નવી દિલ્હીઃ દેશના ચાર રાજ્યોની પાંચ વિધાનસભા અને એક લોકસભા બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે શુક્રવારે જાહેર થઈ રહ્યા છે. આજે સવારે 08:00 વાગ્યાથી જ તમામ બેઠકો પર મતોની ગણતરી શરૂ થઈ ચૂકી છે. 6 ઓક્ટોબરે યોજાયેલા ભારે મતદાન બાદ આજે તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે. બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે આ પરિણામો માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ રાષ્ટ્રીય રાજકારણની દિશા નક્કી કરવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે.
મુસ્લિમ મતદારોની નોંધપાત્ર વસ્તી ધરાવતી બેઠક ત્રિપાંખિયો જંગ
પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા બેઠકોના પરિણામો પર સૌથી વધુ રાજકીય ચર્ચા થઈ રહી છે. ભાજપ માટે આ ચૂંટણી એક મોટા રાજકીય ટેસ્ટ સમાન છે. નંદીગ્રામ બેઠક પર ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ 2026ની ચૂંટણીમાં જીત મેળવી હતી, પરંતુ ભવાનીપુર બેઠક પોતાની પાસે રાખતા નંદીગ્રામ બેઠક ખાલી પડી હતી. નંદીગ્રામમાં 80.89% જ્યારે રેજીનગરમાં 80.08% જેટલું ભારે મતદાન નોંધાયું હતું.
બીજી તરફ, રેજીનગર બેઠક પર મુકાબલો ખૂબ જ રસપ્રદ છે. અહીં આમ જનતા ઉન્નયન પાર્ટીના વડા હુમાયુ કબીરના પુત્ર ગુલામ નબી આઝાદ ઉમેદવાર છે. મુસ્લિમ મતદારોની નોંધપાત્ર વસ્તી ધરાવતી આ બેઠક પર ભાજપ, તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસ અને સીપીઆઈ(એમ) વચ્ચે બહુકોણીય જંગ ખેલાઈ રહ્યો છે.
તમિળનાડુની મદુરાંતકમ અને ધારાપુરમ બેઠકોના પરિણામો પણ અત્યંત અગત્યના ગણાવાય છે. મે મહિનામાં રચાયેલી નવી TVK સરકાર માટે આ પ્રથમ ચૂંટણી પરીક્ષા છે. AIADMK આ બંને બેઠકો પર પુનરાવર્તન કરીને વાપસી કરવાના પ્રયાસમાં છે. મતદાન બાદ બંને જગ્યાએ EVM અને VVPATને ભારે સુરક્ષા વચ્ચે થ્રી-ટાયર સિક્યોરિટીમાં રાખવામાં આવ્યા છે. પુડુચેરીની થટ્ટનચાવડી વિધાનસભા બેઠક પર પણ આજે ચિત્ર સ્પષ્ટ થશે, જ્યાં 80.8% મતદાન થયું હતું. આ બેઠક મુખ્ય પ્રધાન એન. રંગાસામી દ્વારા બે બેઠકોમાંથી મંગલમ બેઠક જાળવી રાખીને થટ્ટનચાવડી બેઠક ખાલી કરવાને કારણે અહીં પેટાચૂંટણી યોજાઈ હતી.
અસમની નાગાંવ લોકસભા બેઠક પર કુલ 15 ઉમેદવારો મેદાનમાં છે, પરંતુ વાસ્તવિક મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને AIUDF વચ્ચે મનાઈ રહ્યો છે. ભાજપએ પોતાના પૂર્વ અમલદાર દેવાશીષ શર્મા, કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય શિવમણિ બોરા અને AIUDFએ પાર્ટી પ્રમુખ બદરૂદ્દીન અજમલને ઉમેદવાર બનાવ્યાં છે. આ બેઠક કોંગ્રેસ સાંસદ પ્રદ્યુત બોરદોલોઈ ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ખાલી થઈ હતી. નાગાંવમાં આશરે 76% મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હવે આ બેઠકો પર આજે પરિણામ જાહેર થવાના છે.