી. 


પરિણીતીને ત્યારે અભિનયમાં જરાય રસ નહોતો. તે પી.આર. વિભાગમાં કામ કરીને ખુશ હતી. પણ તેની સાદગી અને સુંદરતા જોઈને યશ ચોપરાએ તેને અભિનેત્રી બનવાની સલાહ આપી હતી. ત્યારે તેનો સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવ્યો અને પછી આદિત્ય ચોપરાએ તેને યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ ત્રણ ફિલ્મોનો કરાર કરી અભિનેત્રી તરીકે સાઈન કરી.


પરિણીતીની યશરાજ બેનરની પહેલી ફિલ્મ હતી ‘લેડિઝ વર્સીસ વિકી બહલ’. આ ફિલ્મમાં રણવીર સિંહ અને અનુષ્કા શર્માની જોડી હતી અને પરિણીતી ચોપરા સહાયક અભિનેત્રી તરીકે હતી,  પણ આ પહેલી જ ફિલ્મમાં પરિણીતીનાં અભિનયના વખાણ થયા .આ ફિલ્મની ભૂમિકા માટે પરિણીતીને ફિલ્મફેર, આઇફા જેવા પ્રતિષ્ઠિત એવૉર્ડસ પણ મળ્યા.


 તેની કારકિર્દીની યશરાજ બેનરની બીજી જ ફિલ્મમાં તેને મુખ્ય અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી. આ ફિલ્મ હતી હબીબ ફૈઝલની ‘ઈશકજાદે.’ આ ફિલ્મથી અર્જુન કપૂરે બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. આ ફિલ્મની ભૂમિકા માટે પરિણીતીની 60મા નેશનલ ફિલ્મ અવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. આમ બીજી જ ફિલ્મમાં નેશનલ એવૉર્ડસ મેળવીને પરિણીતીએ પોતાની અભિનય ક્ષમતા પણ સાબિત કરી દીધી હતી.


પરિણીતી ચોપરાની યશરાજ બેનરની ત્રીજી ફિલ્મ હતી ‘શુદ્ધ દેસી રોમાન્સ.’ આ ફિલ્મમાં તે સુશાંતસિંહ રાજપૂત અને વાણી કપૂર સાથે હતી. આ ફિલ્મમાં પણ તેનો અભિનય વખાણાયો હતો અને પરિણીતી નસીબદાર એટલી હતી કે તેની બધી જ ફિલ્મો બોક્સઓફિસ ગજાવતી હતી. આમ એક પછી એક સુપરહિટ ફિલ્મો આપ્યાં પછી તેણે પહેલીવાર યશરાજ બેનર બહારની ફિલ્મ કરી. આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનની ‘હંસી તો ફંસી’ હતી. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા હતો અને એ ફિલ્મે પણ બોક્સઓફિસ ગજાવી હતી.


યશરાજ ફિલ્મ્સમાં કામ કર્યા પછી અને એક પછી એક સફળ ફિલ્મો આપ્યા પછી પણ પરિણીતી ચોપરા એક સમયે એક જ ફિલ્મમાં કામ કરવામાં માને છે. જોકે 2011થી શરૂ થયેલી કારકિર્દીમાં પરિણીતીએ 2014માં એટલે કે ત્રણ વર્ષ પછી જ બે વર્ષનો ‘બ્રેક’ લીધો હતો. એથી 2014થી 2016 દરમિયાન તેની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નહોતી. હા, આ ગાળામાં તેણે બે-ત્રણ ફિલ્મોમાં મહેમાન કલાકાર જેવી ભૂમિકા જરૂર કરી હતી.


પરિણીતીએ ગંભીર ભૂમિકાઓની સાથે જ કેટલીક કોમેડી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તેમાં 2017માં ‘ગોલમાલ અગેઈન’નો સમાવેશ થાય છે. 2021માં તેની ‘સંદીપ ઔર પિન્કી ફરાર’ નામની બ્લેક કોમેડી ફિલ્મ આવી હતી. તેમાં તેની ભૂમિકા ખૂબ જ વખણાઈ હતી. અભિનય કારકિર્દી દરમિયાન તેણે પોતાની કેટલીક ફિલ્મોમાં ગીત પણ ગાયા છે. તેમાં સૌથી ઉલ્લેખનીય ‘કેસરી’ ફિલ્મનું ‘તેરી મિટ્ટી મેં મિલ જાંવા’નો સમાવેશ થાય છે. કારકિર્દીની શરૂઆતમાં તેનું નામ દિગ્દર્શક મનીષ શર્મા સાથે સંકળાયેલું હતું. ત્યારબાદ સંસદસભ્ય અને રાજકારણી રાઘવ ચઢ્ઢા સાથે તેનું નામ ગાજયું. પણ પરિણીતીએ ક્યારેય પોતાના સંબંધ વિશે કશું જાહેરમાં કહ્યું નહોતું.


રાઘવ ચઢ્ઢા સાથે બે વર્ષના સંબંધ બાદ 24 સપ્ટેમ્બર 2023નાં રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી ‘ધ લીલા પેલેસ’માં તે પારંપરિક હિન્દુ વિધી સાથે પરણી ગઈ. 19 ઓક્ટોબર 2025નાં તેણે નીર નામનાં પુત્રને જન્મ આપ્યો છે. પુત્રના જન્મ પછી તેણે ફિલ્મોથી દૂર રહેવાનું પસંદ કર્યું છે.


હવે 24 સપ્ટેમ્બરથી ‘નેટફ્લિક્સ’ તેની સાત એપિસોડવાળી સિરીઝ ‘શક: ટ્રસ્ટ નો વન’ શરૂ થઈ છે. તેમાં તેની સાથે જેનિફર વિન્ગેટ, સોની રાઝદાન, અનુપ સોની, તાહિર રાજ ભસીન જેવાં કલાકારો છે. આ થ્રિલર સિરીઝમાં પણ પરિણીતીના અભિનયના વખાણ થઈ રહ્યાં છે. આ તેની પહેલી જ વેબ-સિરીઝ છે, પણ એ અગાઉ તે ટીવી પર અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂકી છે.


OTTનું હોટસ્પોટઃ ત્રણ ઓક્ટોબરથી નવ ઓક્ટોબર સુધી શું જોશો?


અત્યારે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે એક દિવસની (પચાસ ઓવરની) મેચની સિરીઝ ચાલી રહી છે. તેમાં ‘રોકો’ને જોવા માટે લોકોએ ફરી સ્ટેડિયમ છલકાવી દીધાં છે. ‘રોકો’ એટલે રોહિત શર્મા અને વિરાટ કોહલી. આ બન્ને બેટ્સમેનો હવે વધુ વખત ક્રિકેટ મેદાન પર દેખાય એવી શક્યતા ઓછી છે. રોહિત શર્માએ તો તેની નવી ઇનિંગ પણ શરૂ કરી દીધી છે. સોની ટીવી અને સોની લિવ પર દર શનિ અને રવિવારે ‘ફેમિલી ફુલ હાઉસ’ નામના કાર્યક્રમમાં તેનાં સંચાલનના વખાણ થઈ રહ્યાં છે. 

આવો આપણે આવતા અઠવાડિયે ઓટીટી પર રજૂ થનારા કાર્યક્રમો વિશે જાણીએ.

*નેટફ્લિક્સ : અહીં બીજી ઓક્ટોબરે ‘શૂમાકર: ધ બર્થ ઓફ લિજેન્ડ’ નામની ડોક્યુમેન્ટરી રજૂ થશે, જે જાણીતા રેસર શૂમાકરના જીવન પર આધારિત છે. બીજી ઓક્ટોબરે જ ‘હેશટેગ લવ’ નામની તમિળ રોમાન્ટિક કોમેડી ફિલ્મ પણ રજૂ થશે. અહીં ચોથી ઓક્ટોબરે ‘આફ્ટર ધ ક્વેક’ નામની ધરતીકંપ પર બનેલી સિરીઝ જોવા મળશે. તે અગાઉ પહેલી ઓક્ટોબરે અહીં ‘ઓહ માય ડોગ’ નામની ફિલ્મ જોઈ શકાશે. એનાં મુખ્ય કલાકારો પંકજ ત્રિપાઠી, રાજેશ કુમાર, પવન મલ્હોત્રા અને વિજય મિશ્રા છે.અહીં પાંચ ઓક્ટોબરે એડવેન્ચર મૂવી ‘સૂપર બૂમી’, સાત ઓક્ટોબરે ‘આઇ એમ સોલો’, આઠ ઓક્ટોબરે સસ્પેન્સ ડ્રામા ‘બિલો’, નવ ઓક્ટોબરે ‘ટેક ચાર્જ ઓફ માય હાર્ટ’ અને ‘એનિમલ્સ’ નામની સિરીઝ અને ફિલ્મો જોવા મળશે.

*એમેઝોન પ્રાઈમ: અહીં પહેલી ઓક્ટોબરે ‘દુપહિયા’ની બીજી સીઝનની શરૂઆત થશે. જેનાં મુખ્ય ગજરાજ રાવ, રેણુકા શહાણે અને સ્પર્શ શ્રીવાસ્તવ છે.

*ઝી ફાઇવ: અહીં બીજી ઓક્ટોબરથી ‘પૂજા મેરી જાન’ ફિલ્મનું પ્રસારણ શરૂ થશે. આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર, હુમા કુરૈશી, વિક્રમ સિંહ ચૌહાણ અને વિજય રાજની મુખ્ય ભૂમિકા છે.